ડાકોરમાં બુટલેગરે આધેડ શખ્સ સાથે મારમારી કરી છે. તે દારૂની રેડ કેમ પડાવી તેમ કહી બુટલેગરે આધેડ શખ્સ પર ચપ્પા વડે હુમલો કર્યો છે. આ અંગે ઘવાયેલા શખ્સે ડાકોર પોલીસ મથકે હુમલો કરનાર બુટલેગર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.
ડાકોરમાંપી.ડબ્લ્યુ.ડી સામે રહેતા 53 વર્ષીય રમેશ ખાંટ ગતરોજ સાંજના સાડા પાંચ વાગ્યાની આસપાસ ઘરેથી ડાકોર બજારમાં જવા નીકળ્યા હતા. તેઓ શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલ મહાકાળી માતાના મંદિર નજીક પહોંચતા અહીંયા રહેતો અને દારૂનો વેપલો કરતો અતુલ પરમારે રમેશભાઇને અટકાવ્યા હતા. જે બાદ ઉશ્કેરાઈ જઈ રમેશભાઇને અપશબ્દો બોલવા લાગ્યો હતો. પરંતુ રમેશભાઇએ તે ગણકાર્યુ નહોતું અને થોડે આગળ જઈ અતુલે રમેશભાઇને જણાવ્યું કે તું કેમ અમારા દારૂના ધંધામાં દખલ કરે છે. તે મારા ઘરે રેડ કેમ પડાવી તેમ કહી બુટલેગર અતુલે પોતાના પાસે રાખેલુ ચપ્પુ કાઢી રમેશ ખાંટ પર હુમલો કર્યો હતો. રમેશભાઇને ચપ્પુ શરીરના ભાગે તેમજ ગળાના ભાગે વાગી જતાં તેઓ ઘવાયા
રમેશભાઇએ બુમરાણ મચાવતાં તેની પત્ની અને તેમનો સાળો બનાવ સ્થળે દોડી આવ્યા હતા. જેથી હુમલાખોર અતુલ પલાયન થઈ ગયો હતો. જે બાદ ઘવાયેલા રમેશભાઇને તુરંત સારવાર અર્થે નજીકના સરકારી દવાખાનામાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે રમેશ ખાંટની ફરિયાદના આધારે ડાકોર પોલીસે આઈપીસી 324, 323, 504, 506(2) મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.