સત્તા પરિવર્તન/ “કેપિટલ હિલ” – આટલી વખત સત્તા પલટી પણ ભારતમાં અમેરિકા જેવું ક્યારેય થયું નથી જ

ભારતમાં અનેક વખત સત્તા પલ્ટા થયા છે, પરંતુ વિજેતાને શાંતિથી સત્તાની સોંપણી થઈ છે. અમેરિકામાં જે કાંઈ બન્યું, તેનાથી દુશાસન કરતા વધારે ખતરનાક તત્વોએ લોકશાહીનાં ચિરહરણ સાથે લોહી પણ વહેવડાવ્યું.

Top Stories India Trending Mantavya Vishesh
usa "કેપિટલ હિલ" - આટલી વખત સત્તા પલટી પણ ભારતમાં અમેરિકા જેવું ક્યારેય થયું નથી જ

ભારતમાં અનેક વખત સત્તા પલ્ટા થયા છે, પરંતુ વિજેતાને શાંતિથી સત્તાની સોંપણી થઈ છે. અમેરિકામાં જે કાંઈ બન્યું, તેનાથી દુશાસન કરતા વધારે ખતરનાક તત્વોએ લોકશાહીનાં ચિરહરણ સાથે લોહી પણ વહેવડાવ્યું.

વિશ્વમાં ત્રણ મોટા લોકશાહી

વિશ્વમાં જે ત્રણ મોટા લોકશાહી દેશ છે, તેમાં અમેરિકા, ભારત અને બ્રિટનની ગણના થાય છે. બ્રિટનમાં તો ચૂંટણી શાંતિમય રીતે પૂર્ણ થઈ જાય છે, ત્યાં મોટે ભાગે ત્રણ પક્ષો વચ્ચે ચૂંટણી જંગ ખેલાતો હોય છે. અમેરિકામાં ડેમોક્રેટીક્સ અને રીપબ્લીકન બે જ પક્ષ હોય છે. તેના વચ્ચે જંગ ખેલાય છે. ૨૦૧૩ પહેલા ડેમોક્રેટીકના ઓબામા હતા, ત્યાર પછીની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ માત્ર ઈલેક્ટ્રોલ ગણાતા મતોમાં સરસાઈ મેળવી જીત્યા હતા. બાકી તે વખતે પણ પ્રજાના મતમાં તો ડેમોક્રેટીક પાર્ટીના ઉમેદવાર હીલેરી ક્લીન્ટનની જ સરસાઈ હતી. બળજબરીથી સત્તા પર આવેલા ટ્રમ્પે શાસન ચલાવ્યું અને ઘણા છબરડા પણ વાળ્યા. અમેરિકા માટે વિશ્વાસુ મિત્ર તો ન ઉભા કરી શક્યા, પરંતુ દુશ્મનો ઉભા કર્યા.

@વરિષ્ટ પત્રકાર અને કટાર લેખક, હિંમત ઠક્કરની કલમથી…
himmat thhakar "કેપિટલ હિલ" - આટલી વખત સત્તા પલટી પણ ભારતમાં અમેરિકા જેવું ક્યારેય થયું નથી જ

અમેરિકાનું ચૂંટણી ચીત્ર

છેલ્લા એક વર્ષમાં તેમને વાસ્તવિક સ્થિતિ સમજાઈ ગઈ એટલે તેમણે મૂળ ભારતીયોના સહારે ચૂંટણી જીતવા બે ખેલ પાડ્યા. જેમાં પહેલો ખેલ અમેરિકામાં ભજવાયો જેને હાઉડી – મોદી નામ અપાયું, તો બીજો ખેલ ભારતમાં ભજવાયો તેને નમસ્તે ટ્રમ્પ નામ અપાયું. પરંતુ આ ટ્રમકાર ચાલ્યું નહિ. એક ભારતીય બહુમતી ધરાવતા વિસ્તારને જ બાદ કરતા બાકીના મૂળ ભારતીયોની વસ્તીવાળા વિસ્તારોમાં ટ્રમ્પને સરસાઈ ન મળી. તમામ રાજ્યોની મત ગણતરી પૂર્ણ થઈ, ત્યારે ભૂતકાળમાં કોઈને ન મળી હોય તેવી તોતીંગ સરસાઈ જો બાઈડનને મળી હતી. ભારતીય મૂળના ડો. કમલા હેરીસ ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા ઈલેક્ટોટલ કોલેજમાં જે મતો મળ્યા તેમાં પણ ૩૦૬ મત સાથે બાઈડન જીત્યા.

કેપિટલ હિલ કાંડ

જ્યારે આ જીતને બહાલી આપવા માટે અમેરિકી સંસદની બેઠક મળી, ત્યારે ટ્રમ્પના સમર્થકોએ સંસદ પરિસરમાં ઘુસી દેકારો કર્યો. ગોળીબાર કર્યા કામને અટકાવવા પ્રયાસ કર્યો ૪ના મોત થયા ઘણા ઘાયલ થયા. અમેરિકા માટે છઠ્ઠી ડિસેમ્બર બુધવારનો દિવસ કલંકિત બની ગયો ઈલેક્‌ટોરલ મતોની ગણતરીમાં ટ્રમ્પની હાર નિશ્ચિત જ છે, છતાં ટ્રમ્પે પોતાના ટેકેદારોને હિંસા માટે પ્રેરણા આપી જે ખૂની ખેલ ખેલાવ્યો તેના વિશ્વમાં ઘેરા પડઘા પડ્યા છે. હાર્યો જુગારી બમણું રમે તે કહેવત તો ઠીક છે, આમા તો આ હારેલા જુગારીએ ભારતમાં જે સંસદને પણ મંદિર સમાન ગણવાની આગવી પ્રણાલિકા છે, જ્યારે જગતના જમાદાર અને વિશ્વની લોકશાહીના છડીદાર હોવાના ગાણા ગાતા અમેરિકાની સંસદને રક્તરંજિત કરાઈ અને આ માટે ટ્રમ્પના સમર્થકો જવાબદાર છે. મહાભારતના દુશાસને જેમ દ્રૌપદીનું ચીરહરણ કર્યું હતું, તેવી જ રીતે અમેરિકામાં પેદા થયેલા આ દુશાસનોની જમાતે અમેરિકાની સંસદમાં લોકશાહીનું ચીરહરણ તો કર્યું જ પણ સાથો સાથ લોહી લુહાણ પણ કર્યું.

વિશ્વભરનાં આ નેતાઓએ કાંડને વખોડ્યો

ટ્રમ્પના પૂરોગામી બરાક ઓબામાએ આ બનાવની આકરા શબ્દોમાં ટીકા કરી અમેરિકા માટે એક શરમજનક દિવસ ગણાવ્યો. અમેરિકાની સંસદના અને ડોનાલ્ડ ટ્રમ્પના ટેકેદાર ગણાતા અમેરિકી સંસદોએ પણ ટ્રમ્પના સમર્થકોના આ વલણને વખોડ્યું. ઓબામા અને ટ્રમ્પ બન્નેના મિત્ર ગણાતા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ ટ્‌વીટ કર્યું કે, અમેરિકામાં સંસદમાં હોબાળાના સમાચારથી હેરાન છું સત્તાનું હસ્તાંતરણ શાંતિમય અને વ્યવસ્થિત રીતે થવું જોઈએ. લોકશાહી પ્રક્રિયાને ક્યારેય હિંસાથી પ્રભાવિત નહિ કરી શકાય. આમ ભારતની લોકપ્રિય વડાપ્રધાને ચાર પાંચ શબ્દોમાં ટ્‌વીટમાં ઘણું કહી દીધું છે. ૩જી નવેમ્બરે ચૂંટણી થઈ ત્યાર બાદ પરિણામો જાહેર થયા ત્યારથી ટ્રમ્પે એક પછી એક વિવાદો ઉભા કર્યા છે. ચૂંટણી પ્રક્રિયાને ખોરવવાનો પ્રયાસ કર્યો છે તેમાં ફાવ્યા નહિ એટલે આખરે હિંસાખોરીનો માર્ગ લેવા અમેરિકા સ્થિત પોતાની પાર્ટીના સમર્થકોને પ્રેરણા આપી છે. નવા ચૂંટાયેલા પ્રમુખ બાઈડનની શપથવિધિ ૨૦મીએ છે તે પહેલા તેમની સત્તાનો દુરૂપયોગ કરતા હાલના તબક્કે તેમની સત્તા છીનવી લેવાઈ ગઈ છે બાઈડનની જીતને બહાલી આપવાની કામગીરી પૂર્ણ થયા બાદ ટ્રમ્પને વ્હાઈટ હાઉસ તો છોડવું જ પડશે અને જાે જીદ કરશે તો ત્યાંના સુરક્ષા દળો પણ ટ્રમ્પને ધક્કો મારી વ્હાઈટ હાઉસની બહાર ધકેલી દેશે તે પણ એક નિશ્ચિત બાબત છે.

વિશ્વમાં સત્તાહસ્તાંતરણમાં હિંસાનો પ્રથમ દાખલો ટ્રમ્પે બેસાડ્યો

વિશ્વના તમામ લોકશાહી દેશોમાં ચૂંટણી યોજાઈ છે. શાસક પક્ષની હાર પણ થાય છે. પરંતુ ક્યારે પણ કોઈ શાસક પક્ષે વિજેતાને સત્તાનું હસ્તાંતરણ કરતા પહેલા હિંસાખોરી આચરી હોય તેવું ક્યારેય બન્યું નથી. જ્યાં લશ્કરી શાસન બાદ લોકશાહી રીતે જીતેલા નેતાને દેશની શાસનધુરા સોંપવાની હોય, ત્યારે પણ કોઈ શાસકે ક્યારે પણ ટ્રમ્પ જેવી મુર્ખામી કે વખોડવા લાયક નિંદનીય કૃત્યુ કર્યું નથી. છેલ્લા એક વર્ષમાં વિશ્વના ઘણા દેશોમાં સત્તા પલ્ટા થયા પરંતુ કોઈ દેશમાં આવુ બન્યું નથી.

વિશ્વના બદનામ શાસકોની યાદીમાં ટ્રમ્પ થયા સામેલ

ટ્રમ્પને લોકોએ પછડાટ આપીને વ્હાઈટ હાઉસમાંથી દુર કરતો ચુકાદો આપ્યો. છતાં તેમણે સતત એક મહિના કરતા વધુ સમય સુધી ધમપછાડા કર્યા છે. કાનુની જંગ ખેલ્યો છે પરંતુ તમામમાં તેને પછડાટ મળી છે. તેથી જ ટ્રમ્પે હિંસાખોરી શસ્ત્ર ઉગામ્યું છે અને તેના કારણે વિશ્વના બદનામ શાસકોની યાદીમાં તેમનું નામ ઉમેરાઇ ગયું છે. તે તો ઠીક પણ આ પ્રકારના નાલાયકીપણાના કારણે તેમણે નાલાયકશી કોઈ કહે તો જરાય આશ્ચર્ય કે નવાઈ પામવા જેવું નથી. સોશ્યલ મીડિયામાં તો એવી ટકોર પણ આવી છે કે ટ્રમ્પ ખુરશી ગુમાવવામાં નિષ્ફળ જતા લોહી તરસ્યા બન્યા છે અને કોરોનાના સંક્રમણ સમયગાળામાં જ્યાં મૃત્યુ આંક ઉંચો છે. વસ્તીના પ્રમાણમાં કેસ વધારે છે. રીકવરી રેટ ઓછો છે તે અમેરિકામાં કોરોના પીડિત લોકોની વહારે ચડવા નવા શાસકોને ટેકો આપવાના બદલે કોરોના સામેના જંગનો શપથવિધિ વહેલા તખ્તો તૈયાર કરનાર બાઈડનના માર્ગમાં અવરોધ ઉભો કરવા પ્રયાસ કર્યો છે. આ હવનમાં હાડકા નાખવા જેવું કૃત્ય છે.

આતંકી હુમલા છતા ભારતીય સંસદભવનની અંદર ગોળીબાર થયો નથી જ

ભારતની સંસદમાં હોબાળો થાય. દેકારો થાય, પરંતુ હિંસા ક્યારેય ગોળીબાર થયો નથી અને તો થવાનો પ્રશ્ન જ નથી. સંસદ ભવનને નષ્ટ કરવા આવેલા પાકિસ્તાન પ્રેરીત આતંકીઓ સંસદના સંકુલમાં ભલે ગોળીબાર કરી શક્યા, પરંતુ ભારતીય લોકશાહીના મંદિર સમા સંસદગૃહ સુધી પહોંચી શક્યા નથી. એટલું જ નહિં પણ આ ત્રાસવાદીઓને પોતાના પ્રાણ ગુમાવવા પડ્યા છે. અમરેકિામાં તો સંસદ ભવનમાં ઘુસેલા ટ્રમ્પના સમર્થકો તો આતંકવાદીઓ કરતા પણ વધુ ભયાનક કહી શકાય તેવું કૃત્ય આચર્યું છે.

સત્તાહસ્તાંતરણ અને ભારતનો આવો છે ઉજળો ઇતિહાસ

અટલી વખત થયું છે સત્તા પરિવર્તન

ભારતની વાત કરીએ તો ભારતમાં તો ઘણી વખત સત્તા પલ્ટો થયો છે. પ્રથમ સત્તા પલ્ટો ૧૯૭૭માં થયો, ત્યારે વડાપ્રધાન ઈન્દિરા ગાંધી અને તેમની ટીમ હારી હતી. છતાંય તેમણે મોરારજી ભાઈને વડાપ્રધાન પદની બાબતમાં કોઈ અવરોધો ઉભા કર્યા નહોતા. ૧૯૮૦માં ઈન્દિરા ગાંધી ફરી સત્તાપર આવ્યા તે વખતના શાસક પક્ષે પણ જરા સરખો અવરોધ ઉભો કર્યો નહોતો. ૧૯૮૯માં રાજીવ ગાંધીની આગેવાની હેઠળ કોંગ્રેસની હાર થઈ, ત્યારે પણ રાજીવ ગાંધીએ કે તેમના પક્ષે આવી કોઈ બબાલ કરી નહોતી. ત્યારબાદ વીપીસિંહ ચંદ્રશેખર, પીવી નરસિંહરાવ, દેવગૌડા, આઈ કે ગુજરાલ અને ૨૦૦૪માં અટલ બિહારી વાજપેયી, તો 2014માં મનમોહનસિંહને સત્તા છોડવી પડી ત્યારે તેમના ટેકેદારોએ ક્યારેય આવો હોબાળો મચાવ્યો નહોતો.

આવા સંવેદનશીલ બનાવોમાં પણ રહી છે શાંતી

૧૯૯૬માં માત્ર ૧૩ દિવસ વડાપ્રધાન રહેલા અટલજીએ તો સંખ્યાબળ સામે મારી હાર સ્વીકારૂ છું એમ કહીને સત્તા છોડી હતી. તો ૧૯૯૯માં માત્ર ૧ મતે સંસદમાં શાસક પક્ષનો ઠરાવ ઉડી ગયો, ત્યારે પણ લોકસભાના સ્પીકરના ફ્લીંગ બાદ અટલજી સીધા રાષ્ટ્રપતિ ભવન જઈ પોતાની સરકારનું રાજીનામું સુપ્રત કર્યું હતું. આ પહેલા ૧૯૭૮માં મોરારજીભાઈ અને ચરણસિંઘે પણ શાંતિ સત્તા છોડી હતી. ૨૦૧૪ની સંસદીય ચૂંટણીમાં કોંગ્રેસનો ધબડકો થયો અને ૧૦ વર્ષના કોંગ્રેસી શાસનનો અંત આવ્યો ત્યારે પણ કોંગ્રેસે મતદારોના ચૂકાદાને શિરોમાન્ય ગણી સત્તા છોડી દઈ લોકશાહી મૂલ્યોને જાળવ્યા હતા.

સંસદ તો ઠીક રાજ્ય વિધાનસભાએ પણ કદી આવો કાળો દિવસ જોયો નથી

અનેક રાજ્યોમાં અનેક વખત સત્તાંતરણ થયું પણ ગોળીબાર નહીં

સંસદ તો ભારત માટે ખુબ મોટી વાત કહી શકાય, પરંતુ રાજ્યોની વિધાનસભાઓમાં પણ ઘણા સ્થળે ઘણીવાર સત્તા પલ્ટા થયા છે. લોક ચૂકાદાના કારણે તો ઠીક પણ પક્ષાંતરના કારણે પણ અનેક રાજ્યમાં અનેક વખત કે વખતો વખત સત્તા પલ્ટા થયા છે, ત્યારે પણ ક્યારેય કોઈએ વિધઆનસભામાં ગોળીબાર કર્યા નથી. વિધાનસભામાં દેકારો થાય. સૂત્રોચ્ચારો થાય કોઈક કિસ્સામાં અધ્યક્ષ સ્થાને બેઠેલા ડેપ્યુટી સ્પીકરને ટલ્લે પણ ચડાવાય, પરંતુ ગોળીબાર તો ક્યારેય થયો નથી.

મારામારી અને માઇક ઉડ્યા પણ ગોળીબારે આબરુ નથી ઉડાળી

યુપી વિધાનસભામાં ભુતકાળમાં ધારાસભ્યોએ મારામારી કરી છે. તામિલનાડુમાં પણ મારામારીના બનાવ બન્યા છે. પરંતુ ક્યારેય ગોળીબાર થવાનો બનાવ બન્યો નથી. તેમાંય ઉપર જણાવી ગયા તે પ્રમાણે સત્તાના હસ્તાંતરણ વખતે તો ક્યારેય આવો બનાવ બન્યો નથી. તેટલું ગૌરવ ભારત લઈ શકે તેમ છે. ભારતની લોકશાહી ૧૯૪૮માં ઘડાયેલા બંધારણ બાદ ૧૯૫૨થી વિધિવત રીતે અમલમાં આવેલી છે. તેમ આમ ભારત અમેરિકા કરતા લોકશાહીમાં જુનિયર છે. અને ભારતમાં વિવિધ વિચારધારા ધરાવતા રાજકારણીઓ છે છતાં પણ ભારતમાં ક્યારેય પણ આવા બનાવો બન્યા નથી તેનું ગૌરવ ભારતીયો લઈ શકે તેમ છે. પરંતુ પરાજય ન પચાવી શકનાર ટ્રમ્પ અને તેના સમર્થકોએ અમેરિકાની સંસદમાં જે ખુનીખેલ ખેલ્યો છે તે જગતના જમાદાર એવા અમેરિકા માટે કલંકીત કરનારો બનાવ છે. આ બધા તત્વો લોકશાહીના દુશાસનો અને દુર્યોધનો કરતા વધારે ખરાબ પરિબળો છે તેમતો કહેવું જ પડશે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…