World News : કેપ્ટન સ્મિત હુમલા કેસ (Captain Smit Attack)માં હવે ઓસ્ટ્રેલિયાની એન્ટ્રી થઈ છે. 30 સપ્ટેમ્બરે ફ્લાયદુબઈની ફ્લાઇટ FZ1073 (flydubai FZ1073)માં ભારતીય કેપ્ટન સ્મિત માછર પર કો-પાયલટ હમામ અલ-હમામીએ કથિત રીતે ક્રેશ એક્સ વડે હુમલો કર્યો હતો. આ ઘટના બાદ વિમાનનું નિયંત્રણ મેળવવાનો પ્રયાસ થયો હોવાના અહેવાલો સામે આવ્યા હતા. હવે તપાસનો વ્યાપ અનેક દેશો સુધી પહોંચી રહ્યો છે.
ઓસ્ટ્રેલિયા કેમ તપાસ કરી રહ્યું છે?
અહેવાલો અનુસાર, અલ-હમામી (Hamam Al-Hamami)ને 2014માં ઓસ્ટ્રેલિયાનો વિદ્યાર્થી વિઝા મળ્યો હતો અને તેણે 2015થી 2017 દરમિયાન ત્યાં અભ્યાસ કર્યો હતો. બાદમાં 2019માં તેનો વિદ્યાર્થી વિઝા રદ કરવામાં આવ્યો હોવાની માહિતી સામે આવી છે.
હવે ઓસ્ટ્રેલિયાની Victorian Joint Counter Terrorism Team (VIC JCTT) તેના ઓસ્ટ્રેલિયા કનેક્શનની તપાસ કરી રહી છે. આ ટીમમાં Australian Federal Police (AFP), Victoria Police અને Australian Security Intelligence Organisation (ASIO) સામેલ છે.
તપાસનો મહત્વનો મુદ્દો એ છે કે ઓસ્ટ્રેલિયામાં રહેતા સમયગાળા દરમિયાન અલ-હમામી (Hamam Al-Hamami)ની પ્રવૃત્તિઓ શું હતી અને શું તે સમયે તેના વિચારોમાં કોઈ કટ્ટરપંથી પ્રભાવ આવ્યો હતો.
ફ્લાઇટમાં શું થયું હતું?
30 સપ્ટેમ્બરે ફ્લાયદુબઈની FZ1073 ફ્લાઇટ દુબઈથી તેલ અવીવ જઈ રહી હતી. આરોપ છે કે કો-પાયલટ અલ-હમામીએ કોકપીટમાં કેપ્ટન સ્મિત મચ્છર પર ક્રેશ એક્સ વડે હુમલો ((Captain Smit Attack))કર્યો અને વિમાનનું નિયંત્રણ મેળવવાનો પ્રયાસ કર્યો.
આ દરમિયાન વિમાન ખૂબ જ ઝડપથી નીચે આવ્યું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. ગંભીર રીતે ઘાયલ હોવા છતાં કેપ્ટન સ્મિતે કોકપીટનો દરવાજો ખોલવામાં સફળતા મેળવી. ત્યારબાદ મુસાફરો અને ક્રૂએ અલ-હમામીને કાબૂમાં લીધો.
આ ઘટનામાં બે ઑફ-ડ્યુટી પાઇલટ્સે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે વિમાનને સ્થિર કરવામાં મદદ કરી અને અંતે સાઉદી અરેબિયામાં તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું.
ઓમાન એરનો જૂનો રેકોર્ડ પણ તપાસમાં
અલ-હમામી (Hamam Al-Hamami)અગાઉ ઓમાન એર સાથે જોડાયેલો હતો. અહેવાલો અનુસાર, ત્યાં તેની ઓનલાઈન પ્રવૃત્તિઓ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી અને તે ઉગ્રવાદી વેબસાઇટ્સની મુલાકાત લેતો હોવાની માહિતી અધિકારીઓ સુધી પહોંચી હતી.
ત્યારબાદ તેને ફ્લાઇટ ડ્યુટીમાંથી દૂર કરીને વહીવટી કામગીરી સોંપવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે. અહેવાલોમાં એવો પણ ઉલ્લેખ છે કે તેણે બાદમાં કટ્ટરપંથી વિચારોમાંથી બહાર આવવા માટેના કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
હવે તપાસકર્તાઓનો મોટો સવાલ એ છે કે આવી પૃષ્ઠભૂમિ હોવા છતાં તે ફ્લાયદુબઈ સુધી કેવી રીતે પહોંચ્યો અને તેની ભરતી પહેલાં કંપનીને તેના જૂના રેકોર્ડ વિશે કેટલી માહિતી હતી.
સીરિયા અને બ્રિટન કનેક્શન પણ તપાસમાં
અલ-હમામીના પિતા ઓમાની અને માતા સીરિયન હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. તેણે જીવનનો એક સમય સીરિયામાં પણ વિતાવ્યો હતો. આ સમયગાળા દરમિયાન સીરિયા ગૃહયુદ્ધની સ્થિતિમાંથી પસાર થઈ રહ્યું હતું અને વિવિધ ઉગ્રવાદી સંગઠનો સક્રિય હતા.તપાસકર્તાઓ હવે એ પણ તપાસી રહ્યા છે કે અલ-હમામીના વિચારોમાં કોઈ મોટો બદલાવ સીરિયામાં રહેતા સમય દરમિયાન આવ્યો હતો કે નહીં.
આ ઉપરાંત, તેના શૈક્ષણિક રેકોર્ડમાં બ્રિટનનું કનેક્શન પણ સામે આવ્યું છે. CNNના અહેવાલ મુજબ, તેના નામે અગાઉની LinkedIn પ્રોફાઇલમાં બકિંગહામશાયર ન્યૂ યુનિવર્સિટી સાથે જોડાયેલા રિમોટ લર્નિંગ કોર્સનો ઉલ્લેખ હતો.
સોશિયલ મીડિયા પરથી શું મળ્યું?
તપાસનો એક મહત્વનો ભાગ તેની જૂની સોશિયલ મીડિયા પ્રવૃત્તિઓ પણ છે. અહેવાલો અનુસાર, તેના ડિલીટ કરાયેલા X એકાઉન્ટના અનેક જૂના સ્ક્રીનશોટ ઓનલાઈન ઉપલબ્ધ છે.આ પોસ્ટ્સમાં મહિલાઓ, નોકરી કરતી મહિલાઓ અને ધાર્મિક જીવનશૈલી અંગે તેના રૂઢિચુસ્ત વિચારો જોવા મળ્યા હોવાનું જણાવાયું છે. તપાસકર્તાઓ આ પોસ્ટ્સને તેની વિચારસરણી સમજવા માટેના સંભવિત પુરાવા તરીકે તપાસી રહ્યા છે.
હવે સૌથી મોટા સવાલો
આ કેસમાં તપાસ એજન્સીઓ સામે અનેક મહત્વના પ્રશ્નો છે. અલ-હમામી ઓસ્ટ્રેલિયામાં હતો ત્યારે તેની પ્રવૃત્તિઓ શું હતી? ઓમાન એર સાથે જોડાયેલા તેના જૂના રેકોર્ડની જાણ કોને હતી? ફ્લાયદુબઈએ તેની પૃષ્ઠભૂમિની કેટલી તપાસ કરી હતી? હુમલો વ્યક્તિગત નિર્ણય હતો કે તેની પાછળ કોઈ નેટવર્ક હતું? અને સૌથી મહત્વનું—તેના કટ્ટરપંથી વિચારોની શરૂઆત ઓસ્ટ્રેલિયા, ઓમાન કે સીરિયામાં ક્યાં થઈ?
હાલ ઓસ્ટ્રેલિયા (Australia Investigation), ઓમાન, UAE, સાઉદી અરેબિયા અને ઇઝરાયલ સહિત અનેક દેશોની એજન્સીઓ અલગ-અલગ પાસાં તપાસી રહી છે. જોકે, કોઈ વિદેશી સંગઠન સાથે અલ-હમામીના સંબંધની સત્તાવાર પુષ્ટિ હજુ થઈ નથી.
