ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઇ છે. અને દરેક પક્ષ એક પછી એક પોતાના ઉમેદવારોના લીસ્ટ પણ જાહેર કરી રહ્યા છે. તો સાથે રાજકીય બેડામાં એક પછી એક ચોંકાવનારી ઘટનાઓ પણ સામે આવી રહી છે. ગુજરાતમાં ઉમેદવારોના નામ જાહેર થતા લગભગ દરેક પક્ષમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. જો કે તેમાં મોખરે કોંગ્રેસ પક્ષ કહી શકાય.
વિરોધના વંટોળમાં ભરતસિંહ સોલંકી પણ ફસાયા હતા. કોંગ્રેસ કાર્યાલય પર જ ભરતસિંહ સોલંકીએ વિરોધનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાત કોંગ્રેસની મુખ્ય ઓફીસ અમદાવાદ ખાતે જ ચોંકાવનારો ઘટનાક્રમ બન્યો છે. કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકી પર શાહી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુજરાતની એલીસબ્રીજ વિધાનસભા બેઠકના દાવેદાર રશ્મિકાંત સુથારના પુત્ર દ્વારા ભરતસિંહ પર શાહી ફેંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે એલીસબ્રીજ ઉમેદવાર ગણાતા રશ્મિકાંત સુથારના પુત્ર રોમીન સુથાર દ્વારા ભરતસિંહ પર શાહી ફેંકવાનો પ્રયાસ કર્યો હતો. જો કે સદનશીબે શાહી તેમના કપડા પર પડી હતી. આ ઘટના બનતા જ કોંગ્રેસના કાર્યકર્તાઓએ તેને અટકાવ્યો હતો. ઉલ્લેખનીય છે કે હાલમાં રશ્મિકાંતના પુત્ર રોમીનની એલિસબ્રિજ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે.
નિષ્ણાંતોનું માનવું છે કે કોંગ્રેસને અંદર અંદરનો આ વિખવાદ જ સૌથી વધારે નડી રહ્યો છે. હવે જોવાનું એ રહ્યું કે આ વિરોધ ક્યાં જઇને અટકે છે.