આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે. “મહિલા દિવસ”. શું મહિલાઓ માટે એક જ દિવસ પૂરતો છે? સ્ત્રીની મહાનતા ને ઉજવવા માટે તો સદીઓ નાની પડે. આ એક દિવસ માટે સ્ત્રી ને દેવી નો દરજ્જો અપાય અને બાકી ના ૩૬૪ દિવસ એ જ દેવીના સન્માન નું ચીરહરણ કરવામાં આવે ! સ્ત્રી ના અપમાન ના વિરોધની લડત માં જે દેશમાં મહાભારત અને રામાયણ થઈ ગઈ, એ જ દેશમાં આજે એક સ્ત્રીના અપમાન સામે ન્યાયની માંગણી માટે મીણબત્તી લઈને લોકો સડક પર આવી ગયા.
આયેશા બાનુંની આત્મહત્યા હોય કે નિર્ભયા બળાત્કાર કાંડ, દિન પ્રતિ દિન હવે એવી ઘટનાઓ જોવા સાંભળવા મળે છે જે આપણને વિચારમાં મૂકી દે છે કે શું આ દેશ ખરેખર સ્ત્રીની મહાનતાને ઓળખી શક્યો છે? શું ખરેખર આપણે સ્ત્રીને દેવીનો દરજ્જો આપ્યો છે? શું ખરેખર આ દેશમાં સ્ત્રીઓ સુરક્ષિત અને સન્માનિત છે?
નાનપણથી જ દરેક સ્ત્રીને કેવી રીતે વર્તન કરવું, કેવી રીતે ચાલવું બોલવું, શું કરવું, શું ન કરવું, કેવી રીતે ઉઠવું બેસવું, બધું જ શીખવાડવામાં આવે છે. ઘરકામમાં નિપુણ બનાવીને માં બાપને એમ લાગે છે કે એમની દીકરી હવે સમજણી થઈ ગઈ, રસોઈ શિખી લીધી એટલે સાસરીમાં એને માન સન્માન મળશે. પણ માન મેળવવા માટે રસોઈ અને ઘરકામ જરૂરી છે? જે છોકરીને રસોઈ ન આવડે, શું એ માન આપવાના લાયક નથી?
આપણે આપણી દીકરીઓ ને ભણાવીને, સારી નોકરી કરાવીને, આત્મનિર્ભર બનતા તો શીખવાડ્યું જ છે. આપણે એમને બીજાને માન આપતા શીખવાડી દઈએ છીએ, પણ પોતાને માન ન મળે ત્યારે ફક્ત સમાધાન કરતાં જ કેમ શીખવાડીએ છીએ? જે માં બાપ પોતાની દીકરીઓ સાથે થયેલા દુષ્કર્મ ને ઢાંકીને એને બધું ભૂલી જવા પર મજબૂર કરે છે, એ માં બાપ પણ એ દીકરીના એટલા જ દોષી છે જેટલા એ દુષ્કર્મ ગુજારનાર.
અપમાન સહન ન કરવું એ વ્યક્તિના ચારિત્રનો એક મહત્વપૂર્ણ અંગ છે. અપમાનની સામે ન લડવું એ પણ પોતાનું અપમાન કરવા જેવું જ છે.
જે સ્ત્રીઓ આત્મનિર્ભર છે, જે આત્મસન્માન સાથે જીવવા માંગે છે, જે પોતાના સન્માન માટે લડી જાણવું જાણે છે, એમને આપણાં સમાજે મોડર્ન કહીને નીચું દેખાડવાના સારાં પ્રયત્નો કર્યાં છે. જો મોડર્ન સ્ત્રી આવી જ હોય તો પૌરાણિક સ્ત્રીઓ તો આજ કાલની સ્ત્રીઓ કરતાં વધારે જ મોર્ડન ન કહેવાય? દ્રૌપદી, જેને પોતાના અપમાનના વિરોધમાં મહાભારત રચાવી દીધી હોય કે સીતા, જેના માન માટે રાવણદહન થયું હોય.. બધીજ સ્ત્રીઓ ધણી મોડર્ન જ કહેવાય, ખરું ને ?
એક સ્ત્રીને ભણાવું જરૂરી છે, એ જીવનની દરેક પરિસ્થિતિનો સામનો કરી શકે એટલું સક્ષમ બનાવું જરૂરી છે, ઘરકામ શીખવું ફક્ત સ્ત્રીઓ જ નહીં, પુરુષો માટે પણ જરૂરી છે, પણ સૌથી વધારે જરૂરી છે આત્મસન્માન સાથે જીવતા શીખવાડવું. સંયુક્ત કુટુંબમાં કેવી રીતે રહેવું એ સીખ તો માતાપિતા ખૂબ સારી આપે છે, પણ જો ક્યારેક એકલા જીવવાની જરૂર પડે તો કેવીરીતે જીવવું એ શીખવાડે છે? આત્મનિર્ભરતા ફક્ત ભણીને નોકરી કરવાને ન કહેવાય, આત્મનિર્ભરતા તો એ છે જે એકલતામાં પણ ઊંચા મસ્તક સાથે જીવતા શીખવાડે.
જે સ્ત્રી ઘરને સાચવે, સાસરીનાં લોકોને માન આપે, પતિનો દરેક પરિસ્થિતિમાં સાથ આપે, સરસ રસોઈ કરે, બાળકોનો સારો ઉછેર કરે એને સમાજે આદર્શ સ્ત્રીની ગણતરીમાં રાખી છે. નાનપણથી જ એક દીકરીને આદર્શ સ્ત્રી બનવાની શિક્ષા અપાય છે પણ શું એ સ્ત્રીને પોતાના પતિની ક્રૂરતા સામે લડતા શીખવાડાય છે? પતિ પરમેશ્વર હોય એ વાત મગજમાં એવી બેસાડી દીધી છે કે એ પતિના ગુનાહો ને પણ એક સ્ત્રી માફ કરી દે છે. ઘરેલું હિંસા, માનસિક ત્રાસ, વૈવાહિક બળાત્કારને પણ એક સ્ત્રી પતિનો હક માનીને સ્વીકાર કરી લે છે. પતિ, પતિ જ હોય, પરમેશ્વર નહીં, એ વાત પણ હવે માં બાપે પોતાની દીકરીઓને શીખવવાની જરૂર છે.
ગોળ રોટલી કરવાં માટે હાથ કેવી રીતે ફરવો જોઈએ, દીકરીઓને એ શીખવાડવા કરતાં જે હાથ પોતાના ચરિત્ર પર જાય એ તોડતા શીખવાડીએ તો આ દેશની કોઈ દીકરી પોતાનો જીવ લેવાનું વિચારશે પણ નહીં.
@ સ્નેહા ધોળકીયા, કટાર લેખક