Sports News : ભારતીય પુરુષ હોકી ટીમે 15 ઓગસ્ટ, 2026ના રોજ FIH મેન્સ હોકી વર્લ્ડ કપ (Hockey World Cup)માં મેદાનમાં ઉતરતાની સાથે જ અનોખી સિદ્ધિ પોતાના નામે કરી છે. ભારત વિશ્વની પ્રથમ એવી ટીમ (India Hockey Team)બની છે, જેણે હોકી વર્લ્ડ કપની તમામ 16 આવૃત્તિમાં ભાગ લીધો છે.
નેધરલેન્ડ્સના એમ્સ્ટલવીન શહેરના વેગનર સ્ટેડિયમમાં રમાઈ રહેલા વર્લ્ડ કપમાં ભારત પોતાની પ્રથમ મેચમાં વેલ્સ સામે ટકરાઈ રહ્યું છે. આ સાથે ભારતે હોકી વર્લ્ડ કપના ઈતિહાસમાં સતત પોતાની હાજરી નોંધાવીને એક મોટો રેકોર્ડ (Hockey World Cup Record) બનાવ્યો છે.
તમામ 16 વર્લ્ડ કપમાં રમનાર પ્રથમ ટીમ
પુરુષ હોકી વર્લ્ડ કપ (Hockey World Cup)ની શરૂઆત 1971માં થઈ હતી. ભારતે પ્રથમ જ આવૃત્તિમાં શાનદાર પ્રદર્શન કરીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ત્યારબાદ 1973માં નેધરલેન્ડ્સમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ભારત રનર્સ-અપ રહ્યું હતું.
ભારત ઉપરાંત સ્પેન, નેધરલેન્ડ્સ અને જર્મની પણ અગાઉની તમામ 15 આવૃત્તિમાં રમ્યા હતા. જોકે, 2026ના વર્લ્ડ કપમાં ભારતની મેચ પહેલાં યોજાતા ભારત 16મા વર્લ્ડ કપમાં મેદાનમાં ઉતરનાર પ્રથમ ટીમ બની ગયું.
1975માં પાકિસ્તાનને હરાવી જીત્યો હતો વર્લ્ડ કપ
ભારતીય હોકી માટે 1975નો વર્લ્ડ કપ સૌથી યાદગાર રહ્યો છે. મલેશિયાના કુઆલાલંપુરમાં રમાયેલી ફાઇનલમાં ભારતે પોતાના કટ્ટર હરીફ પાકિસ્તાનને 2-1થી હરાવીને પ્રથમ અને અત્યાર સુધીનું એકમાત્ર વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું હતું.
જોકે, ત્યારબાદ ભારત વર્લ્ડ કપમાં ટાઇટલ જીતવામાં સફળ રહ્યું નથી. 2023માં ઓડિશામાં યોજાયેલા વર્લ્ડ કપમાં ભારતીય ટીમ 9મા સ્થાને રહી હતી.
હરમનપ્રીત સિંહના નેતૃત્વમાં ટાઇટલની આશા
2026ના વર્લ્ડ કપમાં ભારતીય ટીમની કમાન સ્ટાર ડિફેન્ડર હરમનપ્રીત સિંહ (Harmanpreet Singh)ના હાથમાં છે. ટીમમાં મનપ્રીત સિંહ, અમિત રોહિદાસ અને વિવેક સાગર પ્રસાદ જેવા અનુભવી ખેલાડીઓ પણ સામેલ છે.
ભારત આ વખતે પોતાના ઐતિહાસિક રેકોર્ડને વધુ મોટી સિદ્ધિમાં બદલવા અને લાંબા સમય બાદ ફરી એકવાર વર્લ્ડ કપ ટ્રોફી જીતવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતર્યું છે.
ભારતના વર્લ્ડ કપ મુકાબલા
- 15 ઓગસ્ટ: ભારત vs વેલ્સ
- 17 ઓગસ્ટ: ભારત vs ઇંગ્લેન્ડ
- 19 ઓગસ્ટ: ભારત vs પાકિસ્તાન
ભારતીય ટીમ માટે ખાસ કરીને પાકિસ્તાન સામેનો મુકાબલો ચાહકોમાં ભારે ઉત્સુકતા જગાવશે. હવે નજર એ વાત પર છે કે 16મા વર્લ્ડ કપમાં ઐતિહાસિક પ્રવેશ કરનાર ટીમ ઈન્ડિયા આ વખતે ટ્રોફી સુધીનો સફર કેટલો સફળ બનાવે છે.
