Ahmedabad News: ગુજરાત રાજ્યમાં ન્યાયિક વ્યવસ્થાને વધુ અસરકારક, ઝડપી અને ડિજિટલ બનાવવાની દિશામાં એક ઐતિહાસિક પગલું ભરવામાં આવ્યું છે. ચેક બાઉન્સ (Cheque Bounce Case) એટલે કે નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ, કલમ-138 હેઠળના કેસોના ઝડપી નિકાલ માટે અમદાવાદ શહેરની તમામ 25 ચેક રિટર્ન કોર્ટોમાં આજથી ઓનલાઈન ચુકવણીની નવી સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાં આ પ્રકારની પહેલ પ્રથમ વખત અમદાવાદથી શરૂ કરવામાં આવી છે, જે ન્યાય પ્રણાલીમાં મહત્વપૂર્ણ માઈલસ્ટોન ગણાઈ રહી છે.
QR કોડ સ્કેન કરીને સ્થળ પર જ પેમેન્ટની સુવિધા
નવી વ્યવસ્થા અંતર્ગત, ચેક બાઉન્સના કેસો (Cheque Bounce Case)માં સંકળાયેલા પક્ષકારો હવે કોર્ટ પર જ QR કોડ સ્કેન કરીને તાત્કાલિક પેમેન્ટ કરી શકશે. અત્યાર સુધી ચેક રિટર્નના કેસોમાં પેમેન્ટ પ્રક્રિયા લાંબી અને સમયખોર હતી, જેના કારણે કેસો વર્ષો સુધી પેન્ડિંગ રહેતા. હવે ઓનલાઈન ચુકવણી થવાથી કોર્ટ સ્થળ પર જ સમાધાન અને કેસની પતાવટ શક્ય બનશે. આથી પક્ષકારોને વારંવાર કોર્ટના ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં.
હાઇકોર્ટ અને ચીફ જસ્ટિસના માર્ગદર્શન હેઠળ અમલ
અમદાવાદ શહેરની ચેક રિટર્નની તમામ કોર્ટોમાં આ નવતર સિસ્ટમ ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલના માર્ગદર્શન હેઠળ અમલમાં આવી છે. ચીફ જુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટના તાબાની તમામ ચેક રિટર્ન કોર્ટોમાં આ સિસ્ટમ શરૂ કરાઈ છે. લાલ દરવાજા વિસ્તારમાં આવેલા અપનાબજાર બહુમાળી બિલ્ડિંગમાં આવેલી 21 ઓફલાઇન અને 4 ઓનલાઈન કોર્ટો સહિત કુલ 25 કોર્ટોમાં હવે આ નવી સુવિધા ઉપલબ્ધ છે.

સમય બચત અને કેસો (Cheque Bounce Case)ના ઝડપી નિકાલમાં મદદરૂપ
આ નવી સિસ્ટમ લાગુ થતાં પક્ષકારોનો કિંમતી સમય બચશે અને પેમેન્ટ તાત્કાલિક થવાથી કેસોનો તરત નિકાલ શક્ય બનશે. ખાસ કરીને ચેક બાઉન્સ (Cheque Bounce Case)ના કેસોમાં મુખ્ય વિવાદ પેમેન્ટ ન ચૂકવવાનો હોય છે. હવે જો આરોપી કે પક્ષકાર કોર્ટમાં જ ચેકની રકમ ઓનલાઈન જમા કરાવે, તો કોર્ટ તાત્કાલિક લેવડદેવડની ચકાસણી કરીને યોગ્ય આદેશ પસાર કરી શકે છે.
અમદાવાદમાં ચાર લાખથી વધુ કેસ પેન્ડિંગ
ગુજરાત બાર કાઉન્સિલની ફાઇનાન્સ કમિટીના ચેરમેન અનિલ સી. કેલ્લાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, હાલ અમદાવાદ શહેરની ચેક રિટર્નની 25 કોર્ટોમાં મળીને ચાર લાખથી વધુ કેસો પેન્ડિંગ (Cheque Bounce Case) છે. દર મહિને આશરે 10થી 15 હજાર નવા કેસો દાખલ થાય છે. આવી સ્થિતિમાં આ ઓનલાઈન ચુકવણીની સિસ્ટમ લાખો કેસોના ઝડપી નિકાલ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.
SBI કલેક્ટ મારફતે સુરક્ષિત અને પારદર્શક ચુકવણી
નવી અમલમાં આવેલી વ્યવસ્થામાં, કોઈપણ આરોપી કે પક્ષકાર SBI કલેક્ટ મારફતે નિર્ધારિત કોર્ટના બેંક ખાતામાં સીધી ચેક (Cheque Bounce Case)ની રકમ જમા કરાવી શકે છે. આ રકમ કોર્ટના બેંક ખાતામાં જમા થતાં જ સમગ્ર પ્રક્રિયા પારદર્શક બને છે. તમામ લેવડદેવડ કાનૂની રજિસ્ટરોમાં નોંધાય છે અને ઓડિટ ક્ષમતાની પણ સંપૂર્ણ ખાતરી રહે છે.
સુપ્રીમ કોર્ટના નિર્દેશોને અનુરૂપ પહેલ
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે અગાઉ એક ચુકાદામાં તમામ જિલ્લા અદાલતોને નિર્દેશ આપ્યા હતા કે સમન્સના તબક્કે જ આરોપીને ચેકની રકમ ઓનલાઈન જમા કરાવવાનો વિકલ્પ આપવો જોઈએ. અમદાવાદ કોર્ટોમાં શરૂ કરાયેલી આ નવી સિસ્ટમ એ જ દિશામાં એક અસરકારક પગલું છે.
લાખો પક્ષકારો અને સંસ્થાઓને લાભ
આ ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમથી લાખો પક્ષકારો, હજારો નાણાંકીય સંસ્થાઓ અને કંપનીઓને મોટો લાભ મળશે. પેમેન્ટ સીધી કોર્ટમાં જમા થવાથી કાનૂની પ્રક્રિયામાં થતો વિલંબ ઘટશે અને વર્ષોથી પડતર કેસો ઝડપથી આટોપી શકાશે. આ પહેલ ન્યાયિક સુધારાઓની દિશામાં એક ઉદાહરણરૂપ પગલું સાબિત થશે.
આ પણ વાંચો:ચેક બાઉન્સનો કેસ પરત ખેંચવા માટે લાંચ લેતા પોલીસકર્મી ઝડપાયો
આ પણ વાંચો:ચેક બાઉન્સ કેસમાં ફસાયો આ સ્ટાર ખેલાડી, ધરપકડ વોરંટ જાહેર, કરોડોનો કેસ
આ પણ વાંચો:જામનગરના સ્વામી વિવેકાનંદ ક્રેડિટ કો-ઓપરેટિવ સોસાયટીના સભ્યને ચેક બાઉન્સ કેસમાં સજા
