Bhuj News/ ભુજ ખાતે રાષ્ટ્રીયકક્ષાની સિનિયર મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશીપનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગુજરાતમાં ખીલેલું સ્પોર્ટસ કલ્ચર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનું પરીણામ

Gujarat

Bhuj News : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભુજ કચ્છી લેવા પટેલ સમાજના સરદાર પટેલ વિદ્યા સંકુલમાં આયોજિત રાષ્ટ્રીયકક્ષાની સિનિયર મહિલા હેન્ડબોલ ચેમ્પિયનશીપનો મશાલ પ્રજ્વલન સાથે ટોસ ઉછાળી પ્રારંભ કરાવ્યો હતો.મહિલા સ્પર્ધકોને શુભેચ્છા આપતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં ખીલેલું ઉચ્ચ સ્તરનું સ્પોર્ટ્સ કલ્ચર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનનું પરિણામ છે. શિક્ષણની સાથે વડાપ્રધાનએ રમતગમતને આપેલા પ્રાધાન્ય થકી આજે દેશભરમાં ખેલો ઇન્ડિયાથી સ્પોર્ટ્સ પ્રતિભાઓ ઝળકી રહી છે. ત્યારે આ ૫૪મી સિનિયર નેશનલ વિમેન હેન્ડબોલ ચેમ્પિયનશીપ-૨૦૨૫નું આયોજન એનું જ ઉત્તમ ઉદાહરણ છે.

૫૪મી સિનિયર મહિલા હેન્ડબોલ સ્પર્ધા ના પ્રારંભ માં સહભાગી થતાં મુખ્યમંત્રીએ કચ્છી નૂતન વર્ષની શુભકામના પાઠવવા સાથે કચ્છી નવા વર્ષના પાવન પર્વે કચ્છમાં ૧૦૯ કરોડથી વધુના વિકાસ કામોની ભેટ, ૧૦૮ બાળકોને શાળામાં પ્રવેશ કરાવવાના અવસર સાથે હેન્ડબોલ ચેમ્પિયનશીપ શરૂ કરાવવાની સાંપડેલી તક બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાનદ્વારા ખેલે તે ખીલેના મંત્ર સાથે વર્ષ ૨૦૧૦માં શરૂ થયેલા ખેલ મહાકુંભના માધ્યમથી છેક છેવાડાના ગામડાથી લઈને મહાનગરોના ખેલાડીઓના કૌશલ્યને બહાર આવવાની તક મળી છે.આ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ રહેલી તમામ ખેલાડી બહેનોને શ્રેષ્ઠ પ્રદર્શન માટે મુખ્યમંત્રીએ શુભેચ્છાઓ પાઠવતા વધુમાં ઉમેર્યું હતું કે, અંબાજી ધામ ખાતે યોજાયેલી આદિશક્તિ રાષ્ટ્રીય મહિલા તીરંદાજી સ્પર્ધા બાદ હવે માં આશાપુરાની ધરતી કચ્છ પર આયોજિત વર્તમાન રાષ્ટ્રીય મહિલા ટુર્નામેન્ટ દેશના જુદા જુદા રાજ્યોની નારીશક્તિને પોતાનું ખેલ કૌશલ્ય દર્શાવવાનું પ્લેટફોર્મ બની રહેશે.

આ ચેમ્પિયનશીપ થકી “એક ભારત શ્રેષ્ઠ ભારત” સાકાર થશે .

૩૦ રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની ટીમના ૫૪૦ મહિલા ખેલાડીઓને સંબોધન કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સેવા દાયિત્વના અગિયાર વર્ષમાં દેશના સ્પોર્ટ્સ કલ્ચરમાં આવેલા બદલાવ થકી આ સમય યુવાનો અને રમતવીરો માટેનો સુવર્ણ સમય રહ્યો છે. દેશમાં એથ્લિટ્સ માટે ઉભી કરાયેલી આંતરરાષ્ટ્રીય સ્તરની તાલીમ, કન્ડીશનિંગ અને ઉત્તમ ઇન્ફ્રાસ્ટ્રકચરના કારણે દેશની ખેલ પ્રતિભાઓને એક મોટા પ્લેટફોર્મ સાથે સારા એથ્લીટ્સ પ્રાપ્ત થયા છે. જેના પગલે વૈશ્વિક સ્પર્ધાઓમાં ભારતીય ખેલાડીઓ દેશનું ગૌરવ વધારી રહ્યા છે.
આ તકે મુખ્યમંત્રીએ તાજેતરમાં દેશને ગૌરવ અપાવનાર ચેસ ચેમ્પિયન ભારતીય યુવા ગૂકેશ, નિરજ ચોપરા તથા દેશની દીકરી દિવ્યા દેશમુખેને યાદ કરીને યુવાનોને રમતમાં રસ દાખવવા અનુરોધ કર્યો હતો.

મુખ્યમુખ્યમંત્રીએ ઉમેર્યું હતું કે, વડાપ્રધાન વર્ષ ૨૦૩૬ના ઓલિમ્પિક્સ ગેમ્સની યજમાની માટે દેશને સજ્જ કરવા કટિબદ્ધ છે. ઓલિમ્પિક્સમાં દેશની ઝોળીમાં વધુ મેડલ આવે તે માટે પ્રતિભાશાળી ખેલાડીઓને ટાર્ગેટ ઓલિમ્પિક્સ પોડીયમ સ્કીમ જેવી યોજના હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યાં છે.વડાપ્રધાનના દિશાદર્શનમાં ગુજરાત પણ ઓલિમ્પિક્સ ૨૦૩૬ના રન-અપના ભાગરૂપે આગાર્મી વર્ષોમાં પાંચ જેટલી વર્લ્ડ ક્લાસ ગેઈમ્સના આયોજન માટે પ્રયત્નશીલ છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિતભાઈ શાહના પ્રયાસોના પરિણામે ભારતને મળેલી વિશ્વ પોલીસ અને ફાયર ગેમ્સ ૨૦૨૯ના યજમાન બનવાની ગૌરવપૂર્ણ તક બદલ આનંદ વ્યક્ત કરતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આ રમતોનું આયોજન એકતાનગર, ગાંધીનગર અને અમદાવાદ ખાતે થવાનું છે. ત્યારે ગુજરાતને સ્પોર્ટ્સ એક્સલન્સમાં અગ્રેસર બનાવવાની દિશામાં આવા આયોજનો દિશાસૂચક બનશે.વડાપ્રધાનના નેતૃત્વમાં બે દશકમાં ગુજરાતમાં સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રકચરનો ચિતાર આપતા મુખ્યમંત્રી જણાવ્યું હતું કે, ૨૦૦૨માં રાજ્યમાં ફક્ત ૩ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ હતા, આજે ૨૪ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે. ઓલિમ્પિક ગેમ્સ માટે સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અને સ્પોર્ટ્સ કોમ્પલેક્સ વિકસાવવામાં આવી રહ્યાં છે.

૨૦૩૬ પહેલાં ગુજરાતમાં સુગ્રથિત સ્પોર્ટસ ઈકોસિસ્ટમ વિકસે તે માટે ગુજરાતે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાની જણાવી વર્લ્ડ ક્લાસ સ્પોર્ટ્સનું આયોજન દેશમાં અને ગુજરાતમાં ખેલ-કૂદને પ્રોત્સાહક અને પ્રતિભાઓને નિખરવાનું વાતાવરણ બનાવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મેદસ્વિતામુક્ત ભારતના અભિયાનમાં ખેલાડીઓને યોગદાન આપવાની અપીલ સાથે ખેલદીલીની ભાવના સાથે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન કરવા મહિલા ખેલાડીઓને શુભેચ્છા પાઠવી હતી.

આ પ્રસંગે સાંસદ  વિનોદભાઈ ચાવડાએ વિવિધ રાજ્યોની મહિલા ખેલાડીઓને ચેમ્પિયનશીપની શુભેચ્છા પાઠવતા ખેલદિલી અને શિસ્તબદ્ધતા સાથે ટુર્નામેન્ટમાં ભાગ લઈને સમગ્ર ટુર્નામેન્ટને સફળ બનાવવા સહયોગ આપવા અનુરોધ કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સરદાર પટેલ વિદ્યાસંકુલ ખાતેના લાલજી રૂડા પિંડોળીયા રમત-ગમત સંકુલ ખાતે તા. ૩ જુલાઇ સુધીના આયોજનમાં હેન્ડબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા, હેન્ડબોલ ફેડરેશન ગુજરાત, હેન્ડબોલ ફેડરેશન ઓફ કચ્છ સહયોગી છે. આ ચેમ્પિયનશિપમાં ભારતના ૫૪૦ મહિલા ખેલાડી, ૧૮ કોચ-મેનેજર ભાગ લઇ રહ્યા છે. સ્પર્ધામાં અર્ધલશ્કરી દળો જેવા કે એસ.એસ.બી, બીએસએફ, સીઆરપીએફ, પંજાબ પોલીસના ચુનંદા મહિલા ખેલાડીઓ સંબધિત રાજ્યોની ટીમોમાં ભાગ લઇને પોતાનું કૌવત દર્શાવશે.

આજના કાર્યક્રમમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા, ભુજ નગરપતિ રશ્મિબેન સોલંકી, સર્વ ધારાસભ્યો કેશુભાઇ પટેલ,  ત્રિકમભાઇ છાંગા, ભુજ તાલુકા પંચાયત પ્રમુખ વિનોદ વરસાણી, કલેક્ટર આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ એસ.પી વિકાસ સુંડા, પ્રાંત અધિકારી ડૉ.અનીલ જાદવ, આગેવાનશ્રી કચ્છી લેવા પટેલ સમાજના અધ્યક્ષ વેલજીભાઈ પિંડોરિયા, એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટના પ્રમુખ ગોપાલભાઈ ગોરસીયા, ફેડરેશન ઓફ ઈન્ડિયાના સેક્રેટરી જનરલ  ડૉ. પ્રીતિપાલ સિંઘ સલુજા અને માનદ ટ્રેઝરર ગુરૂશરણ સિંઘ, હેન્ડબોલ ફેડરેશન ગુજરાતના પ્રમુખ રવીન્દ્રસિંહ રાજપૂત, કચ્છ હેન્ડબોલ ફેડરેશના પ્રમુખમનીષ પટેલ, સહિત ટુર્નામેન્ટના દાતાઓ તથા મોટી સંખ્યામાં મહિલા ખેલાડીઓ ઉપસ્થિત રહ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે BSF 85 બલૂચ વિજેતા બટાલિયનનાં જવાનોને અભિનંદન પાઠવ્યા

આ પણ વાંચો:સિંદૂરના બાળવૃક્ષનું વાવેતર કરી મુખ્યમંત્રીએ ‘સિંદૂર વન’ નિર્માણનો પ્રારંભ કરાવ્યો

આ પણ વાંચો:શાળા પ્રવેશોત્સવ-2025 બીજો દિવસ : મુખ્યમંત્રીએ ગાંધીનગરની પુન્દ્રાસણ પ્રાથમિક શાળામાં ૧૯૭ બાળકોને શૈક્ષણિક કીટ આપી શાળા પ્રવેશ કરાવ્યો