Morbi/ મોરબી અકસ્માત પર ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગની પ્રતિક્રિયા, કહ્યું- મને ખુબ આઘાત લાગ્યો

આ સમાચાર સાંભળીને તેઓ ‘આઘાત’ પામ્યા છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ જિનપિંગે પોતાના સંદેશમાં અકસ્માત પર આઘાત વ્યક્ત કર્યો…

Top Stories World
Jinping Reaction to Morbi

Jinping Reaction to Morbi: ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે ગુજરાતના મોરબી શહેરમાં બ્રિજ તૂટી પડતા 135 લોકોના મોત અંગે શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલવામાં આવેલા શોક સંદેશમાં તેમણે જણાવ્યું હતું કે, આ સમાચાર સાંભળીને તેઓ ‘આઘાત’ પામ્યા છે. ચીનની સત્તાવાર સમાચાર એજન્સી શિન્હુઆના જણાવ્યા અનુસાર રાષ્ટ્રપતિ જિનપિંગે પોતાના સંદેશમાં અકસ્માત પર આઘાત વ્યક્ત કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ચીની સરકાર અને લોકો વતી જિનપિંગે લોકોના મૃત્યુ પર ઊંડી સંવેદના વ્યક્ત કરી છે અને તેમના પરિવારો અને ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તો ચીનના વડાપ્રધાન લી કિંગે પણ શોક સંદેશ મોકલ્યો. ચીનના સ્ટેટ કાઉન્સિલર અને વિદેશ મંત્રી વાંગ યીએ પણ તેમના ભારતીય સમકક્ષ એસ જયશંકરને મોરબીમાં બનેલી ઘટના અંગે શોક સંદેશ મોકલ્યો છે. વાંગે દુર્ઘટનામાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો હતો અને પીડિતોના પરિવારો અને ઘાયલો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મોરબીમાં બ્રિજ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી અને ત્યાં ચાલી રહેલી શોધ અને બચાવ કામગીરીની સમીક્ષા કરી. વડાપ્રધાને હોસ્પિટલમાં સારવાર હેઠળ ઘાયલોને પણ મળ્યા હતા. અધિકારીઓએ વડાપ્રધાનને અકસ્માત બાદ રાહત કામગીરી વિશે જાણકારી આપી હતી. રવિવારે મચ્છુ નદીમાં પુલ પડતાં 135 લોકોના મોત થયા હતા. વડાપ્રધાને સ્થળ પર પહોંચતા પહેલા વિસ્તારનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. આ પુલ દરબારગઢ પેલેસને સ્વામિનારાયણ મંદિર સાથે જોડે છે. વડાપ્રધાન દરબારગઢ પેલેસ પહોંચ્યા જ્યાં અધિકારીઓએ તેમને દુર્ઘટના અને પુલ તૂટી પડવાના સંભવિત કારણો વિશે જાણકારી આપી.

મોરબી અકસ્માતમાં મૃત્યુઆંક 135 ગુજરાત સરકારના મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, મોરબી બ્રિજ અકસ્માતમાં મૃત્યુઆંક વધીને 135 થયો છે અને અત્યાર સુધીમાં 170 અન્ય લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે સશસ્ત્ર દળો, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) અને અન્ય એજન્સીઓ દ્વારા મચ્છુ નદીમાં બચાવ કામગીરી હજુ પણ ચાલુ છે. રાજકોટ રેન્જના મહાનિરીક્ષક (IG) અશોક કુમાર યાદવે સોમવારે જણાવ્યું હતું કે મોરબીમાં રવિવારે સાંજે પુલ ધરાશાયી થતાં 134 લોકોના મોત થયા હતા. ગુજરાતના કેબિનેટ મંત્રી ત્રિવેદીએ મંગળવારે જણાવ્યું હતું કે, “અત્યાર સુધીમાં બચાવ ટુકડીઓ દ્વારા 135 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે, જ્યારે નદીમાં પડેલા લગભગ 170 લોકોને જીવતા બચાવી લેવામાં આવ્યા છે.”

આ પણ વાંચો: અમદાવાદ/ મંતવ્ય ન્યૂઝની પહેલ મોરબી દુર્ઘટનાના મૃતકોને આદરાંજલી કેન્ડલ માર્ચનું આયોજન