Lifestyle: તહેવારો (Festivals)નું આગમન થઇ ચૂક્યું છે અને બધા ઘરોમાં સાફ-સફાઇનો ઘમઘમાટ ચાલતો હશે. આવા સમયે, પડદા, ગોદડા-ગાદલાંની ખોળો વગેરે તો આસાનીથી ધોઇ શકાય છે પરંતુ, ઘરમાં મુખ્ય દરવાજાની ડોરમેટ ઉપરાંત, બાથરુમો અને અન્ય રુમોના પગ લૂછણિયાને સાફ કરવાનું કામ (Doormat Cleaning) થોડું અઘરું લાગે છે. પગ લૂછણિયા મોટાભાગે મેલાં (Dirty) થઇ જતાં હોય છે. અહિં અમે તમને એવી ટ્રિક્સ (Tricks) દર્શાવવા જઇ રહ્યાં છીએ કે જેનાથી, ડોરમેટને આસાનીથી સ્વચ્છ કરી શકાય છે અને એ પણ ધોયા વિના!!
પગ લૂછણિયું એ તમારા ઘરનું રક્ષક છે. ધૂળ, માટી અને ગંદકીને તમારા ઘરમાં આવતા અટકાવે છે. પણ જો એ ગંદુ થઇ જાય તો એની ઉપર પગ લૂછવા છતાં બરાબર સાફ થતાં નથી અને ગંદકી આખા ઘરમાં ફેલાય છે. વળી, સ્નાનઘરની ડોરમેટ (Bathroom Doormat) ખરાબ થઇ જાય તો એનાથી બાથરુમ જ નહિં પણ આખું ઘર ગંદુ થાય છે અને ભીના પગલાં પડે છે. આ સંજોગોમાં, પગ લૂછણિયાં સ્વચ્છ રહે એ અત્યંત જરુરી છે. પાણી અને સાબુ વડે ધોવા (Soap Washing)થી એમને સ્વચ્છ કરી શકાય છે. પરંતુ, અહિં અમે તમને એવી ટ્રિક્સ દર્શાવવા જઇ રહ્યાં છીએ કે જેનાથી ડોરમેટને ધોયા વિના (Without Washing) આસાનીથી સ્વચ્છ કરી શકાય છે. તો ચાલો જાણીએ, આ ટ્રિક્સ વિશે…
પગ લૂછણિયા સાફ કરવાના નુસખા

1. બ્રશનો ઉપયોગ કરો
ગંદા પગ લૂછણિયાને કપડાં ધોવાના બ્રશ (Brush) વડે સરળતાથી સ્વચ્છ કરી શકાય છે. આ માટે, પહેલા ડોરમેટને ખંખેરીને એમાં જમા થયેલી ધૂળ અને માટીને દૂર કરી લો. હવે કપડાં ધોવાના કોઇ જૂના બ્રશથી ડોરમેટને ઘસી- ઘસીને ધુઓ. અહિં એ બાબતનું ધ્યાન રાખવું કે, પગ લૂછણિયાને ભીનું કરવાનું નથી પણ સૂકું જ રાખીને ઘસવાનું છે. આમ કરવાથી, ડોરમેટમાં ફસાયેલા વાળ, ગંદકી અને માટી નીકલી જશે અને તમારું પગલૂછણિયું સાફ થઇ જશે.

2. વેક્યુમ-ક્લીનર વાપરો
આજકાલ વેક્યુમ-ક્લીનર (Vacuum Cleaner)નો વપરાશ સામાન્ય થઇ ગયો છે અને ઘણા બધા ઘરોમાં એના દ્વારા રોજબરોજની સફાઇ કરવામાં આવે છે. જો તમે ડોરમેટને ધોવા માગતા નથી તો એને વેક્યુમ-ક્લીનર દ્વારા પણ સ્વચ્છ કરી શકાય છે. જે રીતે તમે શેતરંજી અને ગાલીચા (Carpet)ને સાફ કરો છો એ જ રીતે તમે ભારે વજનવાળી તમારી ડોરમેટને પણ ક્લીન કરી શકો છો. વેક્યુમ-ક્લીનર પગ લૂછણિયામાં રહેલી ધૂળ-માટી અને ગંદકીને ખેંચી લેશે અને લાંબા સમય સુધી તમારે ડોરમેટને ધોવાની જરુર પડશે નહિં.

3. જાતે ડ્રાય ક્લીનિંગ કરો
ગંદા પગ લૂછણિયાને તમારે બહાર ડ્રાય ક્લીન (Dry Clean) કરાવવાની બિલકુલ જરુર નથી. તમે ઘરે જ એને સ્વચ્છ કરી શકો છો. આ માટે તમારે જોઇશે, શેમ્પૂ, ફટકડી અને નવશેકું પાણી! 2 ઢાંકણા જેટલા શેમ્પૂ (Shampoo)ને તમારે નવશેકા પાણીમાં મિક્સ કરવાનું રહેશે અને પછી એમાં થોડી ફટકડી નાખવી. આ મિશ્રણને સારી રીતે ભેળવીને એક બોટલમાં ભરી લેવું. હવે એક સ્વચ્છ સુતરાઉ કપડું લઇને એના ઉપર જરુર મુજબ સ્પ્રે કરતા રહીને પગ લૂછણિયું સાફ કરતા જવું. આમ કરવાથી તમે જોશો કે, ડોરમેટની તમામ ગંદકી સાફ થઇ ગઇ છે! ત્યારબાદ, એને થોડી વાર તડકે સૂકવી દેવું. તમારું સાફ-સુથરું પગ લૂછણિયું મહેમાનોના સ્વાગત માટે સજ્જ છે!
આ પણ વાંચો: સિગરેટ પીવાથી હોઠ કાળા થઇ ગયા છે? ફરીથી ગુલાબી બનાવો! આ રહી ટિપ્સ…
આ પણ વાંચો: વડાપ્રધાન મોદી આ સુપર ફૂડને વર્ષમાં 300 દિવસ ખાય છે! એ છે પોષણનો ખજાનો, ‘મખાના’..!
