Today Special: આજે 24 માર્ચના રોજ વિશ્વભરમાં ‘વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે’ (World Tuberculosis Day, 24 March) ઉજવવામાં આવે છે. ટીબી અર્થાત્ ટ્યુબરક્યુલોસિસ કે ક્ષય રોગ એક ગંભીર સંક્રમિત રોગ છે જે મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે.
તમે જરા કલ્પના કરો કે, એક નાનું ગામ છે અને એક વ્યક્તિ લાંબા સમયથી ખાંસી અને થાકથી હેરાન-પરેશાન છે. શરૂઆતના તબક્કામાં તો તેને આ સામાન્ય બીમારી લાગે છે પરંતુ, તપાસ પછી ખબર પડે છે કે તેને ટીબી (TB) છે. આ એક એવો રોગ છે જેની સમયસર સારવાર ન મળે તો તે ગંભીર પણ બની શકે છે. આથી આવા ગંભીર રોગ અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 24 માર્ચે ‘વિશ્વ ટ્યુબરક્યુલોસિસ દિવસ’ ઉજવવામાં આવે છે.
વર્ષ 1882માં 24 માર્ચના દિવસે જ જર્મન વૈજ્ઞાનિક રોબર્ટ કોચ (Robert Koch)એ ટીબીના જીવાણુની શોધ કરી હતી. આ ‘વિશ્વ ક્ષય રોગ દિવસ’નો હેતુ છે ટીબી અંગે જાગૃતિ ફેલાવવી અને આ રોગને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે લોકોને પ્રેરિત કરવું. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા આ વિશેષ દિવસને અધિકૃત રીતે વૈશ્વિક જાહેર આરોગ્ય ઝુંબેશ તરીકે ચિહ્નિત કરવામાં આવ્યો છે.
જર્મન ચિકિત્સક અને માઇક્રોબાયોલોજિસ્ટ રોબર્ટ કોચની આ શોધ બદલ એમને વર્ષ 1905માં નોબેલ પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. વાસ્તવમાં, તે સમયે ટીબીએ સમગ્ર યુરોપ અને અમેરિકામાં જાણે કે હાહાકાર મચાવ્યો હતો! તેના કારણે દર સાતમાંથી એક વ્યક્તિ મૃત્યુ પામી રહી હતી. રોબર્ટ કોચની આ અમૂલ્ય શોધથી ટીબીના નિદાન અને સારવારનો માર્ગ મોકળો થયો હતો.
ડોકટરોના મતે આ જીવલેણ ચેપી રોગ
ટીબી એક ચેપી રોગ છે જે બેક્ટેરિયાના કારણે ફેલાય છે. માયકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ (Mycobacterium Tuberculosis) નામના બેક્ટેરિયાથી થતા ટીબી અથવા ક્ષયરોગને ડોકટરો એક જીવલેણ ચેપી રોગ (Lethal Disease) માને છે. સામાન્ય રીતે, ફેફસાને અસર કરતા ટીબીના કિસ્સાઓ (Lungs TB Cases) વધુ જોવા મળે છે, પરંતુ આ બેક્ટેરિયા ફેફસાં ઉપરાંત શરીરના અન્ય ભાગોને પણ અસર કરી શકે છે.
જ્યારે પણ આ ચેપથી પીડિત વ્યક્તિ ઉધરસ અથવા છીંક ખાય છે કે પછી બોલે છે, ત્યારે તેની સાથે જ ‘ન્યુક્લીઝ’ તરીકે ઓળખાતા Infectious Drop ઉત્પન્ન થાય છે, જે હવા દ્વારા અન્ય વ્યક્તિને પણ ચેપ લગાડી શકે છે. ખાસ બાબત એ છે કે, આ ‘ન્યુક્લીઝ’ વાતાવરણમાં અમુક કલાકો સુધી સક્રિય રહી શકે છે.
‘વિશ્વ ક્ષય રોગ દિવસ’નું વર્ષ 2026નું થીમ
‘Yes! We Can End TB!’
અર્થાત્
‘હા! આપણે ટીબીનો અંત લાવી શકીએ છીએ!’
‘વિશ્વ ટ્યુબરક્યુલોસિસ દિવસ’ની આ થીમ રોગની નાબૂદી માટે સામૂહિક પ્રયાસો અને આશાને દર્શાવે છે. આ દિવસ ટીબીને વિશ્વની સૌથી ઘાતક ચેપી બીમારીઓમાંથી એક તરીકે ઓળખાવે છે, જે દર વર્ષે લાખો લોકોને અસર કરે છે.
ટીબીના સામાન્ય લક્ષણો
1. લાંબા સમય સુધી ચાલતી ખાંસી
2. તાવ
3. વજનમાં ઘટાડો
4. થાક અને નબળાઈ
જો કે, સમયસર તપાસ અને સારવારથી ટીબીનો દર્દી સંપૂર્ણપણે સાજો થઈ શકે છે.
વિશ્વભરમાં ટીબી હજુ પણ એક મોટો આરોગ્ય પડકાર છે. દર વર્ષે લાખો લોકો આ રોગથી પ્રભાવિત થાય છે. આથી વિશ્વ આરોગ્ય સંસ્થાઓ ટીબીને નાબૂદ કરવા માટે વિશ્વભરમાં અભિયાન ચલાવી રહી છે.
વિશ્વના મોટાભાગના અને ખાસ કરીને, વિકાસશીલ દેશોમાં ટ્યુબરક્યુલોસિસ અર્થાત્ ટીબીને એક ગંભીર રોગચાળો (Epidemic) ગણવામાં આવે છે. આ રોગના કારણે દર વર્ષે લગભગ દોઢ મિલિયન જેટલા લોકો મૃત્યુને શરણ થાય છે.
ભારતમાં ટીબીની સ્થિતિ શું છે?
ભારતની વાત કરીએ તો ટીબીના કેસોમાં આપણો દેશ ઘણો મોટો હિસ્સો ધરાવે છે અને આ રોગને નાબૂદ કરવા માટે ભારતમાં ‘નેશનલ ટીબી એલિમિનેશન પ્રોગ્રામ’ (National TB Elimination Program, India) કાર્યરત છે.
જાગૃતિ કેળવીને અને ઝડપી નિદાન દ્વારા, ટીબીના ચેપને ફેલાતો અટકાવી શકાય છે અને ઉચિત સારવારથી તે સંપૂર્ણપણે મટાડી શકાય છે.
ભારત માટે પણ ટીબી સામેની લડત ખૂબ મહત્વપૂર્ણ છે. સરકારે ક્ષય રોગની નાબૂદી માટેનો આ વિશેષ પ્રોગ્રામ શરૂ કર્યો છે અને આ કાર્યક્રમ હેઠળ નિ:શુલ્ક તપાસ નિ:શુલ્ક દવાઓ અને દર્દીઓને પોષણ સહાય આપવામાં આવે છે.
ભારતનું લક્ષ્ય છે વર્ષ 2025 સુધીમાં ટીબીની નાબૂદી
નિષ્ણાત ડોક્ટરોના મતે, ટીબી એક ગંભીર રોગ હોવા છતાં તેનો સંપૂર્ણપણે ઉપચાર શક્ય છે. પરંતુ તેના માટે સમયસર તપાસ અને સંપૂર્ણ સારવાર લેવી જરૂરી છે. ‘વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે’નો મુખ્ય સંદેશ એક જ છે… ટીબી વિશે જાગૃતિ અને સમયસર સારવાર!
અંતે નિષ્કર્ષ એ છે કે, ટીબી સામેની લડત કેવળ સરકારની અથવા ડોક્ટરોની નથી…પરંતુ એ સમગ્ર સમાજની જવાબદારી છે. ‘વર્લ્ડ ટ્યુબરક્યુલોસિસ ડે’નો સંદેશ સ્પષ્ટ છે…જાગૃતિ, સારવાર અને સહયોગથી ટીબી મુક્ત સમાજ બનાવીએ. જો આપણે જાગૃતિ વધારીશું અને સમયસર સારવાર (Treatment) લઈશું તો ટીબી જેવી ગંભીર બીમારીને પણ સંપૂર્ણપણે હરાવી શકાય છે.