Gandhinagar News: સીએમ ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) મહાત્મા ગાંધીજીની (Mahatma Gandhi) જન્મજયંતિ (Birth Anniversary) નિમિત્તે પૂજ્ય બાપુના જન્મ સ્થળ પોરબંદર કીર્તિ મંદિર (KirtiMandir) ખાતે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. સર્વધર્મ પ્રાર્થનામાં પણ તેઓ સહભાગી થયા હતા. તેમણે પૂજ્ય બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી જણાવ્યું હતું કે, પૂજ્ય બાપુના ત્યાગ, તપસ્યા અને બલિદાનથી આપણને આઝાદીના અમૃત કાળના મીઠા ફળ ચાખવા મળી રહ્યા છે. અહિંસા નમ્રતાની પરાકાષ્ઠા છે. સમગ્ર વિશ્વને અહિંસાનો રાહ ચીંધનાર પૂજ્ય બાપુનો જીવન એ જ એમનો સંદેશ છે. મહાત્મા ગાંધીજીએ સ્વરાજ્ય અપાવી છેવાડાના માનવીને સાથે રાખી ગ્રામોત્થાન નો વિચાર આપ્યો છે. PM મોદીએ એ જ સ્વરાજ્ય ને સુરાજ્યમાં પલટાવી અંત્યોદયથી સર્વોદયનો મંત્ર સાર્થક કર્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે PM મોદીએ પૂજ્ય મહાત્મા ગાંધીજીના અંત્યોદયના મંત્ર સાથે ગરીબો, ખેડૂતો, યુવાનો અને નારી વિકસિત ભારતના ચાર સ્તંભ ને પણ સશક્ત કર્યા છે. ભારતીય સંસ્કૃતિમાં પ્રાર્થનાનું અનેરુ મહત્વ છે. પૂજ્ય મહાત્મા ગાંધીજી કહેતા કે, પ્રાર્થના આત્માનો ખોરાક છે આત્મ સુધી માટે પ્રાર્થના ખૂબ જ જરૂરી છે. કીર્તિ મંદિર આવીને વિશ્વભરમાંથી લોકો સર્વ ધર્મ પ્રાર્થનાના માધ્યમથી નવું બળ મેળવે છે, એમ પણ તેમણે કહ્યું હતું.
તેમણે ઉમેર્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા ગાંધીના વિચારોને આત્મસાત કરવા 10 વર્ષ પહેલા સ્વચ્છ ભારત મિશન શરૂ કર્યું જે દેશભરમાં ઘર ઘર સુધી પહોંચ્યું અને સ્વચ્છતા એ આપણો સ્વભાવ બને તે માટે પ્રેરણા મળી. સ્વચ્છતા એ જન ભાગીદારીનું કાર્ય છે અને એ આપણે સાર્થક કર્યું છે.આત્મનિર્ભરતા, ગરીબ કલ્યાણ અને પર્યાવરણ આધારિત વિકાસના સંકલ્પ સાથે ગાંધી વિચારમૂલ્યોને ચરિતાર્થ કરીને ભારતને વિકસિત, ઉન્નત અને અમૃતમય બનાવવા આપણે સૌ પ્રતિબદ્ધ થઈએ તેમ તેમણે જણાવ્યું હતું.
કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખભાઈ માંડવીયાએ પૂજ્ય મહાત્મા ગાંધીજીને વંદન કરી જણાવ્યું હતું કે, રાજ્યશાસન પરિવર્તન માટે અહિંસા એક માર્ગ હોઈ શકે તેવો માર્ગ પૂજ્ય મહાત્મા ગાંધીજી વિશ્વને ચીંધ્યો હતો. પૂજ્ય મહાત્મા ગાંધીજીએ આપેલા દર્શનનો વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકસિત બને તે માટે અમલ થઈ રહ્યો છે. પૂજ્ય બાપુના દર્શન અહિંસા, સ્વચ્છતા, બુનિયાદી શિક્ષણ, અર્થવ્યવસ્થા અને અંત્યોદય તથા સમાજ કેવો હોવો જોઈએ તે બાપુના વિચાર દર્શનને વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ અમલમાં મૂકી દેશને વિકસિત ભારત બનાવવા પરિશ્રમ કરી રહ્યા છે. આપણે પણ મહાત્મા ગાંધીએ ચિંધેલા રાહ પર આગળ વધી ભારતને વિકસિત ભારત બનાવીએ તેમ જણાવ્યું હતું.
આ અવસરે જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મુખ્યમંત્રીશ્રીને પ્રિય એવો ચરખો અર્પણ કર્યો હતો. કીર્તિ મંદિર સર્વધર્મ પ્રાર્થના સભામાં પાણી પુરવઠા મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પરબતભાઇ પરમાર, ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી ચેતનાબેન તિવારી, પૂર્વ મંત્રી બાબુભાઈ બોખીરીયા, ભાગવતાચાર્ય રમેશભાઈ ઓઝા, રીયર એડમિરલ સતીશ બાસુદેવ, કલેકટર એસ.ડી.ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે.બી.ઠક્કર, રેન્જ આઇજીશ્રી નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ભગીરથસિંહ જાડેજા, અગ્રણીશ્રી રમેશભાઈ ઓડેદરા સહિત પદાધિકારીઓ, અધિકારીઓ, કર્મચારીઓ તેમજ નગરજનો ઊપસ્થિત રહી પૂજ્ય મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. સરકારી શાળાના શિક્ષકોના કલાવૃંદ દ્વારા ખૂબ જ ભાવમયી રીતે સર્વધર્મ પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી.
આ પણ વાંચો: સીએમ ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં 633 કરોડની પાણી પુરવઠા યોજનાનું લોકાર્પણ કર્યુ
આ પણ વાંચો: ગુજરાતના પનોતા પુત્ર PM નરેન્દ્ર મોદીને CM ભુપેન્દ્ર પટેલે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી
આ પણ વાંચો: ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની શુભેચ્છા મુલાકાત