CM Bhupendra Patel Response to PM Modi: આજે 1 મે, એટલે કે ગુજરાતનો ગૌરવશાળી સ્થાપના દિવસ. આ અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાતની જનતાને પત્ર લખીને વિશેષ શુભેચ્છાઓ પાઠવી છે. વડાપ્રધાને ગુજરાતના વિકાસ, તાજેતરની ચૂંટણીમાં મળેલી ઐતિહાસિક જીત અને ગુજરાતની અસ્મિતા વિશે અનેક મહત્વની વાતો કહી છે.
‘પ્રો-ઇન્કમ્બન્સી’ નું ઉત્તમ ઉદાહરણ એટલે ગુજરાત
વડાપ્રધાને પોતાના સંદેશમાં તાજેતરમાં સંપન્ન થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પરિણામોનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, “સામાન્ય રીતે રાજનીતિમાં એન્ટી-ઇન્કમ્બન્સી (સરકાર વિરોધી લહેર) વિશે ચર્ચાઓ થતી હોય છે, પરંતુ ગુજરાતે સમગ્ર રાષ્ટ્રને બતાવ્યું છે કે ‘પ્રો-ઇન્કમ્બન્સી’ (સરકારના સમર્થનમાં લહેર) કેવી હોય છે. 1995 થી સતત જનતા જનાર્દનના આશીર્વાદ મળતા રહ્યા છે, જે સુશાસન અને વિકાસની રાજનીતિમાં અતૂટ વિશ્વાસનું પ્રતિબિંબ છે.”
સોમનાથ પરના પ્રથમ હુમલાને 1000 વર્ષ પૂર્ણ: PM Modi
PM મોદીએ ગુજરાતની ખુમારી વિશે વાત કરતા સોમનાથ મંદિરનું ઉદાહરણ આપ્યું હતું. તેમણે જણાવ્યું કે સોમનાથ પર થયેલા પ્રથમ હુમલાને આ વર્ષે 1000 વર્ષ પૂર્ણ થયા છે. તેમણે જાહેરાત કરી કે, વર્ષ 1951 માં થયેલી સોમનાથ મંદિરની પુનઃપ્રાણ પ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે તેઓ ફરીથી ગુજરાતની મુલાકાતે આવશે. તેમણે ઉમેર્યું કે કોઈ પણ હુમલો ગુજરાતીઓની ભાવનાને ડગમગાવી શક્યો નથી.
પડકારો સામે ગુજરાતનો વિજય
વડાપ્રધાને ભૂતકાળને યાદ કરતા કહ્યું કે, એક સમયે ગુજરાતમાં દુષ્કાળ, સામાજિક ઘર્ષણ અને સીમાવર્તી વિસ્તારોના અનેક પડકારો હતા. 2001 ના ભૂકંપ સમયે લોકો કહેતા હતા કે આ રાજ્ય હવે ફરી બેઠું નહીં થાય, પરંતુ ગુજરાતીઓની હિંમતે આ વાત ખોટી પાડી છે. આજે ગુજરાત કૃષિ, રિન્યૂએબલ એનર્જી અને ઇનોવેશનમાં ગ્લોબલ ફોરમ પર જાણીતું બન્યું છે.
વિકાસ પ્રોજેક્ટ્સની હારમાળા
કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને મળેલા સહયોગ વિશે વડાપ્રધાને નોંધ્યું હતું કે વંદે ભારત, બુલેટ ટ્રેન, અમદાવાદ મેટ્રો અને રાજકોટ એરપોર્ટ જેવા કનેક્ટિવિટી પ્રોજેક્ટ્સથી રાજ્યના વિકાસને મોટો વેગ મળ્યો છે. આ સાથે જ ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત વડોદરામાં C-295 એરક્રાફ્ટ પ્રોડક્શન અને દાહોદમાં રેલ રોલિંગ સ્ટોક પ્રોજેક્ટ રાજ્યની નવી ઔદ્યોગિક ઓળખ બની રહ્યા છે. વધુમાં, વર્ષોથી અટકેલા સરદાર સરોવર ડેમના દરવાજા મૂકવાની મંજૂરી આપવાથી લઈને કચ્છ અને સૌરાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાં નર્મદાના પાણી પહોંચાડવાના પ્રયાસો પણ સફળ રહ્યા છે.
આદરણીય વડાપ્રધાનશ્રી,
ગુજરાત રાજ્યના સ્થાપના દિન નિમિતે આપશ્રીએ પાઠવેલા પ્રેરણાદાયક સંદેશ માટે નમ્રતાપૂર્વક વંદનસહ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું.
ગુજરાત સાથેનો આપનો આત્મીય સંબંધ અને “વિકસિત ભારત”નું વિઝન અમને સૌને વિકાસના રાહ પર સતત આગળ વધવાની નિતનવી ઊર્જા અને દિશા આપે છે.… pic.twitter.com/TLhFbaaavd
— Bhupendra Patel (@Bhupendrapbjp) May 1, 2026
મુખ્યમંત્રીએ માન્યો PM મોદીનો આભાર
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાઠવેલા પ્રેરણાદાયી સંદેશનો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિનમ્રતાપૂર્વક પ્રતિસાદ આપ્યો છે. મુખ્યમંત્રીએ વડાપ્રધાનનો હૃદયપૂર્વક આભાર માનતા જણાવ્યું કે, વડાપ્રધાનનું વિઝન જ ગુજરાતને દેશનું ‘મોડલ સ્ટેટ’ બનાવવામાં પાયારૂપ રહ્યું છે.
વિકસિત ભારતનું વિઝન અને ગુજરાતનો રાહ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા અને પત્ર માધ્યમથી વડાપ્રધાનને વંદન સહ જણાવ્યું કે, “ગુજરાત સાથેનો આપનો આત્મીય સંબંધ અને ‘વિકસિત ભારત’નું વિઝન અમને સૌને વિકાસના રાહ પર સતત આગળ વધવાની નિતનવી ઊર્જા અને દિશા આપે છે.”
વિકાસયાત્રા રહેશે અવિરત
વડાપ્રધાને જે રીતે ગુજરાતમાં ‘પ્રો-ઇન્કમ્બન્સી’ અને જનતાના અતૂટ વિશ્વાસની વાત કરી હતી, તેના પ્રતિસાદમાં મુખ્યમંત્રીએ ખાતરી આપી હતી કે ગુજરાતની આ વિકાસયાત્રા વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ વધુ વેગવંત બનશે અને ‘વિકસિત ગુજરાતથી વિકસિત ભારત’ના સંકલ્પને પૂર્ણ કરશે.
