Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Patel) સુરતમાં ત્રીજી વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC Surat 2026)નો ભવ્ય પ્રારંભ કરવતા સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, રાજ્યનો કોઈપણ વિસ્તાર વિકાસમાં પાછળ ન રહે અને જિલ્લાની ક્ષમતાઓને વૈશ્વિક પ્લેટફોર્મ મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી ગુજરાતે VGRCનો નવતર અભિગમ અપનાવ્યો છે.
CM ભૂપેન્દ્ર પટેલ દ્વારા સુરતમાં ત્રીજી VGRC નો ભવ્ય પ્રારંભ
સુરત ઇકોનોમિક રિજન 2047 સુધીમાં 20 ગણી વૃદ્ધિ સાથે ગુજરાતના GSDPમાં 35 ટકાથી વધુ ફાળો આપશેઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ
મુખ્યમંત્રી કોઈપણ વિસ્તાર વિકાસમાં પાછળ ન રહે અને જિલ્લાની ક્ષમતાઓને વૈશ્વિક પ્લેટફોર્મ મળે તે માટે ગુજરાતે VGRCનો નવતર અભિગમ અપનાવ્યો છે.
ઇન્ક્લુસિવ ગ્રોથની ભાવના સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવામાં રિજનલ કોન્ફરન્સીસ પરફેક્ટ પ્લેટફોર્મ છે.
રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાનથી વિવિધ સેક્ટર્સના સર્વગ્રાહી વિકાસનો ધ્યેય રાખ્યો છે.
સુરત ઇકોનોમિક રિજનમાં કેમિકલ અને ફાર્મા, ટેક્સટાઈલ એન્ડ એપેરલ તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી, એગ્રિકલ્ચર, રિઅલ એસ્ટેટ અને ટુરિઝમનું પોટેન્શિયલ રહેલું છે.
સુરત જળ, જમીન અને હવાઈ કનેક્ટિવિટીથી ભારતનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ ધરાવતું વેલ-કનેક્ટેડ સિટી બની રહ્યું છે.

તેમણે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ રીજીયનમાં આવી અગાઉ યોજાયેલી બે VGRCની સફળતાનો સંદર્ભ આપતા ઉમેર્યું કે, ઇન્ક્લુસિવ ગ્રોથની ભાવના સાથે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતનું નિર્માણ કરવામાં રિજનલ કોન્ફરન્સીસ પરફેક્ટ પ્લેટફોર્મ છે.
દક્ષિણ ગુજરાત રીજીયનની VGRCમાં સુરત સહિત તાપી, નવસારી, વલસાડ, ડાંગ અને ભરૂચ જિલ્લાની ઔદ્યોગિક વિકાસની ક્ષમતાઓ અને સંભાવનાઓને વધુ વેગ મળશે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ સુરત ઇકોનોમિક રિજનમાં કેમિકલ અને ફાર્મા, ટેક્સટાઈલ એન્ડ એપેરલ તેમજ જેમ્સ એન્ડ જ્વેલરી, એગ્રિકલ્ચર, રિઅલ એસ્ટેટ અને ટુરિઝમનું જે પોટેન્શિયલ રહેલું છે તેની વિસ્તૃત ભૂમિકા આપી હતી.
તેમણે એમ પણ ઉમેર્યું કે, સુરત ઇકોનોમિક રિજન 2047 સુધીમાં વીસ ગણી વૃદ્ધિ સાથે ગુજરાતના GSDPમાં 35 ટકાથી વધુ ફાળો આપશે તેવા અંદાજ સાથે નીતિ આયોગના માર્ગદર્શનમાં સુરતને ગ્રોથ હબ તરીકે વિકસાવવાનો માસ્ટર પ્લાન મંજૂર પણ થઈ ગયો છે.
વડાપ્રધાનની પ્રેરણાથી સુરત ડેડિકેટેડ ફ્રેઈટ કોરિડોર, રેલવે કોરિડોર, નેશનલ હાઈવે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે, પોર્ટ, એરપોર્ટ, બુલેટ ટ્રેન, મેટ્રો રેલ, આઉટર રિંગ રોડ, વગેરેથી જોડીને એર, વોટર અને લેન્ડની કનેક્ટિવિટીથી ભારતનું મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટથી વેલ-કનેક્ટેડ સિટી બની રહ્યું છે.
મુખ્યમંત્રીએ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસ અવસરે શરું થયેલી દક્ષિણ ગુજરાત પ્રદેશની આ VGRCને વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વમાં રાજ્યમાં 2001 પછી થયેલા ટ્રાન્સફોર્મેશન અને વિકાસના નવા સીમાચિહ્નનું ઉત્કૃષ્ટ ઉદાહરણ ગણાવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતમાં પોર્ટ લેડ ડેવલપમેન્ટ સહિતના ઉત્તરોત્તર અપ્રતિમ વિકાસની પ્રસ્તુતિ કરતા કહ્યું કે, આજે દેશના કુલ કાર્ગોના 40 ટકા હેન્ડલિંગ એકલું ગુજરાત કરે છે. એટલું જ નહી, ઈન્ડસ્ટ્રિયલ આઉટપુટમાં 18 ટકા અને રિન્યુએબલ એનર્જીમાં ૧૫ ટકા હિસ્સો ગુજરાત આપે છે. રાજ્ય સરકારની પોતાની ટેક્સની આવક 9 હજાર કરોડથી વધીને 1.55 લાખ કરોડ થઈ છે.
આ ઉપરાંત એગ્રિકલ્ચર, મેન્યુફેક્ચરિંગ તેમજ સર્વિસ સેક્ટરમાં આ અઢી દાયકામાં ગુજરાતે ખૂબ મોટો જમ્પ લગાવ્યો છે. સાણંદ-ધોલેરા સેમિકન્ડક્ટર હબ બન્યા છે. અત્યાર સુધીમાં બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ કાર્યરત થયાં છે. વાઈબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટ અને વડાપ્રધાનના ડેવલપમેન્ટ વિઝનના પરિણામે ગુજરાત આજે દેશમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બન્યું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીએ કહ્યું કે, 2047ના વિકસિત ભારતના વડાપ્રધાનએ આપેલા ધ્યેયને પાર પાડવા રાજ્યનો દરેક જિલ્લો પોતાના આગવા પોટેન્શિયલ સાથે આગળ વધે તે માટે છ રિજનલ ઈકોનોમિક માસ્ટર પ્લાન 20 જેટલા પ્રાયોરીટી સેક્ટર્સ સાથે તૈયાર થઈ રહ્યાં છે.
તેમણે વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત 2047નો જે રોડમેપ રાજ્ય સરકારે તૈયાર કર્યો છે તેમાં અર્નિંગ વેલ, લીવીંગ વેલનાં ધ્યેય સાથે 2047નુ ગુજરાત કેવું હશે તેના લક્ષ્યો નિર્ધારિત કર્યા છે તેની વિગતો આપતાં કહ્યું કે, સેમિકન્ડકટર, ઈ.વી. ગ્રીન હાઈડ્રોજન, એ.આઈ. જેવી ફ્યુચરિસ્ટીક ઈન્ડસ્ટ્રીઝ દ્વારા ઈન્વેસ્ટમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ બંન્ને વધારવા છે.
મુખ્યમંત્રીએ વેપાર-ઉદ્યોગ જગતના અગ્રણીઓને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવવા દક્ષિણ ગુજરાતની આ VGRCમાં સહભાગી થઈ રહેલા ઉદ્યોગ-વેપાર જગતના અગ્રણીઓને આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રીએ દક્ષિણ ગુજરાત રિજીયનમાં સુરત જિલ્લામાં 2, ભરૂચમાં 3, વલસાડમાં 1, તાપીમાં 1 અને નવસારી જિલ્લામાં 1 મળી કુલ 5380 એકરમાં નિર્માણ પામનાર 8 નવી ‘સ્માર્ટ GIDC’ વસાહતો સ્થાપવાની જાહેરાત કરી હતી.

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી
ગુજરાતમાં સપના લઈને આવેલા રોકાણકારોની મિત્ર, ભાગીદાર અને હિતેચ્છુ છે રાજ્ય સરકાર:
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ થકી સુરત સહિત દક્ષિણ ગુજરાતના વિકાસને નવી ઊર્જા મળશે
ગુજરાત દેશના કુલ જીડીપીમાં 8.2 ટકા યોગદાન સાથે અગ્રેસર: રાજ્યના જીડીપીમાં દક્ષિણ ગુજરાતનું યોગદાન 2047 સુધીમાં 20 ટકા સુધી લઈ જવાનું સરકારનું લક્ષ્ય
ઔદ્યોગિક ઇન્સેન્ટીવ માટે હવે સરકારી ઓફિસોના ધક્કા ખાવા નહીં પડે, સરકારે પારદર્શી વ્યવસ્થા ઊભી કરી છે
વૈશ્વિક યુદ્ધ, પૂરવઠા સાંકળના સંકટ વચ્ચે પણ ભારત અડગ: છેલ્લા 4 વર્ષ અને 60 દિવસથી દેશમાં ઈંધણના ભાવમાં કોઈ વધારો નહીં: હરદીપસિંહ પુરી

કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ
સુરતના ઉદ્યોગોએ દેશના સીમાચિહ્નરૂપ પ્રોજેક્ટ્સમાં પાયાનું યોગદાન આપ્યું છે:
દુનિયાનો સૌથી ઊંચો ‘ચેનાબ રેલ બ્રિજ’ અને સંરક્ષણ ક્ષેત્રની આધુનિક તોપોના નિર્માણમાં સુરતના ઉદ્યોગોનું ગૌરવભર્યું યોગદાન
દક્ષિણ ગુજરાત રિજીયનના પાંચ જિલ્લાઓમાં નિર્માણ પામનાર 8 નવી ‘સ્માર્ટ GIDC’ વસાહતો સ્થાપવાની જાહેરાત કરતા મુખ્યમંત્રી
સુરતના ડાયમંડને કેન્દ્ર સરકાર દ્વારા મળેલા જી.આઈ. ટેગ બદલ ભારતીય પોસ્ટના ઉપક્રમે એક વિશેષ કવરનું મુખ્યમંત્રીના હસ્તે અનાવરણ
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સૌ નાગરિકોને ગુજરાત સ્થાપના દિવસની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે, ‘વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ના આયોજનથી સુરત અને દક્ષિણ ગુજરાતના વિકાસને નવી ઊર્જા પ્રાપ્ત થશે. વાઈબ્રન્ટ ગુજરાતને પ્રાદેશિક સ્તરે લઈ જવા માટે હવે રાજ્યના ચાર ઝોનમાં રિજનલ કોન્ફરન્સ યોજાઈ રહી છે.
વાઈબ્રન્ટ ગુજરાતની બે દાયકાની સફળતાના આંકડા રજૂ કરતા મંત્રીએ ઉમેર્યું કે, વર્ષ 2003માં ગુજરાતનો જીડીપી 1.29 લાખ કરોડ હતો, જે વધીને વર્ષ 2012-13માં 7.20 લાખ કરોડ થયો હતો. પ્રગતિની આ કૂચ જારી રાખતા વર્ષ 2022-23 માં જીડીપી 21.90 લાખ કરોડ અને વર્ષ 2025ના અંત સુધીમાં 27.4 લાખ કરોડે પહોંચવાનો અંદાજ છે. દેશના કુલ જીડીપીમાં 8.2 ટકા યોગદાન સાથે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. આ વિકાસયાત્રામાં ઉદ્યોગકારોના અમૂલ્ય ફાળાને તેમણે બિરદાવ્યો હતો.
રાજ્યની ઔદ્યોગિક ક્ષમતા અંગે વિગતો આપતા સંઘવીએ કહ્યું કે, રાજ્યમાં MSME એકમોની સંખ્યામાં ચાર ગણો વધારો થયો છે અને ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI)માં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે રહ્યું છે. આગામી સમયમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સાકાર થતા રાજ્યમાં ઐતિહાસિક બદલાવ આવશે. ઉદ્યોગકારો માટે નીતિગત સરળતા અને વહીવટી પારદર્શિતા પર ભાર મૂકતા તેમણે જણાવ્યું કે, પ્રોત્સાહક સહાય (Incentive) મેળવવા માટે હવે ઉદ્યોગકારોએ કચેરીઓના ધક્કા ખાવા પડતા નથી. ઉદ્યોગ વિભાગ દ્વારા વર્ષ 2024-25માં કુલ રૂ. 5,619 કરોડના ઇન્સેન્ટિવનું વિતરણ કરાયું છે, જે અંતર્ગત ગઈકાલે સુરતથી જ 11,000 વેપારીઓને રૂ. 1,300 કરોડની સહાય સીધી જ એનાયત કરવામાં આવી છે.
રાજ્ય સરકાર ગુજરાતમાં સપના લઈને આવેલા રોકાણકારોની મિત્ર, ભાગીદાર અને હિતેચ્છુ છે એમ જણાવી સંઘવીએ કહ્યું કે, મહેસાણા VGRC ખાતે રૂ. 3.24 લાખ કરોડ અને રાજકોટમાં રૂ.5.78 લાખ કરોડના MOU થયા હતા, ત્યારે સુરત ખાતે પણ વિક્રમી સંખ્યામાં MOU થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનના ‘વિકસિત ભારત @2047’ના વિઝનને સાકાર કરવા રાજ્ય સરકારે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓને સાંકળીને ‘સુરત ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન @2047’ તૈયાર કર્યો છે. આ પ્લાન હેઠળ વર્ષ 2047 સુધીમાં રાજ્યના જીડીપીમાં દક્ષિણ ગુજરાતનો હિસ્સો 20 ટકા સુધી લઈ જવાનું આયોજન છે.
દક્ષિણ ગુજરાતની વિશેષતા જણાવતા મંત્રીએ ઉમેર્યું કે, દેશની 60 ટકા સોલાર પેનલ અને સોલાર સેલનું ઉત્પાદન આ વિસ્તારમાં થઈ રહ્યું છે. કુશળ માનવબળ અને પોર્ટ કનેક્ટિવિટીના કારણે લોજિસ્ટિક્સ ખર્ચ પણ ખૂબ ઓછો આવે છે. સુરત આજે દેશના 75 ટકા કાપડનું ઉત્પાદન અને નિકાસ કરે છે, તેમજ વિશ્વના દર 100માંથી 90 હીરાનું કટિંગ અને પોલિશિંગ સુરતમાં થાય છે. સ્વચ્છતામાં પણ સુરત દેશમાં પ્રથમ ક્રમે હોવાનું ગૌરવ વ્યક્ત કરતા તેમણે ઉદ્યોગકારોને રાઈઝીંગ સેક્ટરમાં રોકાણ કરવા આહ્વાન કર્યું હતું.
કેન્દ્રીય પેટ્રોલિયમ અને ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ વર્ષ 2027ના વાઇબ્રન્ટ ગુજરાત સમિટ પહેલા આ પ્રકારના પ્રાદેશિક સમિટના આયોજન બદલ ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રકારની સમિટ અન્ય રાજ્યોમાં પણ મોડેલરૂપ અને પ્રેરક બની છે એમ જણાવી ઉમેર્યું કે, વૈશ્વિક સ્તરે વીમા ખર્ચમાં વધારો, કાર્ગોમાં વિલંબ અને સપ્લાય ચેઈનની ગંભીર સમસ્યાઓ વચ્ચે પણ ભારત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મજબૂત નેતૃત્વ હેઠળ સુરક્ષિત રહ્યું છે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આજે જણાવ્યું હતું કે, વૈશ્વિક યુદ્ધ, પૂરવઠા સાંકળના સંકટ, હોર્મુઝની ખાડીમાં પેદા થયેલા તણાવ છતાં પણ કેન્દ્ર સરકારે દેશવાસીઓને આર્થિક બોજથી બચાવ્યા છે.
આ સંદર્ભે મંત્રીએ કહ્યું કે, જ્યારે વૈશ્વિક સ્તરે ક્રૂડના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે, ત્યારે છેલ્લા 4 વર્ષ અને 60 દિવસથી દેશમાં પેટ્રોલ અને ડીઝલના રિટેલ ભાવમાં કોઈ વધારો કરાયો નથી. તેમણે પાડોશી દેશોની સ્થિતિનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, પશ્ચિમના પાડોશી દેશે એપ્રિલમાં પેટ્રોલના ભાવમાં 42.7% અને ડીઝલમાં 54.09% નો વધારો કર્યો છે. તેવી જ રીતે ઉત્તર અને દક્ષિણના પાડોશી દેશોમાં પણ ઈંધણના ભાવમાં 39% થી 66% સુધીનો તોતિંગ વધારો ઝીંકાયો છે. વિશ્વના અન્ય બજારોમાં લાંબી કતારો, રેશનિંગ અને કામના કલાકોમાં કાપ જેવી સ્થિતિ જોવા મળી છે, પરંતુ ભારતે ‘પેનિક’ (ગભરાટ) ને ક્યારેય પોતાની નીતિ બનવા દીધી નથી. ભારતીય રસોડામાં કોઈ પણ ચીજવસ્તુની અછત વર્તાવા દેવામાં આવી નથી.
પુરીએ વધુમાં ઉમેર્યું કે, ઘણા લોકો દેશમાં ભાવોની સ્થિરતાને ચૂંટણી સાથે જોડે છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે છેલ્લા 4 વર્ષમાં અનેક ચૂંટણીઓ આવી અને ગઈ, તેમ છતાં સરકારની પ્રતિબદ્ધતા સામાન્ય જનતાને રાહત આપવાની રહી છે. સરકાર ગ્રાહકોના હિતમાં કઠોર નિર્ણયો લેવા સક્ષમ છે અને ભવિષ્યમાં પણ જનહિત સર્વોપરી રહેશે.

ગુજરાત ગૌરવ દિવસના પાવન અવસર પર અભિનંદન પાઠવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ
ગુજરાત ગૌરવ દિવસના પાવન અવસર પર દક્ષિણ ઝોનની ‘વાયબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ’ના પ્રથમવાર યજમાન બનવા બદલ સુરતવાસીઓને અભિનંદન પાઠવતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી નેતૃત્વમાં શરૂ થયેલી ‘વાયબ્રન્ટ ગુજરાત’ સમિટની સફળતાને પગલે આજે ગુજરાતે વિકાસની નવી ઊંચાઈઓ સર કરી છે.
સુરતના ઉદ્યોગોની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા મંત્રીએ ગૌરવભેર જણાવ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરમાં ચેનાબ નદી પર બની રહેલા વિશ્વના સૌથી ઊંચા ‘ચેનાબ રેલ બ્રિજ’માં સુરતની AM/NS કંપની દ્વારા ઉત્પાદિત અત્યંત મજબૂત સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, રાષ્ટ્રની સુરક્ષા માટે હજીરા સ્થિત L&T પ્લાન્ટમાં તૈયાર થયેલી આધુનિક તોપો (K9 વજ્ર) દેશની સરહદોનું રક્ષણ કરી રહી છે. આ બાબત માત્ર સુરત જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે.
તેમણે વધુમાં કહ્યું કે, દેશમાં પાણીની જરૂરિયાત પૂર્ણ કરવા જળસંચય જાગૃતિ ખૂબ જરૂરી છે. જાગૃત્ત દેશવાસીઓએ લોકભાગીદારીથી 70 લાખથી વધુ જળ સ્ટ્રક્ચર બનાવ્યા છે. જેનાથી 2 બીસીએમ વધુ જળસંચય કરી શકાયું છે. આજે 83 ટકા પાણી એગ્રીકલ્ચરમાં ઉપયોગમાં લેવાય છે જયારે 14 ટકા પાણી જનસમુદાયોમાં તેમજ 2.5 ટકા પાણી ઈન્ડસ્ટ્રીઝમાં ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે તેમણે ભૂગર્ભમાંથી પાણીને બિનજરૂરી ન ઉલેચવા અને કુદરતી જળસ્ત્રોતોને બચાવી જળસંગ્રહ કરવા ઔદ્યોગિક એકમોને આહવાન કર્યું હતું. મહાનગરપાલિકા દ્વારા ટર્શરી ટ્રીટેડ વોટર વેચીને વર્ષ દહાડે 300 થી વધુ કરોડની આવક મેળવતી હોવાનું અને સુરતે આગામી 50 વર્ષ માટે પાણીની જરૂરિયાત માટેનું નક્કર ભવિષ્યલક્ષી આયોજન કર્યું હોવાનું ગર્વ સાથે જણાવ્યું હતું.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, સુરતના સાહસિક ઉદ્યોગકારો અને તેમની કાર્યક્ષમતાને કારણે જ આજે મોટા વૈશ્વિક પ્રોજેક્ટ્સમાં સુરતની મજબૂત ભાગીદારી જોવા મળી રહી છે. આગામી સમયમાં આ રિજનલ કોન્ફરન્સના માધ્યમથી દક્ષિણ ગુજરાતના વિકાસને નવી ગતિ મળશે તેવો આશાવાદ તેમણે વ્યક્ત કર્યો હતો.

જાપાનના રાજદૂત મહામહિમ કેઈચી ઓનોએ પોતાના સંબોધનની શરૂઆત ગુજરાતી ભાષાથી કરી
ભારત ખાતેના જાપાનના રાજદૂત મહામહિમ કેઈચી ઓનોએ પોતાના સંબોધનની શરૂઆત ગુજરાતી ભાષાથી કરતાં જણાવ્યું કે, 2009માં જાપાન પ્રથમવાર વાઇબ્રન્ટ ગુજરાત સમિટના ભાગીદાર દેશ તરીકે જોડાયું ત્યારથી અમે સતત ગુજરાતના પાર્ટનર કન્ટ્રી રહ્યા છીએ, તેનું અમને ખૂબ ગૌરવ છે. તેમણે કહ્યું કે, સુરત એ ભારતના અગ્રણી વ્યાપારી શહેરોમાંનું એક છે, તેમજ ડાયમંડ પ્રોસેસિંગના વૈશ્વિક કેન્દ્ર સ્થાન તરીકે ખૂબ જ પ્રખ્યાત બન્યું છે. જાપાન – ભારતના સંબંધોના સંદર્ભમાં હાઇસ્પીડ રેલવે ટ્રેન પ્રોજેક્ટના મહત્વના હબ તરીકે પણ સુરતનું ખૂબ મહત્વ છે.
તેમણે કહ્યું કે, “સુરત જેવા મહત્વપૂર્ણ શહેરમાં આ ઇન્વેસ્ટમેન્ટ સમિટનું આયોજન ખૂબ ઉલ્લેખનીય છે. સુરત તેમજ ગુજરાત રાજ્યના વધુ સમૃદ્ધ આર્થિક વિકાસ માટે જાપાન સદા સમર્થન આપતું રહેશે.”
તેમણે વધુમાં જણાવ્યું કે, મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રે હજીરા ખાતે આર્સેલર મિત્તલ નિપ્પોન સ્ટીલ ઇન્ડિયાના સ્ટીલ પ્લાન્ટમાં કુલ રોકાણ રૂ.1.4 ટ્રિલિયન છે, અને તેના થકી લગભગ 40 હજારથી વધુ રોજગારીઓનું સર્જન થયું છે. અત્યાર સુધીમાં આ પ્લાન્ટ દ્વારા 7.2 મિલિયન ટન સ્ટીલનું ઉત્પાદન થયું છે અને તેને નજીકના ભવિષ્યમાં 15 મિલિયન ટન સુધી વધારવામાં આવશે.
સેમિકન્ડક્ટર સેક્ટર અંગે તેમણે કહ્યું કે, આ ક્ષેત્રે સરકાર અને ખાનગી કંપનીઓ વચ્ચેનો સહયોગ સતત વધી રહ્યો છે, ત્યારે જાપાન પણ ભારતમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન કરવાના દેશના સપનાને સાકાર કરવામાં, અને ખાસ કરીને ગુજરાત રાજ્યમાં તેનું ઉત્પાદન કરવામાં પોતાનો સંપૂર્ણ સહયોગ પ્રદાન કરશે.
તેમણે કહ્યું કે, હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટમાં સુરત એક મેજર હબ છે, અને જાપાન સરકાર તેનું મજબૂતીથી સમર્થન કરી રહી છે. નજીકના ભવિષ્યમાં આ શહેરમાં આકાર પામી રહેલા જાપાન-ઇન્ડિયા જોઇન્ટ પ્રોજેક્ટના નક્કર પરિણામો આપણને જોવા મળશે.

મારૂતિ સુઝુકી ગાયના છાણમાંથી બાયોગેસ બનાવવા માટેના એક પ્લાન્ટના કન્સ્ટ્રક્શન પર કામ કરી રહી છે
તેમણે જણાવ્યું કે, મારૂતિ સુઝુકી ગાયના છાણમાંથી બાયોગેસ બનાવવા માટેના એક પ્લાન્ટના કન્સ્ટ્રક્શન પર કામ કરી રહી છે. આ પહેલથી માત્ર પર્યાવરણ પરની અસર જ નથી ઘટાડતી, પરંતુ ઊર્જાક્ષેત્રે આત્મનિર્ભરતા વધારે છે તેમજ ખેડૂતો માટેની આજીવિકા વધારવામાં પણ યોગદાન આપે છે.
તેમણે કહ્યું કે, ગત વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતના કારણે બંને દેશો વચ્ચેની આ વિશેષ વ્યૂહાત્મક વૈશ્વિક ભાગીદારીએ એક નવા યુગના સુવર્ણ પ્રકરણમાં પ્રવેશ કર્યો છે. આગામી 2027નું વર્ષ, જાપાન અને ભારત વચ્ચે રાજદ્વારી સંબંધોની સ્થાપનાનું 75મું વર્ષ છે. બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા માટે, હું આ વિશેષ વર્ષ 2027ની ઉજવણી માટે ભારતની કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને વેપારી સમુદાયો સાથે મળીને ફક્ત દિલ્હીમાં જ નહીં, પરંતુ ભારતના ઘણા ભાગોમાં ખાસ કાર્યક્રમોનું આયોજન કરવા માંગુ છું. 75મા વર્ષને ખરેખર યાદગાર અને ખાસ બનાવવા માટે હું ગુજરાત રાજ્ય સાથે કામ કરવા આતુરતા વ્યક્ત કરીને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.

સિંગાપોરના હાઈ કમિશનર સાઈમન વોંગ એ સૌનું ‘જય શ્રી કૃષ્ણ’ સાથે અભિવાદન કર્યુ
સિંગાપોરના હાઈ કમિશનર સાઈમન વોંગ એ સૌનું ‘જય શ્રી કૃષ્ણ’ સાથે અભિવાદન કરતા જણાવ્યું હતું કે, આજનો દિવસ મહાન છે જ્યારે રિજિયોનલ કોન્ફરન્સના દિવસે અન્ય ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓ પણ જોડાઈ છે. આજે ગુજરાતનો સ્થાપના દિવસ પણ છે, આજે બુદ્ધ પૂર્ણિમા પણ છે અને વિશ્વમાં લેબર ડેની પણ ઉજવણી થાય છે.
ગત વર્ષે માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સિંગાપોરના વડાપ્રધાને બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવીને વ્યુહાત્મક રીતે ઉચ્ચ સ્તરે લઈ ગયા છે.
છેલ્લા 12 વર્ષમાં ભારતમાં સિંગાપોર તરફથી સૌથી વધુ એફડીઆઈ નોંધાવવામાં આવ્યું છે. 2014 થી અત્યારસુધી નું ભારતમાં ક્યુમ્યુલેટિવ એફડીઆઈ 179 બિલિયન ડોલરનું છે. જ્યાં સુધી ગુજરાતની વાત છે તો ભારતમાંથી સિંગાપુરમાં થતા નિકાસમાંથી 15 ટકા ગુજરાતમાંથી આવે છે.
આજે આ કોન્ફરન્સ સુરતમાં છે તો જણાવ્યું કે 100 મિલિયન ડૉલર મૂલ્યના હીરા સુરતથી સિંગાપોર એક્સપોર્ટ થાય છે. ચારમાંથી એક ડેનિમ જીન્સ સુરતથી આવે છે.
અમે ધોલેરા,ગિફ્ટ સિટી અને સાણંદમાં સેમિકન્ડક્ટર અને ફાઈનાન્સ ક્ષેત્રમાં આગળ જવાનું પ્લાનિંગ કરી રહ્યા છીએ.
નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે સતત સિંગાપુરની મુલાકાત લીધી છે. તેથી આ સબંધ લાંબા સમયથી છે. આગામી વાયબ્રન્ટ ગુજરાતની મુખ્ય ઇવેન્ટમાં સિંગાપોર અન્ય મહત્વપૂર્ણ જાહેરાતો કરશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.
સુરત અને ગુજરાતના હીરા ઉદ્યોગ માટે ગૌરવ સમાન ડાયમંડને કેન્દ્ર સરકાર દ્વારા મળેલા જી.આઈ. ટેગ બદલ ભારતીય પોસ્ટના ઉપક્રમે એક વિશેષ કવરનું મુખ્યમંત્રીશ્રીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું હતું.
ઉપસ્થિત સૌએ ‘વાઇબ્રન્ટ ગુજરાત તેમજ વિકસિત ગુજરાતની થીમ સાથે રાજયના વિકાસનું વિઝન રજૂ કરતી ડોક્યુમેન્ટ્રી ફિલ્મ રસપૂર્વક નિહાળી હતી.
આ પ્રસંગે સિંગાપોરના હાઈ કમિશનર સિમોન વોંગ, જાપાનના રાજદૂત એચ.ઈ. કેઈચી ઓનો, નિપ્પોન સ્ટીલ કોર્પોરેશનના મેનેજિંગ એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નોબુઓ ઓકોચી, ASSOCHAMના અધ્યક્ષ નિર્મલ મિંડા, રવાન્ડાના હાઈ કમિશનર જેકલીન મુકાનગીરા, યુક્રેનના હાઈ કમિશનર એલેકઝાન્ડર, રાજ્ય સરકારના મંત્રી કનુ દેસાઈ, જીતુ વાઘાણી, ઋષિકેશ પટેલ, પ્રદ્યુમન વાજા, નરેશ પટેલ, રમણ સોલંકી, ડો.જયરામ ગામીત, સાંસદ મુકેશ દલાલ, ધારાસભ્યો, રાજ્યના મુખ્ય સચિવ એમ. કે. દાસ, અધિક મુખ્ય સચિવ જયંતી રવિ, ઉદ્યોગ સચિવ મમતા વર્મા સહિત ચૂંટાયેલા વરિષ્ઠ પદાધિકારીઓ, સરકારના વિવિધ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ, દક્ષિણ ગુજરાતના ડાયમંડ, ટેક્ષટાઇલ સહિતના અગ્રણી ઉદ્યોગ સાહસિકો, યુવા એન્ટરપ્રિન્યોર્સ, વિદેશી ઉદ્યોગકારો ઉપસ્થિત રહ્યા હતા.
