Gandhinagar News: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Patel) સુરત ખાતે આયોજિત વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ (VGRC Surat)ના શુભારંભ પૂર્વે ઓરો યુનિવર્સિટી કેમ્પસમાં યોજાયેલા વાઈબ્રન્ટ ગુજરાત રિજિયોનલ એક્ઝીબિશન (VGRE)નું વિધિવત ઉદ્ઘાટન કર્યું હતું.

ઓરો યુનિવર્સિટી ખાતે ઔદ્યોગિક વિકાસ, ગ્રીન એનર્જી, કૃષિ અને સેવા ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રતિબિંબિત કરતું વિશાળ પ્રદર્શન ખુલ્લું મુકાયું
આ પ્રસંગે રાજ્યના ઔદ્યોગિક વિકાસ, કૃષિ પ્રગતિ, ગ્રીન એનર્જી અને સેવા ક્ષેત્રના સર્વાંગી વિકાસને પ્રતિબિંબિત કરતું વિશાળ પ્રદર્શન ખુલ્લું મુકાયું હતું.

પ્રદર્શન ખુલ્લું મૂકી મુખ્યમંત્રીએ વિવિધ સ્ટોલની મુલાકાત લઈ પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું
મુખ્યમંત્રીએ પ્રદર્શન (Exhibition)ના વિવિધ પેવેલિયન અને સ્ટોલની મુલાકાત લઈને ઉદ્યોગકારો અને સ્ટાર્ટઅપ પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે નવીન ટેકનોલોજી, ગ્રીન એનર્જી એકમો, કૃષિમાં આધુનિક પદ્ધતિઓ અને સેવા ક્ષેત્રના વિકસતા મોડલ અંગે વિગતવાર માહિતી મેળવી હતી. આ સાથે તેમણે રાજ્યના વિકાસમાં ખાનગી ક્ષેત્ર, ઉદ્યોગકારો અને યુવાનોની ભાગીદારીને મહત્વપૂર્ણ ગણાવી પ્રોત્સાહન આપ્યું હતું.

VGRCમાં દક્ષિણ ગુજરાતના સુરત સહિત 6 જિલ્લાઓનો સમાવેશ
ગુજરાત (Gujarat) દેશના ‘ગ્રોથ એન્જિન’ તરીકે આગળ વધી રહ્યું છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા ‘વાઈબ્રન્ટ ગુજરાત’ના વૈશ્વિક વિઝનને વધુ વ્યાપક બનાવવા માટે પ્રાદેશિક સ્તરે આ પ્રકારની કોન્ફરન્સ યોજવાનો નવીન અભિગમ અપનાવવામાં આવ્યો છે. આ પહેલના માધ્યમથી રાજ્યના દરેક વિસ્તારમાં રહેલા વિકાસના અવસરોને પ્રોત્સાહિત કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
સુરત ખાતે આયોજિત આ બે દિવસીય કોન્ફરન્સમાં દક્ષિણ ગુજરાત (South Gujarat)ના સુરત સહિત 6 જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં ઉદ્યોગ, કૃષિ, MSME અને સેવા ક્ષેત્ર સાથે જોડાયેલા પ્રતિનિધિઓ સક્રિય ભાગ લઈ રહ્યા છે.

આ પ્રદર્શન ત્રણ વિભાગોમાં વિભાજિત
કોન્ફરન્સનો મુખ્ય હેતુ રિજનલ ઇન્ડસ્ટ્રીય ગ્રોથને ગતિ આપવી, રોકાણકારોને આકર્ષવા અને રોજગારના નવા અવસરો ઉભા કરવાનો છે. આ પ્રદર્શનને ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર, ગ્રીન એનર્જી અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ અને સેવા ક્ષેત્ર એમ મુખ્ય ત્રણ વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન અંતર્ગત નવીન પ્રોડક્ટ્સ, ટેકનોલોજી, મશીનરી, સ્ટાર્ટઅપ ઇનોવેશન અને સરકારી યોજનાઓનું પણ પ્રદર્શન કરવામાં આવ્યું છે.

કૃષિ વૈવિધ્યને પ્રદર્શિત કરતો ‘મેન્ગો ફેસ્ટિવલ’ પણ યોજાયો
ખાસ કરીને ગ્રીન એનર્જી ક્ષેત્રમાં સોલાર અને વિન્ડ એનર્જી (Solar & Wind Energy) સંબંધિત પ્રોજેક્ટ્સ આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા. આ ઉપરાંત, ગુજરાતની ઓળખરૂપ કૃષિ વૈવિધ્યને પ્રદર્શિત કરતો ‘મેન્ગો ફેસ્ટિવલ’ (Mango Festival) પણ યોજાયો હતો, જેમાં રાજ્યના દક્ષિણ ગુજરાતમાં ઉગતી કેરીની જાતો રજૂ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ પ્રસંગે ટ્રેડ ફેર (Trade Fair)નો પણ પ્રારંભ કરાવ્યો હતો અને પ્રદર્શન દ્વારા ઊભી થનારી વ્યવસાયિક સંભાવનાઓ અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. આ પ્રકારની પ્રાદેશિક કોન્ફરન્સ રાજ્યના સંતુલિત અને સર્વસમાવેશક વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે.
આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, ધારાસભ્યો, રાજ્ય સરકારના વરિષ્ઠ અધિકારીઓ, ઉદ્યોગજગતના આગેવાનો અને દેશ-વિદેશના પ્રતિનિધિઓ જોડાયા હતા.
