હદ છે/ નવસારીમાં ભોજનમાં નીકળ્યો વંદો : ગ્રાહકોનો ગુસ્સો સાતમાં આસમાને

ગ્રાહકે તો વિડીયો બનાવીને પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પણ તંત્રનો ખાદ્ય વિભાગ નિદ્રામાં હોય તેવુ લાગી રહ્યું છે.

Gujarat Others
નવસારી

નવસારીની રેસ્ટોરન્ટમાં ભોજનમાં વંદો નીકળ્યો છે. નવસારીની લોકપ્રિય જવાહર રેસ્ટોરન્ટમાં પુલાવમાં વંદો નીકળતા વિવાદ થયો છે. તાજેતરમાં જ આ અગાઉ સુરતમાં ઈયળ અને અમદાવાદમાં ગરોળી નીકળી હતી. નવસારીમાં રેસ્ટોરન્ટમાં વંદો નીકળતા ગ્રાહક દ્વારા તેનો વિડીયો બનાવીને વાયરલ કરવામાં આવ્યો છે અને તંત્ર દ્વારા તાત્કાલિક પગલા ભરવામાં આવે એવી માગ કરવામાં પણ આવી રહી છે. જો કે ખાદ્યસુરક્ષા વિભાગ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે જોવું રહ્યું.

નોંધનીય છે કે, સુરતના વી.આર.મોલ સામેની રેસ્ટોરન્ટ મુસ્તાક અમદાવાદી તવાફ્રાયના ભોજનમાંથી ઈયળ નિકળી હતી. શહેરની અત્યંત લોકપ્રિય રેસ્ટોરન્ટમાં એક ગ્રાહકે વેજ ફ્રાઈ રાઈસની આઈટમ મંગાવી હતી. જેમાં રાઈસનાં બદલે ઈયળ નિકળી હતી. જેથી ગ્રાહકે રેસ્ટોરન્ટના મેનેજરને આ અંગે ફરિયાદ કરી હતી. જો કે, મેનેજરે નિરાકણ કરવાને બદલે ઉડાવ જવાબ આપ્યો હતો. જેથી ગ્રાહકે સુરત મ્યુ.કો. (એસએમસી)  અને ગ્રાહક સુરક્ષામાં ફરિયાદ કરી હતી અને મામલો વધુ વધ્યો હતો. આ ઉપરાંત ગ્રાહકે રેસ્ટોરન્ટના ભોજનમાંથી ઈયળ  નિકળવાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વિવિધ શહેરોમાં અવારનવાર ભોજનમાંથી જીવાતો નીકળતી રહે છે. સુરત તો ખાણી પીણી માટે દેશ અને દુનિયામાં જાણીતું છે ત્યારે ત્યાં ભોજનમાં નીકળેલી ઈયળ અને ગ્રાહકો સાથે થયેલું ગેરવર્તન સુરતની શાનને દાગ લગાવી શકે છે. બીજી તરફ કોર્પોરેશનના ફૂડ ડીપાર્ટમેન્ટ ઉપર સવાલ ઉઠી રહ્યા છે.

અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલી મેકડોનાલ્ડમાં કોલ્ડ ડ્રિંકમાંથી મરેલી ગરોળી નીકળી છે. ગરોળી નીકળતા ગ્રાહકનો ગુસ્સો તો સાતમાં આસમાને પહોચવાનો જ હતો અને થયું પણ એવું જ. ગ્રાહકે હોબાળો મચાવ્યો હતો. ગ્રાહકે મેનેજરને જાણ પણ કરી હતી પરંતુ તેમણે કોઈ ખાસ ધ્યાન આપ્યું ન હતું. અંતે, ગ્રાહકે આ વિશે ફૂડ અને ડ્રગ્સ વિભાગ, મીડિયા અને પોલીસને પણ જાણ કરી હતી. તંત્રે સમયસર કાર્યવાહી કરીને મેકડોનાલ્ડ રેસ્ટોરન્ટ સીલ કરી દીધી હતી.

ઘણી વખત એવું પણ બનતું હોય છે કે લોકો લોકપ્રિય અને નામાંકિત રેસ્ટોરેન્ટમાં જમવા તો જાય છે પરંતુ મોટી મોટી રેસ્ટોરન્ટમાં પીરસાતા ફૂડમાં જીવાત નીકળવાનું બંધ થતું નથી. જો કે સુરતની આ હોટેલનો વિડીયો વાયરલ કરનાર ગ્રાહકની જાગૃતિના કારણે આ ઘટના સામે આવી હતી. તે ગ્રાહકે તો વિડીયો બનાવીને પણ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ સમગ્ર ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા બાદ પણ તંત્રનો ખાદ્ય વિભાગ નિદ્રામાં હોય તેવુ લાગી રહ્યું છે. એમાંય જો કોઈ રેસ્ટોરન્ટના સેમ્પલ લેવામાં આવે તો તેના રિપોર્ટમાં પણ ઘણો સમય કાઢી નાખવામાં આવે છે ત્યાં સુધી લોકોના આરોગ્ય  સાથે ચેડાં થતાં રહે છે પણ કોઈ ઠોસ કાર્યવાહીનો દાખલો બેસાડવામાં તંત્રને રસ નથી કે કામ કરવામાં કોઈ ખામી રહે છે એ સવાલ થઇ રહ્યો છે.

123

આ પણ વાંચો : બ્રેઈન ડેડ વ્યક્તિના અંગ દાન માટે તૈયાર કરાયો ગ્રીન કોરીડોર