Cockroach Janata Party Instagram Page Blocked News: કોકરોચ જનતા પાર્ટી એટલે કે CJPના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ પેજને બ્લોક કરવામાં આવ્યું હોવાનો દાવો સામે આવ્યો છે. પાર્ટીના સ્થાપક અભિજિત દીપકેએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ કરીને આ અંગે જાણકારી આપી હતી. તેમણે ઈન્સ્ટાગ્રામ પેજનો સ્ક્રીનશોટ શેર કરીને નારાજગી વ્યક્ત કરી અને પેજ હટાવનારાઓ પર આકરા શબ્દોમાં પ્રહાર કર્યા.
સ્વતંત્રતા દિવસની સવારે આપી માહિતી
અભિજિત દીપકેએ સ્વતંત્રતા દિવસની સવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે કોકરોચ જનતા પાર્ટીનું(Cockroach Janata Party) સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ હવે ઉપલબ્ધ નથી. તેમણે આ સાથે પેજનો સ્ક્રીનશોટ પણ શેર કર્યો હતો. આ ઘટનાના થોડા સમય પહેલાં તેમણે સ્વતંત્રતા દિવસ નિમિત્તે એક તસવીર શેર કરી હતી. આ તસવીર NEET પેપર લીકના વિરોધ દરમિયાન દિલ્હીના જંતર-મંતર ખાતે થયેલા વિદ્યાર્થીઓના વિરોધ સાથે સંબંધિત હતી. તસવીર શેર કરતાં તેમણે દેશની વર્તમાન પરિસ્થિતિ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો અને હજુ ઘણો સંઘર્ષ બાકી હોવાનું જણાવ્યું હતું.

CJI સૂર્યકાંતના નિવેદન બાદ Cockroach Janata Partyની શરૂઆત
અભિજિત દીપકેએ ભારતના મુખ્ય ન્યાયાધીશ CJI સૂર્યકાંતના એક નિવેદન સામે વિરોધ નોંધાવવા માટે કોકરોચ જનતા પાર્ટીના(Cockroach Janata Party) નામે સોશિયલ મીડિયા પેજ શરૂ કર્યું હતું. ત્યારબાદ થોડા જ સમયમાં આ પેજને સોશિયલ મીડિયા પર મોટી સંખ્યામાં લોકોનું સમર્થન મળ્યું હોવાનું જણાવવામાં આવ્યું હતું. પછી અભિજિત દીપકે અમેરિકાથી ભારત પરત આવ્યા અને CJPના બેનર હેઠળ NEET પેપર લીકના મુદ્દે આંદોલન શરૂ કર્યું હતું. જંતર-મંતર ખાતે યોજાયેલા આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને લોકો જોડાયા હતા.
હવે ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાનની તૈયારી
NEET મુદ્દે આંદોલન બાદ CJP દ્વારા હવે શિક્ષણ ક્ષેત્રના અન્ય પ્રશ્નો ઉઠાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ અંતર્ગત સ્વતંત્રતા દિવસથી ‘સ્કૂલ ઠીક કરો’ નામનું અભિયાન શરૂ કરવાની વાત કરવામાં આવી છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારોની સરકારી શાળાઓમાં મૂળભૂત સુવિધાઓ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં સુધારો લાવવાનો હોવાનું જણાવાયું છે.
અભિજિત દીપકે જણાવ્યું હતું કે તેઓ મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં આવેલા પોતાના ગામથી આ અભિયાનની શરૂઆત કરશે. સ્થાનિક સરપંચ સાથે મળીને સરકારી શાળાઓની સ્થિતિ સુધારવા, જરૂરી સમારકામ કરાવવા તેમજ વિદ્યાર્થીઓ માટે બેન્ચ, પીવાનું પાણી જેવી મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે CJP (Cockroach Janata Party) દ્વારા અલગ-અલગ ટીમો તૈયાર કરવામાં આવી છે, જે ગામડાઓમાં જઈને સ્થાનિક લોકો અને સરપંચોના સહયોગથી સરકારી શાળાઓની સમસ્યાઓ ઓળખશે અને તેને ઉકેલવા માટે કામ કરશે.
