Mumbai News : મહારાષ્ટ્રના ખાદ્ય અને ઔષધિ પ્રશાસન (FDA)એ મુંબઈના મલાડ વેસ્ટ વિસ્તારમાં આવેલા બ્લિંકિટ (Blinkit)ના ડાર્ક સ્ટોર સામે કડક કાર્યવાહી કરી છે. તપાસ દરમિયાન સ્ટોરમાં મોટી સંખ્યામાં વંદા જોવા મળ્યા હતા. આ ઉપરાંત એક્સપાયર થયેલા ખાદ્ય સામાન અને સફાઈની ગંભીર બેદરકારી પણ સામે આવી હતી.
FDAના અધિકારીઓએ 7 ઓગસ્ટે રામચંદ્ર લેન, મલાડ વેસ્ટ સ્થિત બ્લિંકિટના ડાર્ક સ્ટોરનું નિરીક્ષણ કર્યું હતું. તપાસ દરમિયાન શાકભાજી અને ફળો પર વંદા ફરતા જોવા મળ્યા હતા. સ્ટોરની સ્વચ્છતા અને ખાદ્ય સુરક્ષાની સ્થિતિને લઈને અધિકારીઓએ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી.
તાત્કાલિક અસરથી લાઈસન્સ સસ્પેન્ડ
તપાસ બાદ એફડીએએ સ્ટોરનું ફૂડ લાઈસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધું છે. આગામી આદેશ સુધી આ સ્ટોરમાંથી કોઈપણ પ્રકારના ખાદ્ય પદાર્થનું વેચાણ કે વિતરણ કરી શકાશે નહીં. તેમજ સ્ટોરમાં અન્ય કોઈપણ પ્રકારનો ખાદ્ય વેપાર કરવા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
મહત્વનું છે કે આ કાર્યવાહી માત્ર મલાડ વેસ્ટના આ ચોક્કસ ડાર્ક સ્ટોર સામે કરવામાં આવી છે. તેથી બ્લિંકિટની દેશભરમાં ચાલતી અન્ય સેવાઓ પર તેની સીધી અસર નહીં પડે.
રિલાયન્સ રિટેલ સ્ટોરમાંથી કાજૂ કતરીના સેમ્પલ
આ દરમિયાન 8 ઓગસ્ટે FDAએ ગ્રાહકની ફરિયાદના આધારે બુલઢાણાના ARD સિનેમોલ ખાતે આવેલા રિલાયન્સ રિટેલ સ્ટોરની પણ તપાસ કરી હતી. ગ્રાહકે ફરિયાદ કરી હતી કે લક્ષ્મી નારાયણ બ્રાન્ડની કાજૂ કતરીમાં ફંગસ અને જીવતા કીડા જોવા મળ્યા હતા.
તપાસ દરમિયાન ફરિયાદમાં જણાવાયેલ બેચનું પેકેટ મળી આવ્યું નહોતું. જોકે એફડીએ અધિકારીઓએ આ જ બ્રાન્ડની આશરે 11.34 કિલો કાજૂ કતરી જપ્ત કરી હતી અને તેના નમૂના લેબોરેટરી તપાસ માટે મોકલ્યા છે. લેબ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ડેરી ઉત્પાદનો સામે પણ કાર્યવાહી
મહારાષ્ટ્ર એફડીએ દ્વારા દૂધ અને ડેરી ઉત્પાદનોમાં ભેળસેળ રોકવા માટે ચલાવવામાં આવેલા અભિયાન દરમિયાન પણ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. અભિયાન અંતર્ગત આશરે 14,378 કિલો/લિટર ડેરી ઉત્પાદનો જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત કરાયેલા માલની કુલ કિંમત આશરે રૂ. 93.26 લાખ હોવાનું જણાવાયું છે.
એફડીએની આ કાર્યવાહી બાદ ખાદ્ય પદાર્થોની ગુણવત્તા, સ્વચ્છતા અને સંગ્રહ વ્યવસ્થાને લઈને ફરી એકવાર સવાલો ઊભા થયા છે. ગ્રાહકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ખાદ્ય વેપારીઓ અને રિટેલ સ્ટોર્સમાં નિયમિત તપાસ જરૂરી બની છે.
