MANTAVYA Vishesh/ કોંગ્રેસમાં સાફસૂફીઃ ભરતસિંહ જૂથના આગેવાનોને સ્થાનિક પ્રદેશ માળખામાં ક્યાંય સ્થાન નહીં

કોંગ્રેસના જૂના અને નિષ્ક્રીય નેતાઓને કદ પ્રમાણે વેતરી નાખવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેનો પડઘો ભરતસિંહ સોલંકીના સ્વરૂપમાં જોઈ શકાય છે. આ વખતે તેમણે પક્ષના સંગઠનમાં તાલુકા અને સ્થાનિક સંગઠન માટે 15 જેટલા નામની યાદી આપી હતી, પરંતુ તેમાથી એકપણ નામ મંજૂર કરવામાં આવ્યું નથી.

Mantavya Vishesh

ગુજરાતમાં એકબાજુએ ચાલુ વર્ષે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાવવાની છે ત્યાં જ કોંગ્રેસમાં યાદવાસ્થળીને પ્રારંભ થઈ ગયો છે. વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને પાટણના કિરીટ પટેલ વચ્ચેનો વિવાદ માંડ-માંડ શાંત પડ્યો ત્યાં હવે સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે.

કોંગ્રેસ હાઈકમાન્ડે નક્કી કર્યુ છે કે લાંબા સમયથી પક્ષમાં વિવિધ હોદ્દાઓ ભોગવતા પરંતુ સક્રિય રીતે કામ ન કરતાં આગેવાનોને કદ મુજબ વેતરી નાખવામાં આવે. આનું પ્રતિબિંબ સ્થાનિક સ્તરે પણ પડ્યું છે. કોંગ્રેસના જૂના અને નિષ્ક્રીય નેતાઓને કદ પ્રમાણે વેતરી નાખવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેનો પડઘો ભરતસિંહ સોલંકીના સ્વરૂપમાં જોઈ શકાય છે. આ વખતે તેમણે પક્ષના સંગઠનમાં તાલુકા અને સ્થાનિક સંગઠન માટે 15 જેટલા નામની યાદી આપી હતી, પરંતુ તેમાથી એકપણ નામ મંજૂર કરવામાં આવ્યું નથી.

આવું કદાચ કોંગ્રેસમાં ભરતસિંહ સોલંકી સાથે સૌપ્રથમ વખત થઈ રહ્યુ છે કે તેમણે નામ રજૂ કર્યા હોય અને તેમાથી એક પણ નામ પસંદ ન થાય. સામાન્ય રીતે ભરતસિંહ સોલંકી જેવા કદના નેતાનું માન રાખવા તેમણે સૂચવેલા 20થી 30 ટકા જેટલા નામ મંજૂર કરી દેવામાં આવે છે. આ વખતે સીધો ઝાટકો આપવામાં આવતા એકપણ નેતા પસંદ ન થતાં હવે ભરતસિંહ જૂથ કોંગ્રેસની અંદર જ શક્તિ પ્રદર્શનની તૈયારી કરી રહ્યું છે.

આવું હવે ફક્ત ભરતસિંહ સોલંકી સાથે જ થશે તેવું નથી, કોંગ્રેસમાં લાંબા સમયથી નિષ્ક્રીય થઈ ગયેલા પણ હોદ્દાઓ ભોગવનારા બધા જ જૂના આગેવાનો અને તેમના સમર્થકોની પણ આગામી સમયમાં આ જ સ્થિતિ થવાની છે. કોંગ્રેસ હવે પક્ષમાં યુવાનોને આગળ વધારવા માંગે છે, પરંતુ હવે તેની સાથે-સાથે જૂના નેતાઓને કદ પ્રમાણે વેતરવા જતાં પક્ષની અંદર જ યાદવાસ્થળી થાય તેવા સંકેતો અત્યારથી જ મળવા લાગ્યા છે.

આ જ વર્ષની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે અને આગામી વર્ષે વિધાનસભા ચૂંટણી છે ત્યારે આ સંજોગોમાં કોંગ્રેસની અંદર પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ પ્રાણ ફૂંકવાના પ્રયાસમાં લહનના ઘોડાને બેસાડી દેવામાં આવનારા છે અને રેસમાં દોડે તેવા જ ઘોડાને ઉતારવામાં આવનારા છે, તેવું રાહુલ ગાંધીએ જ જણાવ્યું હતુ.

તે સમયે સવાલ પૂછાતો હતો કે કોંગ્રેસમાં લગનના ઘોડા કોણ છે, કોંગ્રેસે હવે લગનના ઘોડા નક્કી કરવા માંડ્યા છે. કોંગ્રેસની આ પહેલના કારણે આગામી દિવસોમાં પક્ષની અંદરના જ બીજા કેટલાય જૂથોને કદ પ્રમાણે વેતરવામાં આવી શકે છે. આ સંજોગોમાં હવે જે જૂથો વેતરાવવાના છે તે જૂથોએ પણ તેમનું શક્તિ પ્રદર્શન કરવાનું શરૂ કરી દીધું છે. આના કારણે આગામી દિવસોમાં કોંગ્રેસની અંદર ગજગ્રાહ વધુને વધુ મજબૂત બને તેમ માનવામાં આવે છે.

આ સંજોગોમાં હાઈકમાન્ડ આ આંતરિક અસંતોષની આગ કેટલી ઠારી શકે છે અને તેના પર કેટલો અંકુશ મેળવી શકે છે તેના પર ગુજરાત પ્રદેશ કોંગ્રેસનું ભાવિ ટકેલું હશે. ગુજરાત કોંગ્રેસ જૂથબંધીને જૂથબંધીમાં 148 બેઠક પરથી 12 બેઠક પર આવી ગઈ છે, આમ છતાં હજી તેની જૂથબંધી ખતમ થઈ નથી. આથી એમ કહેવાય છે કે કોંગ્રેસને અંદરના લોકો જેટલા નડ્યા છે તેટલા બહારના લોકો નડ્યા છે. કોંગ્રેસની અંદર આંતરિક જૂથબંધી એટલી મજબૂત હોય છે કે તેમના જ પક્ષનો નેતા તેમના જ પક્ષના નેતાને હરાવવા માટે હરીફ રાજકીય પક્ષની મદદ લે છે. આવું પાછું કોંગ્રેસમાં જ જોવા મળે.

કોંગ્રેસનું હાઈકમાન્ડ આ પ્રકારની બાબતથી સુપેરે વાકેફ થઈ ચૂક્યું છે. તેના કારણે જ આ નેતાઓને હવે કાયમ માટે નિષ્ક્રીય કરી દેવાની તૈયારીમાં લાગી ગયું છે. બીજી બાજુએ આ નેતાઓને લાગી રહ્યું છે કે પક્ષને આટલો સમય આપ્યો છે અને પક્ષ તેમના અનુભવનો લાભ લેવાના બદલે હવે તેમને તડકે મૂકવા માંગે છે. તેથી આ આગેવાનો પણ તેમના સમર્થકો સાથે આગામી દિવસોમાં બાંયો ચઢાવવા માટે તૈયાર છે.

કોંગ્રેસમાં કસમયે જામેલું કમઠાણ ભાજપ માટે જાણે મોઢામાં બગાસા ખાતા પતાસુ આવી ગયું તેવી સ્થિતિ દર્શાવે છે. કોંગ્રેસમાં કકળાટના કારણે ભાજપને હંમેશા મહેનત ઓછી પડે છે. કોંગ્રેસ આ પહેલા 2017માં બરોબર એકજૂટ થઈ લડી હતી ત્યારે તેણે શાસક પક્ષને બરોબર નવનેજા પાણી ચઢાવી દીધા હતા અને શાસક પક્ષે સંભવતઃ પહેલી જ વખત 100થી પણ ઓછું બેઠકો મેળવી હતી, પણ આ વાત હવે ભૂતકાળ બની ગઈ છે અને તેના પછી સાબરમતીમાંથી કેટલાય પાણી વહી ગયા છે.

કોંગ્રેસ હાઈકમાન્ડનું માનવું છે કે પક્ષમાં ટોચના સ્તરેથી ફેરફાર કરવામાં નહીં આવે ત્યાં સુધી તળિયાના સ્તરે પણ કોઈ ફેર નહીં પડે. તેથી તેણે એક સમયે પક્ષના હુકમના પત્તા કહેવાતા પણ હાલમાં નિષ્ક્રીય થયેલા આગેવાનોની યાદી કાઢવા માંડી છે. પક્ષની અંદર પહેલી જ વખત પોલિટિક્સને પર્ફોર્મન્સ સાથે સાંકળીને જોવામાં આવી રહ્યું છે. કોંગ્રેસમાં વાણીવિલાસ કરનારા નહીં પણ સરકારને પરસેવો છોડાવી દે તેવા નેતાઓની જરૂર છે તેવો સંદેશ કોંગ્રેસના આગેવાનોને પાઠવવામાં આવી રહ્યો છે.

પક્ષ એકદમ આક્રમક અંદાજવાળા અને સરકારની તીવ્ર રીતે ઝાટકણી કાઢી શકે તેવા કોંગ્રેસના આગેવાનો ઇચ્છે છે. હાઈ કમાન્ડ ઇચ્છે છે કે સ્થાનિક આગેવાનો આક્રમક વલણ નહીં દાખવે તો શાસક પક્ષ તો પછીની વાત રહી તેણે ગુજરાતના રાજકારણમાં તેને આમ આદમી પાર્ટી (આપ)નો સામનો કરવો પણ ભારે પડી જશે. આમ આદમી પાર્ટીએ વિસાવદરની બેઠક પર વિજય મેળવ્યા પછી આખા રાજ્યમાં જાણે વિસાવદરવાળી તેવો એક નેરેટિવ બની ગયો છે. કોંગ્રેસ ઇચ્છે છે કે આવો જ નેરેટિવ તેમના પક્ષના નેતાઓ પણ પેદા કરે અને ચૂંટણીમાં પર્ફોર્મન્સ ઓરિએન્ટેડ કામ કરે. વર્તમાન પગલાંના લીધે કોંગ્રેસની અંદર જૂના જોગીઓ અને નવા નેતાઓ વચ્ચેનો સંઘર્ષ તીવ્ર બને તેવા એંધાણ છે.


આ પણ વાંચો: પરિવારના વાત પરિવારના પ્લેટફોર્મ પર કરાય, મેવાણીને શક્તિસિંહનો જવાબ

આ પણ વાંચો: કોંગ્રેસમાં કિરીટ પટેલ અને જિજ્ઞેશ મેવાણી વચ્ચે વર્ગવિગ્રહ પરાકાષ્ઠાએ

આ પણ વાંચો: મહેશ વસાવા ભાજપનો ‘ટેસ્ટ’ કરી આવ્યા હતા, હવે કોંગ્રેસનો ‘સ્વાદ’ ચાખેઃ છોટુભાઈ વસાવાનો કટાક્ષ