Gandhinagar News: ગુજરાતની 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકાઓ, 34 જિલ્લા પંચાયતો તથા 260 તાલુકા પંચાયતની ચૂંટણીમાં મતદાન પૂરુ થયું. ચૂંટણી પૂરી થવાની સાથે જ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શાસક પક્ષ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
તેમણે જણાવ્યું હતું કે સામાન્ય ચૂંટણીમાં મતદાન કરનાર ભાઈ-બહેનોને આભાર માનતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થતા જ ભાજપાએ અનેક પ્રકારના હથકંડા અપનાવ્યા.
તેમણે ઉમેર્યુ હતુ કે ગુજરાતની અસ્મિતાને કલંક પહોંચાડે તેવા કૃત્યા કર્યા. જે લોકતંત્ર માટે ઘણી જ ગંભીર બાબત છે. ભાજપા, પોલીસતંત્ર-વહીવટીતંત્રની તમામ પ્રકારની ધાકધમકી, ગુંડાગર્દી, ગેરબંધારણીય કામગીરીનો મક્કમતાથી સામનો કરીને કોંગ્રેસ પક્ષના ઉમેદવારો, કાર્યકરો-આગેવાનો અડીખમ યોધ્ધાની જેમ લડ્યા તે અભિનંદનને પાત્ર છે. હું પુનઃ ગુજરાતના મતદારોનો આભાર માનું છું.
તેમના આ નિવેદનને ઘણા લોકો એ રીતે જુએ છે કે તેમણે શાસક પક્ષને અરીસો બતાવ્યો છે. શાસક પક્ષે આ ચૂંટણી જીતવા માટે જે પ્રકારની રીતરસમો અપનાવી તે બધાનો જવાબ તેમણે આ નિવેદનમાં આપી દીધો છે. તેની સાથે તેમણે તેમના પક્ષના ઉમેદવારોનો અને તેમના સમર્થકોનો જુસ્સો પણ વધાર્યો છે.
જ્યારે રાજકીય સમીક્ષકોનો એક વર્ગ આ બાબતને એ રીતે જુએ છે કે કોંગ્રેસ સંભવતઃ પાણી પહેલા પાળ બાંધી રહી છે. અહીં કોંગ્રેસનું કહેવાનું તાત્પર્ય એ છે કે અમે તો મહેનત કરી છે અને ખરેખર કરી છે, પરંતુ ભાજપના ભય, ભ્રષ્ટાચાર અને ધાકધમકી આગળ અમારો પનો થોડો ટૂંકો પડ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો કોંગ્રેસે આ નિવેદન દ્વારા જાણે પોતે શરણાગતિ સ્વીકારી લીધી છે અને હાર માની લીધી છે તેવુ દેખાઈ રહ્યું છે. આમ કોંગ્રેસ પ્રમુખ સંભવતઃ પક્ષના નબળા દેખાવ છતાં પણ આગામી વિધાનસભા ચૂંટણી સુધી પક્ષપ્રમુખ તરીકેની જવાબદારી જાળવી રાખશે તેમ માનવામાં આવી રહ્યું છે.
