ઉત્તરાખંડના મુખ્યમંત્રી તીરથદાસ રાવતે તો સત્તા મળતાની સાથે મહિલાઓને જીન્સ પહેરવા થી માંડી બાળકો પેદા કરવા બાબતમાં જે વિવાદી વિધાનો કરીને દરેક વર્ગની ટીકાનું કારણ બન્યા છે
@હિંમતભાઈ ઠક્કર , ભાવનગર
કોંગ્રેસના યુવરાજ અને ભલે લગ્નનો વરઘોડો ન કાઢ્યો હોય પણ કોંગ્રેસ પ્રમુખના પદ માટેના વરઘોડે ચડવા થનગની રહેલા રાહુલ ગાંધીએ દક્ષિણ ભારતના વધુ પડતા વખાણ કરતી વખતે ઉત્તર ભારતની ટીકા કરી મૂક્યા હતા અને આ બાબત વિવાદનું કારણ બની હતી અને કોંગ્રેસના વિરોધીઓને તેમની સામે બોલવાનો મોકો આપ્યો હતો. ઉત્તરપ્રદેશ સહિતના ઘણા રાજ્યોમાં બળાત્કારનું પ્રમાણ વધ્યું હતું ત્યારે હરિયાણાના અનિલ વીજ સહિતના તત્કાલીન બે પ્રધાનો બોલવાના ચૂક્યા હતાં. જ્યારે ૨૦૧૪ની ચૂંટણી વખતે ભાજપે અચ્છે દિનનો નારો આપેલો તે વખતે કોંગ્રેસના સ્ટાર પ્રચારકો પૈકીના બે સ્ટાર પ્રચારકોએ તેને મહિલાઓ સાથે સાંકળવાનો પ્રયાસ કરેલો તેના કારણે કોંગ્રેસને આ ચૂંટણીમાં જિંદગીભર યાદ રહે તેવી પછડાટ મળી હતી. ૨૦૦૭ની ચૂંટણીમાં શ્રીમતી સોનિયા ગાંધીના મોદી માટે વપરાયેલા મોતના સોદાગર શબ્દ તેમજ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના એક વિવાદી નેતા મણીશંકર ઐય્યરે વડાપ્રધાન મોદી માટે જે અભદ્ર ભાષાનો પ્રયોગ કરેલો તેના કારણે પાટીદાર અનામત આંદોલનના કારણે કોંગ્રેસ તરફ સરકી રહેલો સત્તાનો કોળિયો છીનવાઈ ગયો હતો.
રાજકારણી ભલે ગમે તે પક્ષના હોય પરંતુુ બોલવામાં ઘણીવાર ચૂકી જાય છે. કોંગ્રેસના ઘણા નેતાઓ પોતાને સવાયા દેખાડવા પોતાના શીર્ષસ્થ નેતાઓ કરતા વધુ પ્રહારો કરતા હોય છે તો ભાજપના ઘણા નેતાઓ પણ કોંગ્રેસ પર પ્રહારો કરવામાં વડાપ્રધાન નરેેન્દ્ર મોદી કરતા વધુ પ્રહારો કોંગ્રેસ પર કરીને ચા કરતા કીટલી ગરમ એ કહેવતને સાચા અર્થમાં સાર્થક કરતા હોય છે, પરંતુ ઉત્તર પ્રદેશના નવા મુખ્યમંત્રી તીરથસિંહ રાવતે તો મુખ્યમંત્રી પદના ચાર્જ સંભાળ્યાના ત્રણ દિવસમાં બે વખત એવા વિચિત્ર અને લોકોના ગળે ન ઉતરે તેવા વિધાનો કર્યા કે જેના કારણે ચોતરફ વિરોધ ઉભો થયો છે. વડાપ્રધાન મોદીને ભગવાન શ્રી રામ અને કૃષ્ણ સાથે સરખાવીને તો તેમણે હદ કરી નાખી હતી.
ધર્મને ચૂસ્ત રીતે માનનારા લોકોને પણ આ સરખામણી ગમી નથી. કદાચ વડાપ્રધાન મોદી પણ આનાથી નારાજ થયા હશે. હવે આ અધૂરૂ હોય તેમ મહિલાઓ દ્વારા પહેરાતા ફાટેલા જીન્સના પેન્ટ વિષે જે વાત ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ કરી તેના કારણે સૌથી વધુ પ્રહારોનો સામનો કરવો પડ્યો છે. ખાસ કરીન મહિલા નેતાઓએ તો તીરથદાસ રાવતને બરાબર ઉધડા લીધા છે. જેને રાજકારણ સાથે લેવાદેવા નથી અને જેની ઉંમર પણ મોટી નથી તે બોલિવૂડના સુપરસ્ટાર બીગ બી અમિતાભ બચ્ચન કે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીના પ્રશંસક છે તે અમિતાભની દોહિતી એટલે કે તેની પુત્રીની પુત્રી નવ્યા નવેલીએ તો એવું કહી દીધું કે મહિલાઓના કપડા વિષે બોલતા કે અમારા કપડા બદલવાની વાત કરતા પહેલા તમારી માનસિકતા બદલો.
કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પોતાની શૈલીમાં સંઘના કેટલાય નેતાઓના પ્રચારકોના ચડ્ડી પહેરેલા ફોટા પ્રસિદ્ધ કરીને તીરથસિંહની મહિલા સંબંધી ટીકાઓનો જવાબ આપ્યો છે. જાે કે આ ટીકા તો તેની રાજકીય શૈલી છે. કોંગ્રેસમાં પ્રવેશી લોકસભાની ચૂંટણી લડી હારી જનાર ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર હાલ શીવસેનામાં છે અને વિધાન પરિષદ માટે જેની નિમણૂક માટે તેમના પક્ષ દ્વારા ભલામણ તઈ ચૂકી છે તેણે પણ આ બાબતમાં આકરો પ્રતિભાવ આપી કહ્યું કે રાજકારણીઓએ મહિલાઓના પહેરવેશની બદલે દેશ કયા માર્ગે લઈ જવો છે સહિતના પ્રશ્નોની ટીકા કરવી જાેઈએ. આ ઉપરાંત શીવસેનાના પ્રવક્તા સુશ્રી પ્રિયા ચાતુર્વેદીએ પણ તીરથસિંહ રાવતને આડે હાથ લેતી ટીકાઓ કરી છે.
આ ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કરે કહ્યું છે કે મુખ્યમંત્રી કક્ષાની હસ્તિએ પોતાની ગરિમા જાળવવી જાેઈએ. ઉત્તરાખંડના મુખ્યમંત્રીના મતે માત્ર કપડાં એ જ સંસ્કાર છે ? તેવો પ્રશ્ન પૂછતા દહેરાદૂનની જ એક વિદ્યાર્થિનીએ એવી ટકોર કરી છે કે સંસ્કાર અને પોષાકને શું લેવા-દેવા ? ૧ સંતાનની માતા એવી એક યુવતિએ જીન્સના પેન્ટ સાથે ફોટો શેર કરી લખ્યું છે કે ચારિત્ર્ય સંસ્કાર વિગેરેને કપડાં સાથે જાેડવાનો કોઈ અર્થ ખરો ?
તીરથદાસ રાવત ભલે મોદીને રામ અને કૃષ્ણ સાથે સરખાવીને બહુ નથી ફસાયા પરંતુ મહિલાઓના પોષાક બાબતમાં વિચિત્ર વિધાનો કરીને બરાબરના વિવાદમાં ફસાયા છે. તેની અખબારોએ પણ બરાબર નોંધ લીધી છે. આ વાત ક્યારેય ન ભૂલી શકાય તેવી છે.
સોશ્ય મિડિયા પર યુપીના નવિન મિશ્રા નામના એક પ્રાધ્યાપકે કહ્યું છે કે રાહુલ ગાંધી બોલવામાં સહેજ થાપ ખાય અને તૂટી પડતા ભાજપના પ્રવક્તાઓ કેમ ચૂપ છે ? જાેકે ઉત્તરાખંડના મુખ્યમંત્રીના બકવાસ સામે પ્રિયંકા ગાંધી જેવા એકાદ બે અપવાદને બાદ કરતાં બાકીના કોઈ નેતાઓએ આ પ્રકારનો મત વ્યક્ત કર્યો નથી. રણદીપ સુરજેવાલા સહિતના નેતાઓઆ સમગ્ર પ્રકરણ અંગે કેમ ચૂપકીદી સેવી રહ્યા છે ? આ જ સો મણનો મોટો સવાલ છે.
ભૂતકાળમાં સ્વ. મોરારજીભાઈ દેસાઈના પ્રધાનમંડળમાં આરોગ્યમંત્રી બનેલા સમાજવાદી નેતા રાજનારાયણ પોતાના વિધાનો દ્વારા વિવાદો સર્જવા માટે જાણીતા હતા. અત્યારે રાજનારાયણની સુદારેલી આવૃત્તિ હોવાની જેમની છાપ છે તે ભાજપના સાંસદ અને અનેક કોંગ્રેસી નેતાઓને કોર્ટના ધક્કા ખાતા કરી દેનારા પ્રા. સુબ્રમણ્યમ સ્વામી પણ ભૂતકાળમાં પોતાના વિધાનો દ્વારા જેમ કેટલીકવાર સરકારને સાચી વાત કહી દે છે તેમ ઘણી વખત વિવાદો પણ સર્જે છે.
આપણા રાજકારણીઓ પૈકીનો એક મોટો વર્ગ એવો છે કે જે કોઈપણ ભોગે અખબારોમાં ચમકતા રહેવા માગે છે કે ટીવી ચેનલો પર ચમકતા રહેવા માટે ગમે તે હદે જઈ શકે છે. હવે તો ટ્વીટર પણ ઘણા નેતાઓ માટે પબ્લીસીટી સ્ટંટનું એક માધ્યમ બની ગયું છે.