ગત મહિને બિહારની મુલાકાતે ગયેલી એક કેન્દ્રીય ટીમે ચેતવણી આપી હતી કે વિધાનસભાની ચૂંટણીઓ પૂર્ણ થયા પછી રાજ્યમાં કોરોના વાયરસનાં કેસો ઝડપથી વધી શકે છે. મતગણતરીનાં દિવસે માહિતી આપતા કેન્દ્ર સરકારે કહ્યું કે, આ ત્રણ સભ્યોની ટીમે કહ્યું છે કે, ચૂંટણી દરમિયાન રાજ્યમાં માસ્ક પહેરવાના નિયમો અને સોશિયલ ડેસ્ટેસિંગનું પાલન કરવામાં આવ્યું નથી. તેનાથી મહામારી ફાટી નીકળવાનું જોખમ વધી ગયું છે.
આ માહિતી આપતા કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે કહ્યું કે, બિહારમાં દરરોજ એક લાખ ટેસ્ટ કરવામાં આવે છે અને અત્યાર સુધીમાં એક કરોડથી વધુ કોરોના વાયરસ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જો કે, આરટી-પીસીઆર ટેસ્ટની સંખ્યા આમા માત્ર 12 ટકા જ છે. આ ટેસ્ટ સૌથી વિશ્વસનીય ટેસ્ટ માનવામાં આવે છે. આ સંદર્ભમાં, રાજ્યમાં 88 ટકા એન્ટિજન ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેની વિશ્વસનીયતા આરટી-પીસીઆર કરતા ઘણી ઓછી છે. કેન્દ્ર સરકાર સતત કહેતી રહી છે કે, જો કોઈ વ્યક્તિમાં રોગચાળાનાં લક્ષણો છે અને એન્ટિજન ટેસ્ટમાં તે નકારાત્મક જોવા મળે છે, તો તેણે આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાની જરૂર છે.
કેન્દ્રીય ટીમે કહ્યું કે, ચૂંટણી દરમિયાન ગ્રામીણ વિસ્તારોમાં ભારે બેદરકારી દાખવવામાં આવી હતી અને રોગચાળાને રોકવા માટે પૂરતા પગલા લેવામાં આવી રહ્યા ન હોતા. સરકારનું કહેવું છે કે, પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ હોવાનું જણાય છે, પરંતુ આગામી દિવસોમાં તે વધુ વણસી શકે છે. ઉલ્લેખનીય છે કે, આરોગ્ય મંત્રાલયનાં જણાવ્યા અનુસાર, બિહારમાં અત્યાર સુધી 2,23,346 લોકોમાં કોરોના વાયરસનાં સંક્રમણની પુષ્ટિ થઇ ચૂકી છે. તેમાંથી 6,093 સક્રિય કેસ છે, રોગચાળામાંથી 2,16,097 લોકો સ્વસ્થ થયા છે અને 1,156 લોકો મૃત્યુ પામ્યા છે.