ભારતમાં વધતાં જતાં રેપ કેસએ એક શરમજનક વાત છે. આવા રેપ કેસમાં આરોપીને સજા મળવામાં પણ સમય લાગી જતો હોય છે. કોર્ટમાં ચુકાદો લંબાતો રહે છે. પરંતુ કર્ણાટકની એક કોર્ટે એક અદભુત કામ કર્યું છે. આ કોર્ટે રેપની કોશિશના મામલે 22 દિવસમાં સજા સંભળાવીને એક નવો ચીલો ચાતર્યો છે.
કોર્ટે 15 વર્ષની બાળકી સાથે રેપ કરવાની કોશિશ કરનાર દોષી એક કુલીને મોતની સજા સંભળાવી છે. આ કેસની જજમેન્ટની કોપી 15 સપ્ટેમ્બરે ecourts.gov.in પર અપલોડ કરવામાં આવી હતી.
કોલારના સેકન્ડ એડીશનલ સેશન જજે આ ચુકાદો આપ્યો છે. આરોપી ટીએન સુરેશ બાબુને 22 દિવસમાં સજા સંભળાવામાં આવી હતી.પોલીસે આરોપીને ૩ ઓગસ્ટના પકડી લીધો હતો. છોકરીની લાશ 1 ઓગસ્ટે રેલ્વે બ્રીજ નીચે મળી હતી.
આ મામલે ચુકાદો આપતા જજ બી.એસ. રેખાએ કહ્યું કે, ‘મારા વિચારો મુજબ ફરિયાદી પક્ષ અને તપાસ અધિકારીઓએ કોઈ કસર છોડી નથી.આ મામલે એ સાબિત થાય છે કે રેપની કોશિશ સંપૂર્ણપણે પહેલેથી જ આયોજિત હતી અને સમજી વિચારીને કરવામાં આવી હતી. આ એક અત્યંત શરમજનક અપરાધ છે અને કોર્ટ આને ખુબ જ ગંભીરતાથી લે છે જેથી બીજું કોઈ આ પ્રકારનું કામ કરતાં પહેલાં વિચારે.’
જજે ચુકાદો આપતા સમયે નિર્ભયા કેસનો પણ ઉલેખ્ખ કર્યો અને કહ્યું કે આ કેસ પણ કોઇપણ રીતે નિર્ભયા કેસથી ઓછો અમાનવીય નથી. પીડિતા 10 માં ધોરણની વિદ્યાર્થી હતી અને સુંદર ભવિષ્ય એની રાહ જોઈ રહ્યું હતું.
આ ઉપરાંત જજે એ વાત પર પણ ભાર આપ્યો કે આરોપીને કઠોરથી કઠોર સજા આપવી જ જોશે જેથી ભવિષ્યમાં આવાં કામ કરનારનો બચાવ થઇ ન શકે. એમણે કહ્યું કે, જો આરોપીને ઓછી સજા આપવામાં આવશે તો બીજાઓને સબક નહી મળે. આ મામલામાં છોકરી નિર્દોષ અને નિસહાય હતી. એ જિંદગી માટે લડતી રહી પરંતુ આરોપીએ માત્ર અડધી કલાકમાં એને મોતને ઘાટ ઉતારી દીધી. જો યોગ્ય સજા નહી આપાઈ તો લોકોની જિંદગી ખતરામાં આવી જશે.
આરોપીએ છોકરી સાથે એનાં ઘર પાસે પહેલાં છેડછાડ પણ કરી હતી. છોકરીના પિતાએ આરોપીને ખુબ સંભળાવ્યું હતું. આ વાતથી નારાજ થઈને આરોપીએ છોકરીને મારી નાખવાની યોજના ઘડી કાઢી. જયારે છોકરી 1 ઓગસ્ટે ઇન્ટર સ્કુલ સ્પોર્ટ્સ ઇવેન્ટમાંથી પોતાની ફ્રેન્ડ સાથે પરત આવી રહી હતી. ત્યારે આરોપીએ છોકરીને પાછળથી પકડી લીધી. છોકરી સાથે જબરદસ્તી કરી. રેપની કોશિશ દરમ્યાન છોકરીએ વિરોધ કર્યો તો આરોપીએ એની આંખ પર મુક્કો મારી દીધો. માથા પર પથ્થરથી ઘણા વાર કર્યા. છોકરીને ગંભીર ઈજાઓ થઇ અને છોકરીનું મૃત્યુ થયું.