પાકિસ્તાન તહેરિક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ના અધ્યક્ષ ઇમરાન ખાન 18 આગસ્ટે વડાપ્રધાન પદના શપથ ગ્રહણ કરશે. પાર્ટીના સાંસદ ફૈસલ જાવેદે આ માહિતી શુક્રવારે ટ્વિટ કરીને આપી હતી. બીજી તરફ, ભારતીય હાઇ કમિશનર અજય બિસારીયા સવારે ઈમરાન સાથે મળ્યા હતા. તેમણે ઇમરાન ખાનને ટીમ ઈન્ડિયાની સહીવાળું એક બેટ ભેટ આપ્યું હતું.
ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો પર ચર્ચા થઈ હતી. ઇમરાન ખાનની પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં સૌથી વધુ 116 બેઠકો પર વિજય મેળવ્યો છે. ફૈસલ જાવેદે જણાવ્યું હતું કે, ઇમરાન ખાનની શપથ વિધીમાં કપિલ દેવ, નવજોત સિંહ સિદ્ધુ અને સુનિલ ગાવસ્કરને આમંત્રણ આપવામાં આવ્યું છે.
ચૂંટણીની જીત બાદ ઇમરાન ખાન શપથ ગ્રહણ માટે 11 આેગસ્ટ નક્કી કરી હતી. ચૂંટણી પંચે પીટીઆઇના બે ઉમેદવારોની જીતની સૂચના આપી નથી. આ કારણે શપથ ગ્રહણ તારીખ 14 આેગસ્ટ સુધી મોકુફ રાખ્યાના સમાચાર પણ આવ્યા હતા. તાજેતરમાં, તેઆે પર સરકારી હેલિકોપ્ટર દુરુપયોગ કરવાનો આરોપ લાગ્યો છે. એવું માનવામાં આવે છે કે આ જ કારણસર બીજી વાર તેમના શપથ ગ્રહણ કાર્યક્રમમાં વિલંબ થયો હતો. જો કે, તેમણે હેલિકોપ્ટર કેસમાં માફી માગી લીધી છે.