ચીનમાં દક્ષીણ-પશ્ચિમ વિસ્તારમાં દુનિયાની સૌથી ઉંચી ભગવાન બુદ્ધની મૂર્તિને ચાર મહિના માટે સમારકામની પ્રક્રિયા કરવામાં આવશે.
લેશાન શહેરમાં બહારના ભાગમાં બનાવેલી ૭૧ મીટર ઉંચી મૂર્તિના છાતી અને પેટના ભાગમાં તિરાડ પડી ગઈ છે અને ઘણી જગ્યાએ તૂટી પણ ગઈ છે. આ જાણકારી લેશાન બુદ્ધ ક્ષેત્રના પ્રબંધન સમિતિએ આપી છે.
ચીનના સરકારી ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે આઠ ઓક્ટોમ્બરથી આ મૂર્તિનું સમારકામ ચાલુ કરવામાં આવશે. આ પ્રક્રિયા દરમ્યાન મૂર્તિને થોડી કે આખી ઢાંકી દેવામાં આવશે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે સંસ્કૃતિક સ્મૃતિ-ચિહ્નોના એક્સપર્ટની હાજરીમાં આ તપાસ કરવામાં આવશે. આ સમારકામમાં ૩ડી લેઝર સ્કેનીંગ, ઇન્ફારેડ થર્મલ ઇમેજિંગ જેવી ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે આ બુદ્ધની મૂર્તિને બનાવવા માટે ૯૦ વર્ષથી પણ વધારે સમય લાગ્યો હતો. આ મૂર્તિને બનાવવાની તૈયારી તાંગ વંશના શાસનમાં વર્ષ ૭૧૩માં થઇ હતી.
ઉલ્લેખનીય છે કે યુનેસ્કો દ્વારા વિશ્વ સંસ્કૃતિક ધરોહર જાહેર કરેલી આ મૂર્તિની ઘણી વખત તપાસ અને સમારકામ થઇ ચુક્યું છે.
