Not Set/ મગરે બાળકને કરડી ખાતાં ઈજાગ્રસ્ત, તો દીપડાએ વાછરડાંનો કર્યો શિકાર

કરાડ નદીમાં ન્હાવા પડેલા એક બાર વર્ષના છોકરાને મગરે કરડી ખાતાં ઈજાગ્રસ્ત બન્યો હતો. બાકરોલ ગામના ભરવાડ વાસમાં રહેતા રોહિત ઉદાભાઈ નાયક શનિવારે સાંજે ચાર વાગ્યાના સુમારે નદીના છીછરા પાણીમાં ન્હાવા ગયો હતો

Gujarat Others
solar 10 મગરે બાળકને કરડી ખાતાં ઈજાગ્રસ્ત, તો દીપડાએ વાછરડાંનો કર્યો શિકાર

કાલોલ વિસ્તારમાં બાકરોલ ગામે કરાડ નદીમાં મગરે બાર વર્ષના છોકરાને કરડી ખાતાં ઈજાગ્રસ્ત

ઉતરેડિયા ગામમાં દિપડાએ હુમલો કરી ભેંસના બચ્ચાનો કર્યો શિકાર

કાલોલ તાલુકાના બાકરોલ ગામની સીમમાં વહેતી કરાડ નદીમાં ન્હાવા પડેલા એક બાર વર્ષના છોકરાને મગરે કરડી ખાતાં ઈજાગ્રસ્ત બન્યો હતો. બાકરોલ ગામના ભરવાડ વાસમાં રહેતા રોહિત ઉદાભાઈ નાયક શનિવારે સાંજે ચાર વાગ્યાના સુમારે નદીના છીછરા પાણીમાં ન્હાવા ગયો હતો. એ સુમારે પાસેની નર્મદા કેનાલને કારણે નદીમાં વસતા મગરો પૈકીના એક મગરે નદીમાં કેડ સમા પાણીમાં ન્હાવા પડેલા રોહિત પર હુમલો કર્યો હતો અને તેના ડાબા પગે બચકું પણ ભર્યુ હતું. જોકે આ ૧૨ વર્ષિય રોહિત પર મગરે અચાનક હુમલો કર્યા પછી પણ રોહિતે ગભરાયા વિના હિંમત રાખીને મગરનું જડબું પકડીને મગરની આંખમાં મુક્કો મારતા મગરે પકડેલા રોહિતને છોડીને ભાગવુ પડયું હતું. આમ બપોરના સુમારે એકલા ન્હાવા પડેલા ૧૨ વર્ષિય તરુણ કિશોરે મગર સાથે બાથ ભીડી મોતના મુખમાંથી પોતાને છોડાવી સલામત રીતે નદીમાંથી બહાર આવી ગયો હતો. જોકે પ્રારંભે મગર હુમલો કરીને રોહિતના ડાબા પગે બચકું ભરી લેતા એ ઈજાગ્રસ્ત થયો હતો. જેથી પરિવારજનોએ તાત્કાલિક અસરથી ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો જ્યાં હાલ તેની હાલત કુશળ હોવાનું પરિવારજનોએ જણાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે બાકરોલ ગામની કરાડ નદીમાં પાસેની નર્મદા કેનાલના પાણીમાંથી બહાર આવી સામાન્ય રીતે મગરોનો વસવાટ નદીના પાણીમાં પણ ઘણીવાર જોવા મળે છે અને ઘણાં છોકરાઓ ઉનાળાની કાળઝાળ ગરમીમાં નદીમાં સ્નાન કરે છે. પરંતુ અત્યાર સુધીમાં કોઈ મગરે હુમલો કર્યો નથી. જેથી મગરોનો ગામલોકોને લગભગ ડર નહોતો. પરંતુ શનિવારે પહેલીવાર એક મગરે રોહિત પર હુમલો કરતા ગામલોકોમાં મગરોના ડરનો ફફડાટ ફેલાયો છે. જે સમગ્ર ઘટના અંગે બાકરોલ ગામના સરપંચે વનવિભાગને જાણ કરતા વનવિભાગના કર્મચારીઓએ નદી સ્થળે પહોંચી હિંસક બનેલા મગરોનું નદીમાંથી રેસ્કયુ કરવાની તજવીજ હાથ ધરી હતી.

જ્યારે અન્ય એક બનાવમાં કાલોલ તાલુકાના ઉતરેડિયા ગામમાં શુક્રવારે રાત્રીના સુમારે કોઈ હિંસક પ્રાણીએ સીમમાં વસવાટ કરતા ધર્મેન્દ્રસિંહ અંદરસિંહ નામના ખેડૂતના ખેતરમાં બાંધેલ ગાય પાસેથી ગાયના આઠ માસના વાછરડા પર હુમલો કરી વાછરડાનું ભક્ષણ કરી મોતને ઘાટ ઉતારી દીધું હતું. જે ઘટના અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગના કર્મીઓએ ઘટના સ્થળે પહોંચી કોઈ હિંસક દિપડાએ વાછરડાનો શિકાર કર્યો હોવાનું અનુમાન લગાવ્યું હતું. આમ કાલોલ તાલુકા વિસ્તારમાં બાકરોલ ગામમાં પાણીમાં મગરે અને ઉતરેડિયા ગામમાં દિપડાએ ગાયના વાછરડા પર હુમલો કરતા વનવિભાગ તંત્ર એકદમ દોડતું થયું હતું.