Dehradun News/ સાવધાન! નિર્મલા સીતારમણ અને સુંદર પિચાઈના નામે ઉત્તરાખંડમાં ₹83 લાખની છેતરપિંડી

Cyber Fraud Dehradun: ઉત્તરાખંડમાં સાયબર ઠગોએ નાણામંત્રી અને ગૂગલ CEO ના નામે નકલી જાહેરાતો ચલાવી ત્રણ લોકો પાસેથી ₹83 લાખથી વધુની છેતરપિંડી આચરી છે.

Top Stories NATIONAL India
Uttarakhand Cyber Fraud Nirmala Sitharaman Sundar Pichai

Uttarakhand Cyber Fraud News: સાયબર ઠગો હવે હાઈપ્રોફાઇલ હસ્તીઓના નામનો ઉપયોગ કરીને લોકોને શિકાર બનાવી રહ્યા છે. ઉત્તરાખંડમાં કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગૂગલના CEO સુંદર પિચાઈના ફોટા અને નામનો દુરુપયોગ કરી સાયબર ઠગોએ અંદાજે ₹83 લાખ થી વધુની છેતરપિંડી આચરી છે. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

નિવૃત્ત શિક્ષક સાથે ₹23.71 લાખની ઠગી (Cyber Fraud)

ચમોલી જિલ્લાના નિવૃત્ત શિક્ષક મકર સિંહ નેગીએ ફેસબુક પર એક જાહેરાત જોઈ હતી, જેમાં નિર્મલા સીતારમણ અને સુંદર પિચાઈના નામે માત્ર ₹21,000 રોકીને મોટો નફો મેળવવાનો દાવો કરાયો હતો. ઠગોએ ‘Mudra One Trade’ નામનું પ્લેટફોર્મ અને નકલી ડી-મેટ ખાતું ખોલાવી, ફોરેક્સ ટ્રેડિંગના નામે શિક્ષક પાસેથી અલગ-અલગ હપ્તામાં ₹23,71,162 પડાવી લીધા હતા. જ્યારે તેમણે પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો ત્યારે છેતરપિંડીનો ખુલાસો થયો હતો.

Uttarakhand Cyber Fraud Nirmala Sitharaman Sundar Pichai

કંપનીના ડિરેક્ટરના ખાતામાંથી ₹24.95 લાખ સાફ

બીજા કિસ્સામાં દહેરાદૂનની જાણીતી ‘આનંદમ સ્વીટ્સ’ના ડિરેક્ટર આનંદ સ્વરૂપ ગુપ્તા શિકાર બન્યા છે. 9 ફેબ્રુઆરી 2026ના રોજ તેમનો મોબાઈલ નંબર અચાનક બંધ થઈ ગયો હતો. તે દરમિયાન ઠગોએ તેમના કંપનીના HDFC બેંક ખાતામાંથી ચાર ટ્રાન્ઝેક્શન દ્વારા ₹24,95,000 ઓનલાઇન ટ્રાન્સફર કરી લીધા હતા. 16 ફેબ્રુઆરીએ જ્યારે ખાતું તપાસ્યું ત્યારે આ ચોંકાવનારી હકીકત સામે આવી હતી.

શેર ટ્રેડિંગના નામે અન્ય એક વ્યક્તિએ ₹34.75 લાખ ગુમાવ્યા

દહેરાદૂનના રાજા રામ ભટ્ટને પણ ફેસબુક પર ટ્રેડિંગની જાહેરાત જોઈ ‘Market Strategy Research Forum’ નામના વોટ્સએપ ગ્રુપમાં ઉમેરવામાં આવ્યા હતા. ઠગોએ SEBI નું નકલી રજીસ્ટ્રેશન બતાવીને વિશ્વાસ જીત્યો અને ‘SCSLPMA’ નામની એપ ડાઉનલોડ કરાવી. શરૂઆતમાં ₹5,000 ઉપાડવા દઈને વિશ્વાસ કેળવ્યો અને બાદમાં રોકાણના નામે કુલ ₹34,75,000 પડાવી લીધા હતા.

સાયબર પોલીસની અપીલ

આ ત્રણેય મામલામાં દહેરાદૂન સાયબર પોલીસે IT એક્ટ અને ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. આ સાથે પોલીસે લોકોને ખાસ અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર મોટી હસ્તીઓના ફોટા કે વીડિયો જોઈને ક્યારેય રોકાણની લાલચમાં આવવું જોઈએ નહીં. કોઈપણ ટ્રેડિંગ એપ ડાઉનલોડ કરતા પહેલા તેની સત્તાવાર ખરાઈ કરવી અત્યંત આવશ્યક છે અને જો કદાચ સાયબર ફ્રોડનો ભોગ બનો, તો વિલંબ કર્યા વિના તાત્કાલિક 1930 નંબર પર સંપર્ક કરીને ફરિયાદ નોંધાવવી જોઈએ.


આ પણ વાંચો: સુરત સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, જામતારા ગેંગ સાથે જોડાયેલા 3 આરોપી ઝડપાયા

આ પણ વાંચો: ડિજિટલ ફ્રોડ પર સુપ્રીમ કોર્ટ કડક, રૂ.54,000 કરોડની સાયબર લૂંટ પર ગંભીર ચિંતા

આ પણ વાંચો: આણંદ સાયબર ક્રાઈમની મોટી કાર્યવાહી, સાયબર ફ્રોડ ગેંગના 2 આરોપી ઝડપાયા