ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકિ છે એવામાં હાલ પ્રચાર પુરજોશમાં જોવા મળી રહ્યો છે. તમામ પાર્ટીના ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. મતદારોને આકર્ષવા માટે પ્રલોભન પણ આપી રહ્યા છે.વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો પર ઉમેદવારી પત્ર પરત ખેંચવાનો ગતરોજ અંતિમ દિવસ હતો. હવે કેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં છે એ ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે અને ઉમેદવારોએ પ્રચાર પણ શરૂ કરી દીધો છે. ઉમેદવારો મતદાતાઓને રિઝવવા માટે અનેક નુસખા અપનાવી રહ્યા છે. વડોદરાના ડભોઇથી મોટા સમાચાર સામે આવી કરહ્યા છે. વડોદરા જિલ્લાની ડભોઈ વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારનો મતદાતાઓને રિઝવવાના નુસખાનો વિવાદિત વીડિયો વાયરલ થયો છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ દ્વારા ટિકિટ ન આપવામાં આવતા ભાજપ સાથે છેડો ફાડી કોંગ્રેસમાં જોડાયેલા બાલકૃષ્ણ ઢોલારને કોંગ્રેસ પક્ષ દ્વારા ડભોઈ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવતા કોંગ્રેસના ઉમેદવાર બાલકૃષ્ણ ઢોલરે પ્રચાર શરૂ કર્યો હતો.
તેઓ વડોદરાના ભાયલી વિસ્તારમાં પોતાના પ્રચાર માટે સમર્થકો સાથે પહોંચ્યા હતા અને પ્રચાર દરમિયાન બાલકૃષ્ણ ઢોલાર નાગરિકોને રૂપિયાની નોટો આપી રિઝવવાનો પ્રયાસ કરતા હોવાનો વિડીયો વાયરલ થતા રાજકીય માહોલ ગરમાયો છે. બાલકૃષ્ણ ઢોલાર વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ પણ થઇ શકે છે.