મેઘાણીનો સાહિત્ય વારસો મહેન્દ્ર મેઘાણીના અંગે અંગમાં વહેતો હતો. ગુજરાતી સાહિત્યને આજે મોટી ખોટ પડી છે. ઝવેરચંદ મેઘાણીના સૌથી મોટા પુત્ર મહેન્દ્ર મેઘાણીનું ભાવનગર ખાતે 100 વર્ષની વયે નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે આજે એટલે કે 3 ઓગસ્ટ 2022ના રોજ રાત્રે 8 કલાકે તેઓએ અંતિમ શ્વાસ લીધા. તેમના નિધનથી ગુજરાતના સમગ્ર સાહિત્યજગતમાં દુઃખનું મોજું ફરી વળ્યું છે.
મહેન્દ્ર મેઘાણીના નિધનના સમાચાર તેમના સંતાનો દ્વારા સોશિયલ મીડિયામાં આપવામાં આવી છે. તેમની સ્મશાન યાત્રા એમના નિવાસસ્થાન શાંતિકુંજ એપાર્ટમેન્ટથી વડોદરિયા પાર્કથી ફૂલવાડી ચોક રોડ, ભાવનગર તા. 4 ઓગસ્ટ, ગુરુવારે સવારે 8 વાગે નીકળી સિંધુનગર સ્મશાન ભૂમી પર જશે.
નોંધનીય છે કે મહેન્દ્ર મેઘાણીનો જન્મ 1923ની 20મી જૂને મુંબઈમાં થયો હતો. આ તેમનું શતાબ્દી વર્ષ હતું. મહેન્દ્ર મેઘાણીએ ભાવનગર અને અમદાવાદમાં અભ્યાસ કર્યા પછી અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાં પત્રકારત્વનો અભ્યાસ કર્યો હતો. જીવનના ઘણા વર્ષો તેમણે અમેરિકામાં પસાર કર્યા હતા. તેમના પિતા ઝવેરચંદ મેઘાણીનું તો 1948માં નાની વયે નિધન થયું હતું. પરંતુ એ દરમિયાન સૌથી મોટા પુત્ર હોવાને કારણે મહેન્દ્રભાઈને તેમની સાથે કામ કરવાની અને તેમની પાસેથી શીખવાની તક મળી હતી. પત્રકારત્વ અને ગુજરાતી સંસ્કૃતિના વાહક તરીકે તેઓ અનેક દેશોમાં ફર્યા હતા.
ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણીના ચિરંજીવી મહેન્દ્રભાઈ ગુજરાતનાં ઘર ઘરમાં સારું વાંચન પહોંચે તે માટે અવિરત કાર્યરત રહ્યા છે. મહેન્દ્ર મેઘાણીને ગુજરાતી સાહિત્ય ઉપરાંત વિશ્વ સાહિત્યમાં સારી પકડ હતી. સેવન યર્સ ઈન તિબેટ, કોન ટીકી વગેરે વિશ્વ સાહિત્યના ઉત્તમોત્તમ પુસ્તકો તેમણે અત્યંત રસાળ ગુજરાતીમાં અનુવાદિત કરીને ગુજરાતી વાચકોને આપ્યા છે. તેમણે ‘નહીં વીસરાતાં કાવ્યો’ નામનું પુસ્તક સંપાદિત કર્યું. એ ઉપરાંંત અગાઉના વર્ષમાં ‘આપણાં સંતાનો’, ‘આપણી ધાર્મિકતા’, ‘આપણો ઘરસંસાર’ અને ‘આપણાં બા’ નામનાં પુસ્તકો તેમણે તૈયાર કર્યાં હતા. મહેન્દ્રભાઈએ ભાવનગરમાં 1968માં શરૂ કરેલાં ‘લોકમિલાપ’ પ્રકાશન થકી સતત પુસ્તકો બહાર પાડ્યાં.
આજે જ્યારે તેઓ આપણી વચ્ચે નથી ત્યારે ક્યારેય ના પુરાય તેવી ખોટ સાહિત્ય જગતને પડી છે. તેમને અશ્રુભીની શ્રદ્ધાંજલી…