કુદરતી સંપત્તિના વિનાશની સજા એટલે આફતોનો અવસર
@હિંમતભાઈ ઠક્કર, ભાવનગર
કુદરતી આફતો સહન કરવા આપણે જાણે કે ટેવાઈ ગયા છીએ. ગુજરાતને તો અન્યાય સહન કરવાની જૂની આદત છે. અન્યાયનો સામનો કરવાની અને કોઈપણ આફતનો સામનો કરવાની આપણી બહુ જુની આદત છે. જાે કે મર્દાનગી અને ખુમારી-ખમીરની તાકાતથી આપણે આફતને અવસરમાં પલટવાની પણ આવડત ધરાવીએ છીએ. તાઉ-તે વાવાઝોડું આવ્યું અને ગયું.
ગુજરાતમાં ભલે જાનહાની અગાઉના વાવાઝોડાઓના પ્રમાણમાં ઓછી થઈ પરંતુ તમામ મોરચે નુકસાન તો થયું જ છે. લોકોને બે થી શરૂ કરી પાંચ દિવસ સુધી વીજળી વગર ચલાવવું પડ્યું છે. ટૂંકમાં કુદરતે તો ઠીક પણ વહીવટીતંત્રે પણ લોકોની ધીરજની પરીક્ષા કરી છે. તંત્રની પોલનો કુદરતી આફતે પર્દાફાશ કર્યો છે તે વાત તો છે જ પણ સાથોસાથ સમયસરના સ્થળાંતરના કારણે હજારો લોકોના જાન પણ બચાવ્યા છે. આ વાત પણ નોંધ્યા વગર જરાય ચાલે તેવું નથી. હવે ભલે તાઉ-તે વાવાઝોડાનો ટૂંકાગાળાનો કહેર આપને સહન કરી લીધો પરંતુ સાથોસાથ કુદરતના કહેરનો પણ બરાબર સામનો કર્યો છે તે પણ એક વાસ્તવિકતા છે, હકિકત છે જેની નોંધ લીધા વગર ચાલે નહિ.
આ ઘણા વિશ્લેષકો કહે છે અને લોકોમાં કકળાટ છે તે પ્રમાણે તંત્રના વામણાપણાને કારણે લોકોને વધુમાં વધુ સહન કરવાનો વારો આવ્યો છે તે પણ નોંધવું પડ્યું છે. જાે કે ઈતિહાસ પર નજર નાખશું તો જણાશે કે છેલ્લા ૫૦ વર્ષથી ગુજરાત નહિ પરંતુ દેશની માઠી બેઠી છે. એક રીતે જુઓ તો કુદરતનું સંતુલન પણ બરાબર ખોરવાયું છે. છેલ્લા થોડા વર્ષોની સ્થિતિ પર અભ્યાસ કરશું તો આપણે દુકાળ ચક્રવાત અને પૂરતાંડવના વધુમાં વધુ બનાવો જાેયા છે. ચક્રવાત એટલે કે વાવાઝોડું વર્ષમાં લગભગ બે થી ત્રણ વખત હાજરી પુરાવતું રહે છે. કો’ક જ વર્ષ એવું હશે જે આખું વર્ષ વાવાઝોડા વગરનો ખાલી ગયો હોય. એક અંદાજ મૂકવામાં આવે છે તે પ્રમાણે દર ત્રણથી ચાર વર્ષે ગુજરાતમાં અતિવૃષ્ટિ અને વાવાઝોડું દૂકાળ સિવાયના વર્ષોમાં કાયમી નુકસાન કરે છે તે પણ હકિકત છે.
૨૦૧૮ બાદ દર વર્ષે વાવાઝોડું આવે જ છે. આ ઉપરાંત ઉનાળામાં આકરી ગરમીનો પણ આપણે અનુભવ કરીએ છીએ. આપણે ઉનાળા દરમિયાન ૪૫ ડિગ્રી આસપાસનું તાપમાન એપ્રિલ અને મે માસમાં સહન કર્યું છે. ૨૦૨૧નો મે માસ જ એવો હશે કે જેમાં ગરમી ૪૩ ડિગ્રીથી વધી નથી. બાકી ૪૧ ડિગ્રી સુધીની ગરમીનો અનુભવ તો આપણે આ વર્ષમાં પણ બરાબર કરી લીધો છે.
આ અંગે જાણકારો અને કુદરતની સ્થિતિ પર નજર રાખનારા અંદાજ મૂકે છે તે પ્રમાણે ૧૯૭૦ બાદ અમદાવાદ, ભરૂચ, સુરેન્દ્રનગર, રાજકોટ સહિતના રાજ્યના ૧૩ થી વધુ જિલ્લાઓમાં દુષ્કાળની ઘટનાઓ વધી છે. જ્યારે ભૂતકાળ કરતાં પૂર અને ઉપર જણાવી ગયા તે પ્રમાણે વાવાઝોડાની ઘટનાઓ પણ ૯ ગણી વધી છે. દેશમાં પણ આવું જ છે. ઓરિસ્સા, આંધ્ર સહિતના આઠ રાજ્યો એવા છે કે જ્યાં વાવાઝોડું લગભગ દર વર્ષે પોતાની હાજરી પૂરાવે જ છે તે બાબત નોંધપાત્ર કહી શકાય છે. જ્યારે બીજી એક વાત એ છે કે ઋતુચક્ર લગભગ અસમતોલ થયું છે. ઠંડીનું પ્રમાણ અમુક દિવસે વધુ હોય છે, અમુક દિવસે ઓછું હોય છે. સામાન્ય રીતે નવરાત્રિના દિવસોમાં ઠંડીનો સામાન્ય ચમકારાનો અનુભવ થવો જાેઈએ પરંતુ હમણા ચિત્ર બદલાયું તેના કારણે સ્થિતિ પણ પલટાઈ છે. ઘણીવાર તો સાચી ઠંડીનો અનુભવ માગસર એટલે કે લગભગ ડિસેમ્બરના અંતમાં જ થાય છે. જ્યારે કમોસમી વરસાદ શિયાળો અને ઉનાળો ગમે તે મોસમમાં હાજરી પૂરાવે જ છે. વાવાઝોડું પણ ગમે ત્યારે આવી જાય છે. કોઈ કશું કરી શકતું નથી.
કોરોના જેવા રોગચાળાએ સવા વર્ષથી કહેર મચાવ્યો છે તેનું એક કારણ પણ વાતાવરણની અનિશ્ચિતતા છે તે વાતની નોંધ તો લીધા વગર જરાપણ ચાલે તેવું નથી. હવે વાતાવરણની અનિશ્ચિતતા અને વારવાર પલટાતા હવામાનના એક નહિ પરંતુ અનેક કારણો છે. ઉત્તરાખંડમાં ગમે ત્યારે ગ્લેશીયર તૂટવાના બનાવો બને છે. જમ્મુ-કાશ્મીરમાં માત્ર શિયાળામાં જ હિમવર્ષા થાય તેવું નથી. ગુજરાતમાં વાવાઝોડા અને કમોસમી વરસાદ કે જેને આપણે માવઠું કહીએ છીએ તેનું ગમે ત્યારે આગમન થાય છે. ભલે તે ઓછા સમય માટે હોય પણ બીજા કોઈને નહિ પણ ખેડૂતોને તો નુકસાન કરતું જ જાય છે તે પણ હકિકત છે. આમ કુદરતના ખોરવાતા સંતુલનના કારણે ગુજરાત નહિ પણ જ્યાં પણ આ પ્રકારની સ્થિતિ સર્જાય ત્યાંના સંતુલનને અવશ્ય નુકસાન પહોંચે છે તે વાતની નોંધ તો લીધા વગર ચાલે તેમ નથી. હવે તો ગણા એવું પણ સૂચન કરે છે કે અત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટનો વિભાગ ભલે હોય પરંતુ કેન્દ્ર અને રાજ્ય કક્ષાએ તેનું મંત્રાલય બનાવવાની પણ આવશ્યકતા ઉભી થવા પામી છે.
સૌના મનમાં સવાલ એ ઉભો થાય છે કે આનું કારણ શું ? તેનો જવાબ શોધવો જરાય અઘરો નથી. સાવ સહેલો જ છે એ ચપટી વગાડતા મળી જાય છે. નિષ્ણાતો અને તેમાંય કુદરતી બાબતોના જાણકારો તો ખુલ્લે આમ કહે છે, વર્ષોથી કહે છે અને હવે તો જાેરશોરથી કહેતા થયા છે. કાઉન્સીલ ઓફ એનર્જી એન્વાયરમેન્ટ એન્ડ વોટર દ્વારા જે વિશ્લેષણ થયું તે મુજબ માઈક્રો ક્લોમેટિક ફેરફારના કારણે એક યા બીજા સ્વરૂપે કુદરતી આપત્તિ આવતી રહે છે. તેનું કારણ એ છે કે બીજા બધાની વાત કરવી નથી પરંતુ જંગલોની ઘટતી સંખ્યા પણ આના માટે જવાબદાર ગણી શકાય તેમ છે. આડેધડ વૃક્ષછેદનના કારણે વૃક્ષોની ઘટતી સંખ્યા પણ આના માટે જરાય ઓછી જવાબદાર નથી. કુદરતી આફતો તો ટીક પણ કોરોના જેવા રોગચાળાના વ્યાપ માટે પણ ઘણા નિષ્ણાતોએ ઘટતી સંખ્યાને જવાબદાર ગણાવી છે. હવે ઘણા એવી સલાહ આપતા પણ થઈ ગયા છે કે પીપળાનું વૃક્ષ ઓક્સિજનના ટેન્કર કરતાં વધુ ઓક્સિજન આપે છે. અન્ય વૃક્ષોનું પણ આવું જ છે. આ વાત ખોટી નથી. બીજી વાત એ કે આપણે જળસંચયના સ્થળોએ પણ સિમેન્ટ ક્રોંક્રેટના જંગલો બનાવતા થઈ ગયા છીએ. આપણે નદીના વહેણના મૂળ પાસે મકાનો ખડકી દઈએ છીએ. બંધારો બનાવવાનો હોય ત્યાં આપણે ઔદ્યોગિક ફેકટરીઓ નાખી દઈએ છીએ. ઔદ્યોગિક વિકાસ અનિવાર્ય છે તેની ના નથી પરંતુ તેના કારણે જળસંચયના સાધનોને અસર થાય તેવું તો હરગીઝ ન થવું જાેઈએ. ઘણા કહે છે તે પ્રમાણે છેલ્લા ૫૦ વર્ષમાં કુદરતી આફતોનો ગંજ ખડકાયો છે તેનું કારણ બીજું તો જે કાંઈ હોય તે પણ કુદરતી સંપત્તિનો વિનાશ અને કૃત્રિમ સંપત્તિનો ઉદ્ભવ તો છે જ અને તેની સજા આપણે ભોગવવી પડે છે.