Delhi News/ દિલ્હી દારૂ કૌભાંડમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 આરોપીઓને હાઈકોર્ટની નોટિસ, CBI એ ‘રાષ્ટ્રીય શરમ’ ગણાવ્યું

Delhi હાઈકોર્ટે દારૂ કૌભાંડમાં કેજરીવાલ અને સિસોદિયા સહિત 23 આરોપીઓને નોટિસ પાઠવી છે. CBI એ આ કૌભાંડને રાજધાનીના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ ગણાવ્યું છે.

Top Stories India
Delhi Liquor Scam HC Notice

Delhi Liquor Scam HC Notice: દિલ્હીના કથિત દારૂ નીતિ કૌભાંડમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા સહિતના આરોપીઓને મળેલી રાહત હવે જોખમમાં મુકાઈ છે. દિલ્હી હાઈકોર્ટે સીબીઆઈ (CBI) ની અરજી પર સુનાવણી કરતા કેજરીવાલ અને સિસોદિયા સહિત તમામ ૨૩ આરોપીઓને નોટિસ પાઠવી જવાબ માંગ્યો છે. નીચલી અદાલતે આ તમામને આરોપમુક્ત કર્યા હતા, જેને સીબીઆઈએ હાઈકોર્ટમાં પડકાર્યો છે.

સોલિસિટર જનરલની ધારદાર દલીલો

CBI વતી કોર્ટમાં દલીલો રજૂ કરતા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ અત્યંત આક્રમક વલણ અપનાવતા આ પ્રકરણને દેશની રાજધાનીના ઇતિહાસનું સૌથી મોટું કૌભાંડ અને ‘રાષ્ટ્રીય શરમ’ સમાન ગણાવ્યું હતું. તેમણે કોર્ટમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, દારૂની આ વિવાદાસ્પદ નીતિ માત્ર અમુક ચોક્કસ ઉદ્યોગપતિઓને આર્થિક લાભ પહોંચાડવાના ઈરાદે જ ઘડવામાં આવી હતી અને તેમાં હવાલા મારફતે મોટા પાયે નાણાકીય ગેરરીતિઓ આચરવામાં આવી છે.

Delhi : નીચલી અદાલતના નિર્ણય પર હાઈકોર્ટની ટિપ્પણી

દિલ્હી હાઈકોર્ટે નીચલી અદાલત એટલે કે રાઉઝ એવન્યુ કોર્ટના આદેશમાં કેટલીક હકીકતો ખોટી હોવાનું ગંભીર અવલોકન કર્યું છે. હાઈકોર્ટે આ મામલે સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, જ્યાં સુધી હાઈકોર્ટમાં આ કેસની સુનાવણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ED (મની લોન્ડરિંગ) ના કેસમાં પણ આરોપીઓને આરોપમુક્ત કરી શકાશે નહીં. આ ઉપરાંત, એક મહત્વના નિર્ણયમાં નીચલી અદાલતે CBI ના તપાસ અધિકારી વિરુદ્ધ જે ખાતાકીય તપાસનો આદેશ આપ્યો હતો, તેના પર પણ હાઈકોર્ટે હાલ પૂરતી રોક લગાવી દીધી છે, જે તપાસ એજન્સી માટે મોટી રાહત સમાન છે.

170 ફોન નષ્ટ કર્યાનો દાવો

સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કોર્ટમાં વધુમાં જણાવ્યું હતું કે આ સમગ્ર કેસમાં અત્યંત વૈજ્ઞાનિક પદ્ધતિથી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી છે. આ તપાસ દરમિયાન CBI ને મહત્વના ડિજિટલ પુરાવા રૂપે ઈમેલ અને વોટ્સએપ ચેટ્સ મળી આવ્યા છે, જે આ મોટા કાવતરાની સ્પષ્ટ સાક્ષી પૂરે છે. સૌથી ચોંકાવનારી બાબત એ સામે આવી છે કે, પુરાવાનો નાશ કરવાના ઇરાદે આશરે 170 જેટલા મોબાઈલ ફોન તોડી નાખવામાં આવ્યા હતા.

લાંચની રકમ અંગે મોટો દાવો કરતા તેમણે જણાવ્યું કે, અમુક લોકોના ફાયદા માટે 19 કરોડથી લઈને 100 કરોડ રૂપિયા સુધીની તોતિંગ લાંચ આપવામાં આવી હતી. એટલું જ નહીં, આ લાંચની રકમમાંથી 44.50 કરોડ રૂપિયા હવાલા નેટવર્ક મારફતે સીધા ગોવા ચૂંટણીના ફંડ માટે મોકલવામાં આવ્યા હોવાનો પણ કોર્ટ સમક્ષ સનસનીખેજ દાવો કરવામાં આવ્યો છે.

સાક્ષીઓના નિવેદનો અને કાવતરું

SG મહેતાએ કહ્યું કે નીચલી અદાલતે સાક્ષીઓના નિવેદનોને નજરઅંદાજ કર્યા છે. કાવતરું ક્યારેય ખુલ્લેઆમ નથી રચાતું, તેને સાબિત કરવા માટે કડીઓ જોડવી પડે છે. મેજિસ્ટ્રેટ સામે નોંધાયેલા 164 મુજબના નિવેદનોમાં સ્પષ્ટ છે કે લાંચ કોને અને કેવી રીતે આપવામાં આવી હતી.

હવે આ મામલે આગામી સુનાવણી 16 માર્ચ ના રોજ હાથ ધરવામાં આવશે. ત્યાં સુધી કેજરીવાલ અને અન્ય આરોપીઓએ પોતાનો પક્ષ રજૂ કરવો પડશે.


આ પણ વાંચો:મધ્ય પૂર્વમાં વિનાશક યુદ્ધને કારણે 28 માર્ચ સુધી 850 થી વધુ ભારતીય ફ્લાઇટ્સ રદ

આ પણ વાંચો:અમેરિકામાં ભયંકર શિયાળુ વાવાઝોડાની ચેતવણી,એર ઈન્ડિયાએ ન્યૂ યોર્ક-નેવાર્કની બધી ફ્લાઇટ્સ રદ કરી

આ પણ વાંચો:ફ્લાઇટ્સ રદ, ટ્રેનો મોડી ઉત્તર ભારતમાં ઠંડીનું મોજું, નવા વર્ષે કેવું રહેશે હવામાન?