સુરેન્દ્રનગર/ સૌકા ડિસ્ટ્રીક્ટની LD-6 કેનાલનું અધુરું કામ પૂર્ણ કરવા કારોલના લોકોની માંગ

ચુડા તાલુકાના લાલિયાદ ગામથી પસાર થતી બોટાદ બ્રાન્ચની એલડી-6 સૌકા ડિસ્ટ્રીક્ટની નર્મદા માઈનોર કેનાલ લાલિયાદ સહિત કારોલ અને ભૃગુપુર ગામના ખેડૂતોની જીવાદોરી સમાન છે

Gujarat
14 17 સૌકા ડિસ્ટ્રીક્ટની LD-6 કેનાલનું અધુરું કામ પૂર્ણ કરવા કારોલના લોકોની માંગ

ચુડા તાલુકાના લાલિયાદ ગામથી પસાર થતી બોટાદ બ્રાન્ચની એલડી-6 સૌકા ડિસ્ટ્રીક્ટની નર્મદા માઈનોર કેનાલ લાલિયાદ સહિત કારોલ અને ભૃગુપુર ગામના ખેડૂતોની જીવાદોરી સમાન છે.

લાલિયાદ ગામના ખેડૂતોની જમીનના નાણાં ચૂકવણી બાબતના વિવાદને લઈ 5 વર્ષોથી કામ બંધ રહ્યું હતું. એકાદ વર્ષ પહેલા કારોલ ગામના પૂર્વ સરપંચ મહાવીરસિંહ ઝાલાની રજૂઆતને ધ્યાને લઈ જે ખેડૂતોને વાંધો હતો તેમની જમીન છોડી કેનાલનું કામ શરૂ કર્યું હતું.

કેનાલનું કામ શરૂ થયું પરંતુ કામ કરનાર કોન્ટ્રેક્ટરે હલકી ગુણવત્તાનું મટિરીયલ વાપરતા સિમેન્ટ કામમાં ઠેર-ઠેર ગાબડા પડ્યા હતા. હવે લાલિયાદના ખેડૂતોનો નર્મદા નિગમ સાથેનો વિવાદ મોટાભાગે ઉકેલાય ગયો છે. છતાંય કેનાલનું અધુરું કામ શરૂ કરવામાં આવ્યું નથી.

આ કેનાલ કારોલ, લાલિયાદ અને ભૃગુપુર ગામના ખેડૂતો માટે કરોડરજ્જુ સમાન છે. વર્ષ-2017માં પ્રગતિ શેતુ કાર્યક્રમથી લઈ 5 વર્ષમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી છે. પરતું કેનાલનું કામ હાથ ધરાયું નથી.

કારોલના પૂર્વ સરપંચ મહાવીરસિંહ ઝાલા, ઉપસરપંચ ધર્મેન્દ્રસિંહ ઝાલા, જનકસિંહ ઝાલા સહિત ગ્રામજનોએ કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાને લેખિતમાં રજૂઆત કરી બોટાદ શાખાની નહેર એલડી-6 સૌકા ડિસ્ટ્રીક્ટની કેનાલનું અધુરું કામ પૂર્ણ કરાવવા રજૂઆત કરી છે. કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ નર્મદા કેનાલનું અધુરું કામ ટૂંક સમયમાં શરૂ કરાવવાનો વિશ્વાસ આપ્યો હતો.