Lifestyle: દુનિયાભરના કુલ 44 દેશોમાં હાથ ધરવામાં આવેલા એક અધ્યયનમાં જાણવા મળ્યું છે કે, હાલના સમયમાં યુવાનો (Youngsters)અત્યંત ખરાબ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો શિકાર બની રહ્યાં છે! ઘણા વર્ષો અગાઉ, આ સ્તરનો તણાવ મધ્યમ આયુવર્ગના લોકોમાં જ જોવા મળતો હતો.
વડીલો વધારે ખુશ છે
યુવાનોને કાલના સમાજ અને દેશનું ભવિષ્ય કહેવાય છે પરંતુ, આજે વરવી હકીકત એ છે કે, આજે સમગ્ર વિશ્વભરમાં યુવાવર્ગ હેરાન, પરેશાન અને ઉદાસ છે. તાજેતરના એક અધ્યયનમાં એ જાણવા મળ્યું છે કે આજનો યુવાન કેટલાય પ્રકારની વ્યક્તિગત અને સામાજિક સમસ્યાઓથી ત્રસ્ત છે જેને કારણે, એ ખુશ નથી અને ઉદાસીનો સામનો કરી રહ્યો છે. અભ્યાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે, મિડલ એજ (Middle Age)ના લોકો કે જે 40 થી 60 ની આયુવર્ગમાં (40 to 60 Age Group) સામેલ છે એ આટલા દુ:ખી રહેતા નથી. હાલના સમયમાં યુવાનો અત્યંત ખરાબ માનસિક સ્વાસ્થ્ય સમસ્યાઓનો શિકાર બની રહ્યાં છે! આનાથી વિપરીત, અગાઉ આ સ્તરનો તણાવ મધ્યમ આયુવર્ગના લોકોમાં જ જોવા મળતો હતો. આજના સમાજનું આ એક વરવું ચિત્ર છે જેની તરફ સૌએ મળીને ધ્યાન આપવું જોઇએ અને એક્સપર્ટના મતે, આ બાબતમાં સમયસર સખત પગલાં લેવાની તાતી જરુર છે.
યુવાવર્ગ ખુશ નથી!
અમેરિકા અને બ્રિટન સહિત 44 દેશોના લોકો પર 2020 થી 2025 સુધી હાથ ધરવામાં આવેલા અધ્યયનમાં એવું જાણવા મળ્યું છે કે, માનસિક સ્વાસ્થ્યમાં ઉંમરની સાથોસાથ સતત સુધારો આવતો જાય છે અને વ્યક્તિઓ સંતુલિત બનતા જાય છે પરંતુ, આજના યુવાનો હદથી વધારે તણાવ, અવસાદ અને ચિંતાઓથી ઘેરાયેલા જોવા મળે છે. આના કેટલાય કિસ્સાઓ બહાર આવ્યા છે જ્યારે મિડલ એજ ગ્રુપના લોકો અથવા તો વૃદ્ધોને આવી સમસ્યાઓનો સામનો ઓછો કરવો પડી રહ્યો છે.
અગાઉ આ દિશામાં કરવામાં આવેલા સંશોધનો બાદ નિષ્ણાતો એક નિષ્કર્ષ પર પહોંચ્યા છે કે, આનંદ અને ઉંમરનો એક ખાસ સંબંધ છે. ખુશી ઉંમરના પડાવ સાથે યુ-ટર્ન લે છે. પોતાની યુવાવસ્થામાં લોકો ઘણા ખુશ હોય છે, પછી પૌઢાવસ્થામાં પહોંચતા સુધીમાં એમની સામે ઘણા પડકારો હોય છે જેની સામે એ ઝઝૂમે છે તથા સાઠ વટાવ્યા પછી એ ફરીથી હળવાશપૂર્ણ જીવન જીવે છે. આમાંયે આધેડ ઉંમર એ એમના જીવનનો સૌથી અઘરો સમય ગણાતો હતો પરંતુ, સમય વીત્યે હવે સમગ્ર ચિત્ર બદલાઇ રહ્યું છે! પીએલઓએસ વન (Public Library Of Science,PLOS One)દ્વારા જાહેર કરવામાં આવેલા એક નવા સ્ટડીમાં આ પરિવર્તિત થતા ટ્રેન્ડ (Trend)નો ખુલાસો થયો છે.
યુવાવર્ગ શાથી હેરાન-પરેશાન છે?
હાલના યુગમાં યુવાનોમાં સ્ટ્રેસ, ડિપ્રેશન અને ઉદાસીનતા (Stress, Depression, Sadness) પ્રવર્તમાન હોવા પાછળ એક્સપર્ટ્સ ઘણા કારણો દર્શાવી રહ્યાં છે.
1. બાળપણના કડવા અનુભવો જેવા કે, કોઈ દ્વારા તેની હાંસી ઉડાવવી, ઉપેક્ષા કે અપમાન સહેવું અથવા કોઈ પણ જાતની પારિવારિક સમસ્યાનો ભોગ બનવું
2. કોવિડ- 19 બાદ કથળેલું શિક્ષણ, રોજગાર અને માનસિક સ્વાસ્થ
3. ચિંતાઓ અને એકલતા સાલવાથી સ્ક્રિન પર વધુ સમય વિતાવવો
4. નાણાકીય દબાણ, નોકરીઓમાં અસુરક્ષા, મોંઘવારી અને મંદીનો માર
યુવાનોમાં વ્યાપક આ વલણની સામાજિક અસરોનો પણ આ અભ્યાસમાં ઉલ્લેખ છે. કોરોના મહામારી (Corona Epidemic) બાદ, બીમાર રહેવાનું પ્રમાણ પણ વધ્યું છે અને આ સાથે તેઓમાં ભય, ચિંતા અને આત્મહત્યા (Suicide)ના વિચારો પણ વધ્યા છે અને સરવાળે સમાજ પર એની આડઅસરો થવા પામી છે.

કથળેલા માનસિક સ્વાસ્થ્યથી યુવાનોમાં વધી આ સમસ્યાઓ
1. ખાસ કરીને યુવાવર્ગ અને કિશોરોમાં આપઘાતનો વધતો જતો દર
2. શાળાઓમાં ઓછી હાજરી અને કોઈ કૌશલ્ય કેળવવામાં સમસ્યા
3. હોસ્પટલોમાં માનસિક દર્દીઓની વધતી જતી સંખ્યા અને સામે સ્લૉ ટ્રીટમેન્ટ
4.. ઓછી પ્રોડક્ટિવિટી, વધતી બેરોજગારી અને લેબર ફોર્સમાં ઘટાડો
અહિં દર્શાવેલા છેલ્લા બે મુદ્દાઓ અનુસાર, દેશનું ભાવિ ગણાતા યુવાવર્ગમાં ઉત્પન્ન થઇ રહેલી મેન્ટલ સ્ટ્રેસની કોઈ પણ કંડિશનમાં, ધીમી રિકવરીને કારણે હોસ્પિટલો અને સમાજ પર બોજો વધી શકે છે. વળી, જુદા-જુદા પ્રકારના પડકારોના કારણે લોકોની નોકરી અથવા કામમાં રસ-રુચિ ઘટી રહ્યાં છે એ બાબત પણ કાર્યસ્થળો માટે એક મોટો પડકાર બની શકે છે પરિણામે, દેશની આર્થિક પ્રગતિ (Economic Progress) રુંધાઇ શકે છે.
યુવાનોની મેન્ટલ હેલ્થ (Mental Health) પર ઘેરાયેલા આ સંકટના વાદળોએ એટલું સુનિશ્ચિત કરી દીધું છે કે સરકાર તથા અન્ય એજન્સીઓએ શાળાઓ, કોલેજો તથા કાર્યસ્થળોએ માનસિક સ્વાસ્થ્ય સંબંધી નીતિઓ અપનાવીને એના પર કામ કરવાની તાતી જરુર છે. યુવાપેઢીને લગતા પૈસા, નોકરી અથવા કોઈ પણ પ્રકારના નાણાકીય તણાવ (Financial Stress) તથા નોકરીઓમાં અસુરક્ષા (Job Insecurity)ના ડરને ઓછો કરવાની દિશામાં સત્વરે સુધારની આવશ્યકતા ઊભી થઇ છે.
આ પણ વાંચો: આ 5 લક્ષણો દર્શાવે છે કે હાડકાં ખોખલાં થઇ રહ્યાં છે, અવગણશો નહિં, ડૅમેજ થતા બચાવી લો
આ પણ વાંચો: યુવાનો માટે વધુ પ્રોટીન જોખમી, બોડી બિલ્ડર બનશો પણ કિડની ખરાબ કરશો…!!
