India News :કોલકાતાના ચોરબાગન દુર્ગા પૂજા પંડાલમાં શનિવારે સાંજે થયેલી નાસભાગને પગલે 19 લોકોના મોત નીપજ્યાં છે. પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસનમાં સર્જાયેલી આ ગંભીર દુર્ઘટના બાદ હવે મામલો ગરમાયો છે અને તીવ્ર રાજકારણ શરૂ થઈ ગયું છે. આ ભયાનક ઘટના મુદ્દે પ્રતિક્રિયા આપતાં ભાજપના કેબિનેટ મંત્રી દિલીપ ઘોષે (Dilip Ghosh)વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે, મોટા આયોજનોમાં ક્યારેક આવા અકસ્માતો થઈ જતા હોય છે.
દિલીપ ઘોષે ઘટનાને ગણાવી દુર્ભાગ્યપૂર્ણ
દિલીપ ઘોષે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, “જે ઘટના બની છે તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ છે. પરંતુ ક્યારેક આવા અકસ્માતો થઈ જાય છે. અહીં વર્ષોથી દુર્ગા પૂજા (Durga Puja)નું આયોજન થાય છે અને મોટા પાયે ભવ્ય કાર્યક્રમો યોજાય છે, જેમાં લાખો લોકો દર્શન કરવા આવે છે.” તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “ક્યારેક નાની ભૂલ કે સાવચેતીના અભાવે આવી દુર્ઘટનાઓ બને છે, જે ક્યારેય થવી જોઈએ નહીં.

આપણા દેશમાં ધાર્મિક સ્થળો કે મોટા આયોજનોમાં જ્યારે ભારે ભીડ એકઠી થાય છે, ત્યારે આવી ઘટનાઓ બને છે. તેથી આયોજકોએ વધુ સતર્ક રહેવાની જરૂર છે.” સાથે જ તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી અને મુખ્ય સચિવ સહિત સરકારના પ્રતિનિધિઓ (Government Representatives)તેમજ રાષ્ટ્રીય પક્ષના નેતાઓ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે અને ઘાયલોની સારવાર માટે પૂરતી વ્યવસ્થા કરાઈ છે.
વિપક્ષના આરોપો પર પલટવાર, ટીએમસીએ સરકારને ઘેરી
તૃણમૂલ કોંગ્રેસ (Trinamool Congress)ના નેતાઓ આ મામલે રાજકીય નિવેદનબાજી કરી રહ્યા હોવાના સવાલ પર દિલીપ ઘોષે પલટવાર કરતા કહ્યું હતું કે, “રાજકારણ કરનારા તો રાજકારણ કરશે જ. અનેક સ્થળોએ દુર્ગા પૂજાનાં આયોજન થઈ રહ્યાં છે અને દરેક જગ્યાએ પોલીસ તૈનાત છે. લાખો લોકો રસ્તા પર નીકળીને ફરી રહ્યા છે, પરંતુ ક્યારેક આવી ઘટના બને છે એટલે જ તેને અકસ્માત કહેવામાં આવે છે.”
બીજી તરફ, આ ઘટના અંગે તૃણમૂલ કોંગ્રેસના નેતા કુણાલ ઘોષે (Kunal Ghosh)સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે, “ચોરબાગાનમાં થયેલાં મૃત્યુ અંગે મુખ્યમંત્રીનું નિવેદન અધૂરું છે. તે જવાબદારીથી બચવાનો અને ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. સમિતિના અધિકારીઓની તાત્કાલિક ધરપકડ થવી જોઈએ અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. સમિતિમાં ભાજપના સભ્યોની ભરમાર છે અને તેમને બચાવવામાં આવી રહ્યા છે.”
આ પણ વાંચો:કોલકાતામાં દુર્ગા પૂજા દરમિયાન પંડાલ ધરાશાય થતા 40 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત, અનેકના મોતની આશંકા
આ પણ વાંચો:પશ્ચિમ બંગાળમાં ભાજપનો મોટો ઝટકો; કોલકાતા અને હાવડા નગર નિગમ ચૂંટણી એકલા હાથે લડશે
