Vadnagar News : ઐતિહાસિક નગરી વડનગરમાં વર્ષ 2019માં પુરાતત્વ વિભાગ દ્વારા કરવામાં આવેલા ઉત્ખનન દરમિયાન એક રહસ્યમય માનવ કંકાલ મળી આવ્યું હતું. તે સમયે આ કંકાલ કોઈ બૌદ્ધ સાધુ, સંન્યાસી અથવા યોગ સાધકનું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. જો કે, આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા માટે હાડકાંનો DNA ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ લખનઉથી આવ્યો છે. આ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ વ્યક્તિએ જીવતા જ સમાધિ લીધી હતી.
વડનગરમાં દટાયેલા ઇતિહાસને બહાર લાવવા માટે ચાલી રહેલા ખોદકામ દરમિયાન વર્ષ 2019માં એક રહસ્યમય માનવ કંકાલ મળી આવ્યું હતું. આ કંકાલ યોગ મુદ્રામાં મળી આવ્યું હતું અને તે લગભગ 1000 વર્ષ જૂનું હોવાનું માનવામાં આવે છે. શરૂઆતના તપાસમાં એવું માનવામાં આવતું હતું કે આ કંકાલ કોઈ સાધુ, સન્યાસી અથવા યોગ સાધકનું હોઈ શકે છે. વધુ ચોક્કસ માહિતી મેળવવા માટે કંકાલના દાંત અને કાનના હાડકાંનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો હતો.
લખનઉથી આવેલા DNA રિપોર્ટમાં એક મહત્વપૂર્ણ ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, આ વ્યક્તિએ પોતાની મરજીથી મૃત્યુ સ્વીકાર્યું હોવાની સંભાવના છે. યોગ મુદ્રામાં મળેલું કંકાલ આ વાતને સમર્થન આપે છે. હાલમાં આ ઐતિહાસિક મહત્વ ધરાવતા કંકાલને હજુ સુધી મ્યુઝિયમમાં સ્થાન મળ્યું નથી. આ શોધ વડનગરના પ્રાચીન ઇતિહાસ અને આધ્યાત્મિક પરંપરા પર નવો પ્રકાશ પાડે છે.
ઉલ્લેખનીય છે કે, વડનગરના શર્મિષ્ઠા તળાવ નજીક વર્ષ 2017માં ખોદકામ દરમિયાન 11 કંકાલ મળી આવ્યા હતા. જેમાંથી સાત(07) કંકાલના DNA પરથી જાણવા મળ્યું હતું કે એક કંકાલ કઝાકિસ્તાની નાગરિકનું છે. ભારતના DNA ગ્રૂપ સાથે આ કંકાલ મેળ ખાતું નહોતું. આ કંકાલ U2e ગ્રૂપનું એટલે કે યુરોપ અને મધ્ય એશિયાના દેશો સાથે મેળ ખાય છે તેવું સંશોધન પરથી સાબિત થયું છે. ભારતના DNA ગ્રૂપની વાત કરીએ તો એમ18, એમ30 અને એમ 37 DNA ગ્રૂપ છે, જે આ કંકાલને મળતા આવતા નથી. આના પરથી કહી શકાય કે વડનગરમાં 16મીથી 17મી સદી દરમિયાન વિવિધ ધર્મના લોકો રહેતા હતા. વેપાર અથવા ધાર્મિક કારણોસર અહીં લોકો વસવાટ કરતા હોવા જોઈએ. બહારના દેશોમાંથી લોકો ભારતના જુદા જુદા રાજ્યોમાં રહેતા હોવાનું પણ વડનગરમાંથી મળેલા કંકાલ પરથી નક્કી કરી શકાય છે, તેમ ASIના અભ્યાસમાં બહાર આવ્યું હતું.
વડનગર 2700 વર્ષથી માનવ વસવાટનો લાંબો અને સતત ઇતિહાસ દર્શાવે છે. આ શહેર તેની પ્રાચીનતાના સંદર્ભમાં વારાણસી શહેર (કાશી) અને ઈન્દ્રપ્રસ્થ જેવી સાંસ્કૃતિક વિવિધતાની મોટી વાર્તા કહે છે. હાલના વડનગરનો મુખ્ય વિસ્તાર ઈંટથી બનેલી કિલ્લેબંધી (અંશતઃ પથ્થરથી બનેલી)થી ઘેરાયેલો છે, જે પૂર્વ-પશ્ચિમ અને ઉત્તર-દક્ષિણમાં 700 મીટરના વિસ્તારને આવરી લે છે. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ દ્વારા 2014થી 2022 સુધી સતત આઠ ક્ષેત્રીય ઋતુઓ સુધી ફેલાયેલ વડનગરમાં ખોદકામ પ્રી-રેમ્પાર્ટ સમયગાળા (2જી સદી પૂર્વે)થી અત્યાર સુધીની સાત સંસ્કૃતિઓનો અતૂટ ક્રમ પ્રકાશમાં લાવે છે. દરેક સાંસ્કૃતિક સમયગાળો વિવિધ સમયગાળા દરમિયાન વડનગરમાં જટિલ અને સમૃદ્ધ વસાહતનું વર્ણન આપે છે.
ખોદકામ દરમિયાન જમીનમાંથી આશરે 25 ફૂટ ઊંચો બુર્જ મળી આવ્યો હતો. અમરથોળ દરવાજા નજીક ખોદકામ દરમિયાન જમીનમાંથી આશરે 25 ફૂટ ઊંચો બુર્જ મળી આવ્યો હતો. દરવાજાની આજુબાજુ બીજા બુર્જ અને કોટ પણ નીકળી રહ્યા છે. આ બુર્જ આશરે 1000 થી 1200 વર્ષ પ્રાચીન હોવાનું માનવામાં આવે છે. નોંધનીય છે કે, શહેરની ફરતે બનાવેલા 6 દરવાજાની નજીક આવા બુર્જ અને કોટ દટાયેલા છે. બુર્જ પરથી સૈનિકો દુશ્મન પર નજર રાખતા હતા. તેમજ શહેરની સુરક્ષા માટે કોટ પણ બનાવવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: ભરૂચમાં શેરડીના ખેતરમાંથી 7 દિવસમાંથી 3 માનવ કંકાલ-મૃતદેહ મળતા ચકચાર
આ પણ વાંચો: સુરતમાં ખેતરમાંથી માનવ કંકાલ મળ્યું, રહસ્યમય મૃત્યુની તપાસ શરૂ
આ પણ વાંચો: સુરતમાં મળી આવ્યું માનવ કંકાલ…જાણો ક્યાં…કેવી રીતે…, જાણો શું છે મામલો?