Gandhinagar News/ ડો. આંબેડકરનો સામાન ડૂબી ગયો અને સયાજીરાવ ગાયકવાડે ‘હુજૂર હુકમ’ થકી આપ્યું રૂ. 300નું ગિફ્ટ કવર…

જહાજમાં ડો. બી. આર. આંબેડકર (Dr. B R Ambedkar)ની બૌદ્ધિક સંપદા સમાન પીએચડી, પુસ્તકો સહિતનો સામાન પણ હતો જે જહાજની સાથે જ પાણીમાં ડૂબી ગયા..!

Gujarat Gandhinagar
Dr. B R Ambedkar ,ગિફ્ટ કવર,, સયાજીરાવ ગાયકવાડ, હુજૂર હુકમ

Gandhinagar News: ભારતરત્ન ડો. આંબેડકર (Dr. B R Ambedkar)નો સામાન લઇ અમેરિકાથી આવતું જહાજ યુદ્ધનો ભોગ બન્યું અને મહારાજે એ નુકસાની બદલ વળતર આપ્યું હતું…

પ્રથમ વિશ્વ યુદ્ધ (First World War) પૂર્ણ થવાને હજુ એકાદ વર્ષની વાર હતી. 1917ના જુલાઇ માસમાં ઇંગ્લિશ ચેનલમાંથી પસાર થઇ રહેલા સાલસાટી (SS Salsette) નામક એક જહાજ (Ship) ઉપર જર્મનીના તરફથી ટોર્પિડો હુમલો થયો. આ કમનસીબ હુમલામાં 15 જેટલી વ્યક્તિ મોતને ભેટી. તેની સાથે બીજી પણ એક ઘટના બની.

ડો. બી. આર. આંબેડકર (Dr. B R Ambedkar)ના પુસ્તકો વગેરે સામગ્રી ડૂબી ગઈ

આ જહાજમાં મહામાનવ ડો. બી. આર. આંબેડકરની બૌદ્ધિક સંપદા સમાન પીએચડી, પુસ્તકો સહિતનો સામાન પણ હતો જે જહાજની સાથે જ પાણીમાં ડૂબી ગયા. સદ્દનસીબે ડો. આંબેડકર અમેરિકાથી અન્ય જહાજ મારફત ભારત આવી રહ્યા હતા. એ પછી શું થયું? એ વિશે લોકોને જવલ્લે જ ખબર હશે.

એ વાત સર્વવિદિત છે કે, ડો. ભીમરાવ આંબેડકરે બહુ સંઘર્ષ, જાતિગત ભેદભાવ અને અસ્પૃશ્યતાનો સામનો કરી અભ્યાસ કર્યો હતો. તેમણે વર્ષ 1907માં મેટ્રિકની પરીક્ષા પાસ હતી. મેટ્રિક પાસ કરનારા તેઓ મહાર જ્ઞાતિના પ્રથમ વિદ્યાર્થી હતા. આ માટે ડો. ભીમરાવનું સન્માન કરવામાં આવ્યું હતું.

એ સન્માન સમારોહમાં આચાર્ય કૃષ્ણાજી અર્જુન કેલુસ્કરે તેમના સંબોધનમાં કહેલું કે, હું ભીમરાવને જાણું છું. તેઓ એક બુદ્ધિમાન, તેજસ્વી અને હોંશિયાર વિદ્યાર્થી છે. ભીમરાવે કોલેજમાં દાખલ થઇ ઉચ્ચ અભ્યાસ કરવો જોઇએ. આચાર્ય કેલુસ્કરે ડો. ભીમરાવના ઉચ્ચ અભ્યાસ માટે વડોદરાના રાજવી સયાજીરાવ ગાયકવાડ પાસેથી શિષ્યવૃત્તિ અપાવશે, એવી હૈયાધારણ આપી હતી.

Dr. B R Ambedkar ,ગિફ્ટ કવર,, સયાજીરાવ ગાયકવાડ, હુજૂર હુકમ

વડોદરા નરેશ સયાજીરાવ ગાયકવાડે રૂ. 25ની શિષ્યવૃત્તિ આપી

બાદમાં વડોદરા નરેશ સાથે મુલાકાત કરાવવા માટે આચાર્ય કેલુસ્કર, ભીમરાવને લઇને ગયા. એ વખતે સયાજીરાવ ગાયકવાડે (Sayajirao Gaekwad) કેટલાક પ્રશ્નો પૂછ્યા. ભીમરાવે તમામ પ્રશ્નોના સચોટ અને યોગ્ય ઉત્તરો આપ્યા. મહારાજા પ્રભાવિત થયા. તેમણે દર માસે રૂ. 25ની શિષ્યવૃત્તિ આપી.

1908માં એલ્ફિન્સ્ટન કોલેજમાં પ્રવેશ મેળવી તેમણે બીએની પદવી પ્રાપ્ત કરી. બાદમાં વડોદરા રાજ્યમાં નોકરી શરૂ કરી. વડોદરામાં હાલમાં કોઠી કમ્પાઉન્ડમાં જે ઇમારત છે, ત્યાં આવેલા એક ઓરડામાં બેસી નોકરી હતા. પણ આ દરમિયાન વસવાટ, ભોજન, જાતિગત તિરસ્કાર સહિતના ત્રાસદાયક કષ્ટ અને વિપત્તિઓને કારણે નોકરી છોડી ગયા હતા. વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવાનો નિર્ણય કર્યો.

આવા કપરા સંજોગોમાં મુંબઇના મલબાર ખાતે સયાજીરાવનો ઉતારો હતો. ડો. ભીમરાવે આ સ્થિતિ વિશે તેમને અવગત કરાવવાનો નિર્ણય લીધો. બન્નેની મુલાકાત થઇ. સમગ્ર બાબતની જાણ કરાઇ. કેટલીક બાબતો મહારાજાને પહેલેથી જ ધ્યાન ઉપર આવી હતી. એ દરમિયાન વિદેશમાં અભ્યાસ અંગેની પણ ચર્ચા થઇ. મહારાજા સહમત થયા.

વિદેશમાં અભ્યાસ અંગે પ્રતિ માસ 11.5 પાઉન્ડની શિષ્યવૃત્તિ મળી

તા. 4 એપ્રિલ, 1913ના રોજ પ્રતિ માસ 11.5 પાઉન્ડની શિષ્યવૃત્તિ (Scholarship) મંજૂર કરવામાં આવી. શિષ્યવૃત્તિ માટે જામીનની કેટલીક શરતો પણ રદ્દ કરવામાં આવી હતી. તેઓ અમેરિકા અભ્યાસ કરવા ગયા હતા. ત્યાં અભ્યાસ પૂર્ણ કરીને પરત આવતા હતા ત્યારે પ્રથમ વિશ્વ યુદ્ધ ચરમસિમા પર હતું. તેઓ અલગ જહાજ મારફત અને સામાન અલગ અન્ય શીપ મારફત ભારત આવી રહ્યા હતા. એ દરમિયાન હુમલાની ઘટના બની અને ડો. ભીમરાવનો તમામ સામાન ડૂબી ગયો.

નુકસાન બદલ રૂ. 300 ગિફ્ટ કવર તરીકે મંજૂર કર્યા

હવે પછીની ઘટના ઓછી જાણીતી છે. એ બાદ ડો. ભીમરાવે વડોદરા રાજ્ય (Vadodara State)ની નોકરી ફરી શરૂ કરી હતી. એ દરમિયાન મહારાજાને સામાનનું નુકસાન થયા અંગેની જાણકારી મળી અને તેમણે સપ્ટેમ્બર-1917માં એક ખાસ ‘હુજૂર હુકમ’ બહાર પાડ્યો અને મહારાજાએ આ નુકસાનીનું વળતર આપ્યું હતું.

આ હુકમમાં એવો ઉલ્લેખ વાંચવા મળે છે કે, માસિક રૂ. 150ના પગારે ડો. ભીમરાવને એકાઉન્ટન્ટ જનરલની ઓફિસમાં પ્રોબેશનર તરીકે રાખવામાં આવે છે. સાથે અમેરિકાથી પરત ફરતી વેળાએ સામાન ડૂબી જવાથી થયેલા નુકસાન બદલ રૂ. 300 ગિફ્ટ કવર તરીકે મંજૂર કર્યા હતા. આ રકમ ખાનગી ડિપાર્ટમેન્ટમાં ચૂકવવા એવો આદેશ થયો હતો. છે ને રસપ્રદ વાત?

એ બાદ વડોદરામાં નોકરી દરમિયાન, તિરસ્કાર અને બાદમાં કમાટીબાગના વડલાની નીચે બેસી ડો. આંબેડકરે કરેલું ચિંતન વિખ્યાત છે. એ પછી ભારતમાં સમતાનો નવો આધ્યાય શરૂ થયો.


આ પણ વાંચો: બંધારણના નિર્માણમાં બ્રાહ્મણોનું મહત્વનું યોગદાન, આંબેડકરે બી.એન.રાવના કર્યા હતા વખાણ

આ પણ વાંચો: કમલમ ખાતે “ભારતરત્ન બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન” અંતર્ગત પ્રદેશ કાર્યશાળા યોજાઈ

આ પણ વાંચો: B.R. Ambedkarનું જીવન એ સંઘર્ષ અને સફળતાનું માર્ગદર્શક છે: CM ભૂપેન્દ્ર પટેલ