Operation Gold Nexus: દેશની આર્થિક રાજધાની મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય સોનાની દાણચોરી કરતી એક મોટી સિન્ડિકેટનો પર્દાફાશ થયો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) મુંબઈ ઝોનલ યુનિટે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરીને કરોડો રૂપિયાના ગોલ્ડ સ્મગલિંગ નેટવર્કને તોડી પાડ્યું છે. ‘ઓપરેશન ગોલ્ડ નેક્સસ’ હેઠળ કરવામાં આવેલી આ મોટી કાર્યવાહીમાં DRI એ અંદાજીત 5 કરોડ રૂપિયાની કિંમતનું 3.2 કિલો વિદેશી સોનું જપ્ત કર્યું છે. આ કેસમાં એરપોર્ટના કર્મચારીઓથી લઈને વિદેશી નાગરિકો સુધીના કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
ઇમરાન હાશ્મીની વેબ સિરીઝ જેવો જ અસલી ખેલ
તાજેતરમાં અભિનેતા ઇમરાન હાશ્મીની એક પોપ્યુલર વેબ સિરીઝમાં સોનાની દાણચોરીની જે મોડસ ઓપરેન્ડી (રીત) બતાવવામાં આવી હતી, બિલકુલ એ જ અંદાજમાં આ આખું નેટવર્ક કામ કરતું હતું. DRI ને પાકી બાતમી મળી હતી કે મુંબઈ એરપોર્ટ પર કામ કરતા કેટલાક કર્મચારીઓ વિદેશી નાગરિકો પાસેથી સ્મગલિંગનું સોનું મેળવે છે અને પછી પોતાની ઓળખનો ઉપયોગ કરી તેને એરપોર્ટની બહાર લાવી સ્થાનિક રીસીવરોને પહોંચાડે છે. આ સિન્ડિકેટ ખાસ કરીને બેંગકોકથી આવતા બાંગ્લાદેશી અને શ્રીલંકાના નાગરિકોનો ‘કેરિયર’ (વાહક) તરીકે ઉપયોગ કરતી હતી.
Operation Gold Nexus: એરપોર્ટ સ્ટાફ સહિત 7 શખ્સો દબોચાયા
શનિવારે સવારે DRI ની ટીમે એરપોર્ટ પર વોચ ગોઠવીને ‘ઓપરેશન ગોલ્ડ નેક્સસ’ લોન્ચ કર્યું હતું. એજન્સી દ્વારા એરપોર્ટના ત્રણ કર્મચારીઓ (જેમાં બે ડ્રાઇવર અને એક કોચ મોનિટર સામેલ છે) ની હિલચાલ પર કડક નજર રાખવામાં આવી રહી હતી. જ્યારે આ કર્મચારીઓ એરપોર્ટની બહાર મુંબઈના એક સ્થાનિક રીસીવરને સોનાનું કન્સાઇનમેન્ટ સોંપવાનો પ્રયાસ કરી રહ્યા હતા, બરાબર એ જ સમયે અધિકારીઓએ ત્રાટકીને તેમને રંગેહાથ દબોચી લીધા હતા.
કનેક્ટિંગ ફ્લાઈટ પકડે તે પહેલા જ ખેલ ખતમ
કર્મચારીઓની ધરપકડ બાદ કડીઓ જોડાતી ગઈ અને આખા રેકેટના ચોંકાવનારા ખુલાસા થયા. અધિકારીઓએ તુરંત જ એરપોર્ટની અંદર તપાસ કરીને કનેક્ટિંગ ફ્લાઇટ દ્વારા ભારત છોડવાની તૈયારી કરી રહેલા ત્રણ વિદેશી મુસાફરોને પણ કસ્ટડીમાં લીધા હતા, જેમાં એક બાંગ્લાદેશી અને બે શ્રીલંકન નાગરિકો સામેલ છે. આરોપીઓની આકરી પૂછપરછમાં સામે આવ્યું કે, આ વિદેશી નાગરિકો પોતાના શરીરની અંદર (કેપ્સ્યુલ સ્વરૂપે) સોનું છુપાવીને લાવ્યા હતા. એરપોર્ટની અંદર પહોંચ્યા બાદ તેમણે ઇન્ટરનલ સેટિંગ મુજબ આ ગોલ્ડ કર્મચારીઓને ટ્રાન્સફર કરી દીધું હતું.
આર્થિક ગુના સામે DRI ની મોટી સર્જિકલ સ્ટ્રાઈક
તપાસ દરમિયાન DRI એ આરોપીઓ પાસેથી 3.2 કિલોગ્રામ 24 કેરેટ સોનાની ધૂળ (Gold Dust) જપ્ત કરી છે, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત અંદાજે ૫ કરોડ રૂપિયા થાય છે. આ તમામ મુદ્દામાલ કસ્ટમ્સ એક્ટ, 1962ની જોગવાઈઓ હેઠળ જપ્ત કરવામાં આવ્યો છે. સરકારે દેશની આર્થિક સુરક્ષા અને વિદેશી હૂંડિયામણ બચાવવા માટે સોના પર ડ્યુટી અને ટેક્સ વધાર્યા છે, ત્યારે આવા સમયે આટલી મોટી કસ્ટમ ચોરી અને સંગઠિત ગુનાખોરીની આખી ચેઇનનો પર્દાફાશ કરવો એ એજન્સી માટે બહુ મોટી સફળતા માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો: અમદાવાદ એરપોર્ટ પર 96 લાખનું સોનું જપ્ત, અન્ડરવેરમાં પેસ્ટ બનાવી છુપાવ્યું
આ પણ વાંચો: મુંબઈ એરપોર્ટ પરથી રૂ. 32 કરોડનું 61 કિલો સોનું જપ્ત, સાતની ધરપકડ:વીડીયો જુઓ
આ પણ વાંચો: 2024-25માં ગુજરાતમાં દર અઠવાડિયે 1 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવશે
