Rajkot News : ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ ઉપર હોય તેમ વારંવાર દારૂ પીનારા અને વેચનારા મોટી સંખ્યામાં ઝડપાતા હોય તેવી ઘટનાઓ રોજિંદી બની ચૂકી છે. ત્યારે હવે રહેણાક સોસાયટીમાં દારૂડિયાઓ નશો કરીને સ્થાનિકોને હેરાન કરતા હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્ય દર્શિતા શાહના વિસ્તારમાં દારૂડિયાઓનો ત્રાસ વધ્યો છે. રંગઉપવન સોસાયટીમાં દારૂડિયાઓ ગમે ત્યાં સૂઈ જાય છે, અને ઘરમાં ઘૂસી રૂપિયાની માંગ પણ કરતા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે.
અમે તાત્કાલિક આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.આ વિસ્તારમાં રહેતાં જિજ્ઞાબેન ખેતાણીએ જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં ઘણા સમયથી એક જ મુશ્કેલી છે કે, દારૂડિયાઓ દારૂ પીને સોસાયટીનાં મેઈન રોડ કે શેરી સહિતનાં સ્થળે ગમે ત્યાં સૂઈ જાય છે. તેઓ અર્ધનગ્ન હાલતમાં હોવાથી ઉઠાડતા પણ અમને શરમ આવે તેવું હોય છે. આ સ્થિતિમાં પણ અમે જો તેને ઊભા કરવાનો પ્રયાસ કરીએ તો જેમફાવે તેમ ગાળો બોલે છે.
ગતવર્ષે દારૂડિયાઓ દરવાજો ખખડાવી દારૂ પીવા માટે રૂપિયા માંગતા હોવાનો વીડિયો શેર કર્યો હતો. જેને કારણે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવ્યું હતું. અને સમસ્યા હળવી થઈ હતી. જોકે ફરી પોલીસ પેટ્રોલિંગ ઘટાડવામાં આવતા એ જ પરિસ્થિતિ થઈ રહી છે. જેને કારણે સાંજ પછી મહિલાઓનું બહાર નીકળવું મુશ્કેલ બને છે. સ્થાનિક કોર્પોરેટરો અને ધારાસભ્ય સોસાયટીનાં બધાં ફંક્શનમાં આવે છે. તેમને પણ ઘણીવાર રજૂઆત કરવામાં આવી છે.
પણ એમનાથી કાંઈ થતું નથી. જયંતીભાઈ ગોહેલ નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં સાંજનાં સમયે દારૂડિયાઓ આંટાફેરા કરતા હોય છે. શેરી નંબર 3માં હિન્દીભાષી લોકોનો પણ ત્રાસ વધી રહ્યો છે. જેના કારણે અમારી બહેન દીકરીઓ નીકળે ત્યારે તકલીફ પડે છે. દારૂડિયાઓને ચાલવાની પણ ભાન હોતી નથી. જ્યાં ત્યાં પડી જાય છે અને તેઓ પડ્યા હોય તો તેને કાંઈ કહેવાતું પણ નથી. અનેકવાર આ અંગે રજૂઆતો કરવામાં આવી ચૂકી છે. સ્થાનિક પોલીસ આવી હતી અને પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. બાદમાં થોડો સમય પરિસ્થિતિ સામાન્ય બની હતી. જોકે હાલ ફરીથી પેટ્રોલિંગ ઘટતા એ જ મુશ્કેલી શરૂ થઈ ગઈ છે. ત્યારે પોલીસ પેટ્રોલિંગ વધારવામાં આવે તે જરૂરી બન્યું છે.
અમારી સ્પષ્ટ માંગ છે કે, સાંજથી લઈ રાત સુધી પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવે. અને અમને દારૂડિયાઓના ત્રાસથી મુક્ત કરાવે તે જરૂરી છે. કોર્પોરેટરો અને MLA સાથ સહકાર આપે જ છે. પણ મીડિયાનાં માધ્યમથી આ રજૂઆત બાદ તેઓ આ બાબતે વધુ સતર્ક બને તે અપીલ કરીએ છીએ. અહીં દારૂ વેચાય છે તે ક્યાં બને છે અને કોણ વેચે છે તે બધાને ખબર હોવા છતાં કોઈપણ કાર્યવાહી કરવામાં આવતી નથી. અગાઉ સોસાયટીના પ્રતિનિધિઓ દ્વારા ગાંધીગ્રામ પોલીસમાં રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે થોડા દિવસ પેટ્રોલિંગ શરૂ કરવામાં આવતા સ્થિતિ સામાન્ય થઈ હતી. પણ ફરીથી દારૂડિયાઓનો ત્રાસ વધ્યો છે.
દર્શનભાઈ જોશી નામના સ્થાનિકે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં છેલ્લાં ઘણાં વર્ષોથી દારૂડિયાઓનો ત્રાસ છે. તેઓ સાંજના સમયે ગમે ત્યાં પડ્યા પાથર્યા રહે છે. ગમે ત્યાં વાહન રાખીને રસ્તા ઉપર સૂઈ જતા હોય છે. તેમજ આ વિસ્તારની બહેન દીકરીઓને હેરાન કરે છે. એટલું જ નહી ડેલી ખટખટાવીને રૂપિયાની પણ માંગ કરે છે. ત્યારે આ મામલે તાત્કાલિક જરૂરી પગલાં લેવામાં આવે તેવી અમારી માંગ છે. અગાઉ પણ આ મામલે રજૂઆતો થઈ ચૂકી છે. છતાં થોડા સમય બાદ મુશ્કેલીઓ યથાવત્ છે. ત્યારે અમારી સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે તે જરૂરી છે.
હનુમાન મઢી નજીક આવેલા છોટુનગર અને રંગઉપવન સોસાયટીમાં આવારા તત્વોનાં ત્રાસની ફરિયાદો અગાઉ પણ મને મળી ચુકી છે. અને આ અંગે તાત્કાલિક યોગ્ય પગલાં લેવા પોલીસ કમિશ્નરને પણ મારા દ્વારા રજુઆત કરાઈ ચુકી છે. અગાઉ પણ અહીં પેટ્રોલિંગ કરીને આવા અસામાજીક તત્વોને પકડીને પોલીસે પાઠ ભણાવ્યો હતો. પરંતુ ફરી છેલ્લા કેટલાક સમયથી આ પ્રશ્ન સામે આવી રહ્યો હોવાથી સંકલન બેઠકમાં આ પ્રશ્ન અંગે જરૂરી ચર્ચાઓ કરીને ત્યાં એક પોલીસ ચોકી ઉભી કરવાનો નિર્ણય લેવાઈ ચુક્યો છે.
આ માટેની જગ્યાની ફાળવણી કરવા માટેની ફાઇલ હાલ મનપા તંત્રને સોંપી દેવામાં આવી છે. જેને લઈને ટૂંક સમયમાં ત્યાં કાયમી પોલીસ ચોકી ઉભી કરવામાં આવશે. અને જ્યાં સુધી પોલીસ ચોકી ન થાય ત્યાં સુધી ત્યાં સતત પેટ્રોલિંગ કરવા માટેની રજુઆત પણ પોલીસ કમિશ્નરને કરવામાં આવી છે.
આ પણ વાંચો:ડોક્ટરનું અપહરણ કરી 6 કરોડની ખંડણી માંગી! 300 રૂપિયા આપી છોડી દીધો…
આ પણ વાંચો:નવસારીના પનાર ગામે ખેડૂતના અપહરણ મામલે પોલીસે 6ની કરી ધરપકડ
