રાજકિય સંક્ટ/ ઇમરાનના મનસૂબા પર પાણી ફરી વળ્યું?પાકિસ્તાનના ચૂંટણી પંચે કહ્યું 3 મહિનામાં ચૂંટણી શક્ય જ નથી!

પાકિસ્તાનનો રાજકીય ડ્રામા વધી રહ્યો છે. ઈમરાન ખાનની ભલામણ પર રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું હતું

Top Stories World
11 4 ઇમરાનના મનસૂબા પર પાણી ફરી વળ્યું?પાકિસ્તાનના ચૂંટણી પંચે કહ્યું 3 મહિનામાં ચૂંટણી શક્ય જ નથી!

પાકિસ્તાનનો રાજકીય ડ્રામા વધી રહ્યો છે. ઈમરાન ખાનની ભલામણ પર રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ નેશનલ એસેમ્બલીનું વિસર્જન કર્યું હતું. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે અહીં 90 દિવસમાં ચૂંટણી થશે. જો કે, પાકિસ્તાનના ચૂંટણી પંચનું કહેવું છે કે ત્રણ મહિનામાં નવી સામાન્ય ચૂંટણીઓ યોજવી શક્ય નથી.

જો પાકિસ્તાનમાં બધું બરાબર ચાલ્યું હોત તો ઓગસ્ટ 2023માં સામાન્ય ચૂંટણી થઈ હોત, પરંતુ રાજકીય સંકટના કારણે દોઢ વર્ષ પહેલા ગૃહ વિસર્જન થઈ ગયું છે. ઈમરાન ખાન વિપક્ષ પર કટાક્ષ કરતા કહે છે કે અમે તેમને ચૂંટણી લડવા માટે કહ્યું અને તેઓ સુપ્રીમ કોર્ટ પહોંચ્યા.

જો કે, ઈમરાનની પુનઃ ચૂંટણીની યોજનાઓ ખોરંભે પડી રહી છે. ચૂંટણી પંચનું કહેવું છે કે આટલા ઓછા સમયમાં ચૂંટણી યોજવી મુશ્કેલ છે. આમાં માત્ર બંધારણીય પડકારો જ નથી પરંતુ અન્ય ઘણી સમસ્યાઓ પણ છે. પાકિસ્તાની અખબાર ‘ડોન’એ ચૂંટણી પંચ સાથે જોડાયેલા એક વરિષ્ઠ અધિકારીને ટાંકીને કહ્યું છે કે ફરીથી ચૂંટણી કરાવવામાં ઓછામાં ઓછા 6 મહિનાનો સમય લાગશે.

90 દિવસમાં ચૂંટણી યોજવામાં શું મુશ્કેલીઓ પડશે?

1. સીમાંકન: ચૂંટણી પંચના અધિકારીએ ડૉનને જણાવ્યું હતું કે મતવિસ્તારોનું સીમાંકન નવેસરથી કરવું પડશે. ખાસ કરીને ખૈબર-પખ્તુનખ્વામાં જ્યાં સીટોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે. અહીં મતદાર યાદી તૈયાર કરવી એ એક મોટો પડકાર છે. અધિકારીના મતે સીમાંકન એક લાંબી પ્રક્રિયા છે. એક મહિનો માત્ર વાંધાઓ માટે અને તે પછી એક મહિનો તે વાંધાઓ સુધારવા માટે જરૂરી છે. તેમણે કહ્યું કે સીમાંકનમાં જ ત્રણ મહિનાનો સમય લેવામાં આવશે.

2. ચૂંટણી માટેની તૈયારી: અધિકારીએ કહ્યું કે ચૂંટણી સામગ્રીની પ્રાપ્તિ, બેલેટ પેપરની વ્યવસ્થા અને ચૂંટણી કર્મચારીઓની નિમણૂક અને તાલીમ પણ મુખ્ય પડકારો છે. કાયદા મુજબ માત્ર વોટર માર્કવાળા બેલેટ પેપરનો ઉપયોગ કરી શકાય છે. આ બેલેટ પેપર બહારથી આયાત કરવામાં આવે છે. તેમણે કહ્યું કે બિડિંગમાં પણ સમય લાગશે. લગભગ 1 લાખ મતદાન મથકો માટે 20 લાખ સ્ટેમ્પ પેડની જરૂર પડશે. આ સિવાય કાતર અને બોલ પોઈન્ટ પણ ખરીદવા પડશે.

બંધારણીય પડકારો શું છે?

કાનૂની અડચણો અંગે અધિકારીએ ડૉનને જણાવ્યું કે ચૂંટણી અધિનિયમની કલમ 14 હેઠળ ચૂંટણી પંચે 4 મહિના અગાઉ ચૂંટણીની તારીખો જાહેર કરવી જરૂરી છે.

આ સિવાય પંજાબ અને ખૈબર પખ્તુનખ્વામાં ચૂંટણી પંચના સભ્યોની નિમણૂક કરવામાં આવી નથી. બંધારણમાં, કમિશનના સભ્યોની નિમણૂક વડા પ્રધાનની આગેવાની હેઠળની સમિતિ દ્વારા કરવામાં આવે છે. કેરટેકર પીએમ અંગે કોઈ સ્પષ્ટ જોગવાઈ નથી.

ત્રણ મહિનામાં ચૂંટણી યોજાવાની છે તો?

જો ત્રણ મહિનામાં ચૂંટણી યોજવામાં આવે તો ચૂંટણી અધિનિયમની કલમ 39 ની જોગવાઈ મુજબ, મતદાર યાદી ચૂંટણીની તારીખના એક મહિના પહેલા ફ્રીઝ કરવાની રહેશે. કમિશનના મતે, જો આમ થશે તો ઘણા મતદારો આ યાદીમાં સામેલ થઈ શકશે નહીં.

આ સિવાય લગભગ 1 લાખ ચૂંટણી કર્મચારીઓની નિમણૂક કરવી પડશે અને તેમને તાલીમ આપવી પડશે. 2018ની સામાન્ય ચૂંટણી પછી 1.5 કરોડ નવા મતદારો ઉમેરાયા છે, તેથી આ વખતે 10 હજાર મતદાન મથકો વધારવા પડશે.