ચૂંટણી લડવા માટે માત્ર ઊમેદવાર કે મુદ્દાઓ જ જરૂરી નથી હોતા. લોકોના મનમાં છાપ છોડે અને મેસેજ આપતા હોય તેવા સિમ્બોલ એટલે કે પ્રતિક પણ જરૂરી છે. ક્યારેક એવું બને છે કે ઉમેદવારનું પ્રતિક મતદારોને આકર્ષવામાં સફળ નિવડે છે, જેના કારણે લોકો તેને મુદ્દાઓ કરતાં પણ વધુ મહત્વ આપે છે. અને તેના કારણે ઉમેદવારને મહદ્અંશે લાભ પણ થાય છે. હાલમાં ગુજરાત વિધાનસભા ઇલેક્શનનો માહોલ બરાબર જામ્યો છે ત્યારે ચૂંટણી પ્રતીકો વિશેની માહિતી ચોક્કસથી રસપ્રદ બની રહેશે.
ચૂંટણીમાં પ્રતીકો અગત્યનો ભાગ ભજવે છે
ચૂંટણીના પડધમ વાગ્યા પણ નહોતા અને, અમદાવાદ શહેરની બધી જ દીવાલો, મેટ્રોના પિલરો, જ્યાં જુઓ ત્યાં ત્રણ પ્રતીકો દેખાતા હતા – કમળ, પંજો અને ઝાડુ. પદ્ધતિસર ત્રણેય પક્ષોએ એવો પ્રચાર ચલાવ્યો કે એવું લાગતું હતું જાણે એકેય જગ્યા આ પ્રતીકો વગર બાકી નહીં રહે. માત્ર અમદાવાદ જ નહીં પરંતુ ઓછે-વત્તે અંશે દરેક શહેરો અને નાના ગામડાઓમાં પણ ડગલે ને પગલે ત્રણેય પક્ષોના પ્રતીકો દેખાતા હતા. લગભગ બે જ મહિનામાં લોકોના મન-મસ્તિષ્કમાં આ ચિહ્નો છપાઈ ગયા. ચૂંટણીમાં પ્રતીકો કેટલો અગત્યનો ભાગ ભજવે છે અને કેટલા મહત્વના છે તેનો આ તાજો પુરાવો છે.
દરેક પક્ષને પોતાના પ્રતીક તરીકે ‘હળ’ જ જોઈતું હતું
આજથી ૨૩૩ વર્ષ પહેલા જ્યારે અમેરિકામાં એલેક્ઝાંડર હેમિલ્ટનની ફેડરલિસ્ટ પાર્ટીને કાળા રંગનું સાઇકલની રીંગનું પ્રતીક આપવામાં આવ્યું ત્યારથી ચૂંટણી પ્રક્રિયામાં પ્રતીકોની શરૂઆત થઈ. ભારતને આઝાદી મળી ત્યારપછી ૧૯૫૧માં પ્રથમવાર લોકસભા ચૂંટણી થઈ હતી. એ વખતે ભારતની સાડા પાંત્રીસ કરોડની જનસંખ્યામાં કુલ ૧૭.૩ કરોડ મતદારો હતા. પરંતુ સૌથી ચિંતાજનક પાસું એ હતું કે દેશનો સાક્ષરતા દર માત્ર ૧૮ ટકા હતો. કઈ રીતે મતદારો ચૂંટણીમાં ઊમેદવારનું નામ વાંચીને મતદાન કરી શકે? એટલે સૌપ્રથમ વખત રાજનૈતિક પાર્ટીઓને ચૂંટણી પ્રતીકો આપવાનું નક્કી થયું. જુલાઇ ૧૯૫૧માં ચૂંટણી પંચે બધા પક્ષોની બેઠક બોલાવી હતી જેમાં ચૂંટણી પ્રતીકો પર ચર્ચા થઈ હતી. કહેવાય છે કે એ મીટીંગમાં ખૂબ હોબાળો થયો હતો કારણ કે કોંગ્રેસ, સમાજવાદી પક્ષ, કમ્યૂનિસ્ટ પાર્ટી, વર્કર્સ પાર્ટી બધાને પોતાના પ્રતીક તરીકે ‘હળ’ જ જોઈતું હતું, અંતે ચૂંટણી પંચે એ પ્રતીક કોઈને ન આપ્યું અને ફ્રીઝ કરી દીધું હતું. એ સમયે એમ.એસ.સેઠી નામની વ્યક્તિએ બધા જ પ્રતીકો દોર્યા હતા. કુલ ૧૪ રાજકીય પક્ષોને આ પ્રતીકો આપવામાં આવ્યા હતા.
ચૂંટણી પંચ પાસે 2૦૦ જેટલા મુક્ત પ્રતીકોની યાદી છે
ભારતનું ચૂંટણી પંચ એ મુખ્યત્વે બે પ્રકારના પ્રતીકોની ફાળવણી કરે છે. આરક્ષિત પ્રતીકો કોઈ એક જ પક્ષ માટે રીઝર્વ કરવામાં આવે છે જે બીજો કોઈ પક્ષ વાપરી શકતો નથી. મુખ્યત્વે રાષ્ટ્રીય પાર્ટીઓ અને બીજા પ્રાદેશિક પક્ષો જે કોઈ રાજ્યમાં ચૂંટણી પંચ દ્વારા માન્ય થયેલ હોય તેને જ આરક્ષિત પ્રતીકો આપવામાં આવે છે. કુલ ૮ રાષ્ટ્રીય પાર્ટીઓ અને ૫૪ રાજ્ય કક્ષાની પાર્ટીઓ માટે આરક્ષિત પ્રતીકો છે. આ સિવાય ચૂંટણી પંચ પાસે બીજા ૨૦૦ જેટલા મુક્ત પ્રતીકોની યાદી છે જે અન્ય પક્ષોને અને અપક્ષમાં લડતા ઊમેદવારોને આપવામાં આવે છે. મુક્ત પ્રતીકોમાં બ્રશ, બ્રીફકેસ, કેળું, કાંસકો, ફ્રૉક, કપ-રકાબી, ફુગ્ગો, ગાજર, બેટ વગેરે જેવા અનેક પ્રતીકો છે. આ સિવાય ધાર્મિક પ્રતીકો જેવા કે ત્રિશૂળ, ગદા તથા અન્ય જાતિગત પ્રતીકો, રાષ્ટ્રીય પશુ કે પક્ષી વગેરે જેવા પ્રતીકો ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવતા નથી.
આ ત્રણેય પાર્ટીઓનું પ્રતીક એક
નોંધનીય છે કે કોઈ બે પક્ષોના પ્રતીકો સમાન ન હોવા જોઈએ પરંતુ બહુજન સમાજ પાર્ટી, આસામ ગણ પરિષદ અને સિક્કિમ સંગ્રામ પરિષદ આ ત્રણેય પાર્ટીઓનાં પ્રતીક તરીકે હાથી છે એટલે એક વિવાદ ઊભો થયો હતો. પરંતુ એવું સમાધાન થયું કે બહુજન સમાજ પાર્ટી તેનો સિમ્બોલ આસામ અને સિક્કિમ સિવાય બાકીના બધા રાજ્યોમાં વાપરી શકશે કારણ કે તે રાષ્ટ્રીય પાર્ટી છે અને ઘણા રાજ્યોમાં તેને સ્થાનિક પક્ષ તરીકે પણ માન્યતા મળેલી છે. સામે પક્ષે આસામ ગણ પરિષદ અને સિક્કિમ સંગ્રામ પરિષદ સામાન્ય રીતે અન્ય રાજ્યોમાં ચૂંટણી લડતા નથી પરંતુ તે જો લડશે તો હાથીના પ્રતીકનો ઊપયોગ નહીં કરે એવી તેમણે બાહેંધરી આપી હતી.
સૌથી જૂનો સિમ્બોલ
વર્તમાન સમયની વાત કરીએ તો કમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા(CPI) પાસે સૌથી જૂનો સિમ્બોલ છે જેમાં મકાઇ અને દાંતરડું દ્રશ્યમાન થાય છે. એ દર્શાવે છે કે પાર્ટી ભૂમિ સુધારને પ્રોત્સાહન આપે છે અને ખેડૂતો સાથે જોડાયેલી છે. કમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા તમામ સામાજિક આંદોલનોમાં મહત્વની ભૂમિકા ભજવે છે અને તેના અનેક ટ્રેડ યુનિયનો છે.
કોંગ્રેસને મળ્યું પંજાનું પ્રતિક
ભારતના સૌથી જૂના પક્ષ કોંગ્રેસની વાત કરીએ તો તેના પ્રતીકો પણ અનેકવાર બદલાયા છે. કોંગ્રેસનો સૌપ્રથમ સિમ્બોલ બે બળદની જોડી હતી જેનો ઉદ્દેશ્ય ગ્રામીણ મતદારો અને ખેડૂતોને આકર્ષવાનો હતો. ત્યારબાદ કોંગ્રેસમાં જ્યારે ફાંટા પડ્યા ત્યારે કે. કામરાજના ગ્રૂપ પાસે પ્રતીક તરીકે ‘ત્રિરંગામાં ચરખો’ હતો જ્યારે કોંગ્રેસ(ઇન્દિરા)નું પ્રતીક ‘ગાય અને દૂધ પીતું વાછરડું’ હતું. પરંતુ સમય જતા વિપક્ષો તરફથી પ્રહાર થતા તેમાં વિવાદ ઊભો થયો હતો. ત્યાર પછી ૧૯૭૭થી કોંગ્રેસનું હાલનું પ્રતીક ‘પંજો’ અસ્તિત્વમાં છે. તેના પાછળ પણ જુદી-જુદી લોકવાયકાઓ છે. એક પક્ષ એવું કહે છે કે ચૂંટણી પંચે કોંગ્રેસને સાઇકલ, પંજો અને હાથીમાંથી એક પ્રતીક પસંદ કરવા માટે કહ્યું હતું. જ્યારે બીજી વાયકા એવી છે કે શંકરાચાર્યના આશીર્વાદ લેવા ગયેલા ઇન્દિરા ગાંધીએ તેમને પૂછ્યું કે પાર્ટી માટે ક્યો સિમ્બોલ રાખવો? ત્યારે શંકરાચાર્યે માત્ર જમણો હાથ ઊંચો કરી આશીર્વાદ આપ્યો હતો એટલે તેમણે પંજા પર પસંદગી ઊતારી હતી. જ્યારે અનેક પક્ષનું એવું માનવું છે કે ઇન્દિરા ગાંધી જ્યારે અજમેર શરીફ ગયા ત્યારે ત્યાંથી પંજાના નિશાન પર મહોર લાગી હતી. માટે જ એમ કહેવાય છે કે મુસ્લિમ સમુદાય કોંગ્રેસને મત આપે છે. જો કે આ બધી તો લોકવાયકાઓ છે, કેટલી સાચી અને કેટલી ખોટી તે તો રામજાણે પરંતુ એટલુ નક્કી છે કે કોંગ્રેસને આ પ્રતિકનો જે તે સમયે લાભ ઘણો ગયો હતો.
માટે પાર્ટીનું પ્રતીક કમળ જ રાખવાનું નક્કી થયું
ભાજપનું ચૂંટણી પ્રતીક પણ કમળ નક્કી થતાં પહેલા અલગ હતું. જ્યારે જનસંઘ બન્યો ત્યારે તેનું ચિહ્ન બળતો દીવો હતું. જનસંઘના જનતા પાર્ટીમાં વિલય પછી તેનું ચિહ્ન ખભા પર હળ લઈને ચાલતો ખેડૂત હતો. ત્યારપછી ૧૯૮૦થી ભારતીય જનતા પાર્ટી અસ્તિત્વમાં આવી અને તેનું ચૂંટણી પ્રતીક કમળ નક્કી થયું. ૧૮૫૭ના વિદ્રોહમાં રોટલી અને કમળથી સંદેશાની આપ-લે થતી અને કમળનું પ્રતીક એ અંગ્રેજો સામેના વિદ્રોહનું સાધન બન્યું હતું. તે અંગ્રેજો સામે વપરાયું હતું અને ભાજપના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના ચોકઠામાં બંધ બેસતું હતું. માટે પાર્ટીનું પ્રતીક કમળ જ રાખવું એવું નક્કી થયું હતું.
આ પક્ષના પ્રતિક સૂચવે છે..
માર્ક્સવાદી કમ્યૂનિસ્ટ પાર્ટીના સિમ્બોલમાં લાલ રંગમાં દાતરડું અને હથોડી છે. લાલ રંગ સંઘર્ષનો રંગ છે તથા દાતરડું અને હથોડી સૂચવે છે કે તે ખેડૂતો, ઉત્પીડીત ગરીબો અને મજૂરોની પાર્ટી છે. તે મૂડીવાદ અને વૈશ્વિકીકરણનો વિરોધ કરે છે. એનસીપીનો સિમ્બોલ ઘડિયાળ છે જેમાં દસ વાગ્યા પર દસ મિનિટ થઈ છે અને તે કહે છે કે ગમે તે સમયે પાર્ટી તેના સિદ્ધાંતો માટે દ્રઢતા સાથે સંઘર્ષ કરે છે. બહુજન સમાજ પાર્ટીનું પ્રતીક હાથી સૂચવે છે કે હાથી કઠિન, નીડર અને તાકાતવાન છે પણ શાંતિપૂર્ણ છે. એ જ પ્રમાણે તૃણમૂલ કોંગ્રેસનું પ્રતીક બે ફૂલ છે જે તિરંગાના રંગોમાં છે. તૃણમૂલ કોંગ્રેસનું સૂત્ર છે ‘મા, માટી અને માનુષ’- જે સૂચવે છે કે અમે માટીથી જોડાયેલા છીએ અને માતૃત્વ તથા રાષ્ટ્રવાદી તત્વનું પ્રતિનિધિત્વ કરીએ છીએ. સાધારણ ફૂલો એ દર્શાવે છે કે તૃણમૂલ સમાજના એ વર્ગોનું સમર્થન કરે છે જે નિમ્ન વર્ગના છે અને પીડીતો છે. આ જ પ્રમાણે આમ આદમી પાર્ટીનું પ્રતીક ઝાડુ રાખવા પાછળ એવો સંદેશ છે કે અમે દેશમાંથી ભ્રષ્ટાચારરૂપી કચરો સાફ કરવા માંગીએ છીએ.
ચૂંટણી પ્રતિકોને લઇને આવી ઘટનાઓ પણ બની
આ ઉપરાંત ચૂંટણી પ્રતીકોને લઈને અનેક રસપ્રદ ઘટનાઓ બનતી રહે છે. ૧૯૫૭ની એક ચૂંટણીમાં એક ઊમેદવારનું ચિહ્ન વાઘ હતું તો એ વાઘને પાંજરામાં પૂરીને પ્રચાર કરવા નીકળ્યો હતો જ્યારે એક ઊમેદવાર પોતાનું ચિહ્ન હાથી હોવાથી તેને લઈને પ્રચાર કરવા નીકળ્યો હતો. તો વળી એક ઊમેદવારનું પ્રતીક મરઘી હતું તો તે બૂથ પર મરઘી લઈને ગયો હતો અને બન્યું એવું કે તે મરઘી ઝૂંટવીને ગીધ ભાગી ગયું. ૨૦૧૯ની લોકસભા ચૂંટણીમાં આંધ્રપ્રદેશમાં બે ઊમેદવારોના નામ તો સરખા હતા જ પણ તેમના પ્રતીકો પણ પંખો અને હેલિકોપ્ટર હતા જેથી લોકોને મતદાન વખતે મૂંઝવણ થઈ હતી. નિઝામાબાદ બેઠક પર ૧૭૪ ઊમેદવારો હોવાથી ચૂંટણીપંચે આદુથી લઈને મરચાં, મોબાઈલ ચાર્જરથી લઈને માઉસ સુધીના સિમ્બોલ આપવા પડ્યા હતા.
બેટ્સમેનનું પ્રતીક
ચૂંટણી પ્રતીકોને લઈને એક ખૂબ રસપ્રદ કિસ્સાની વાત કરીએ તો, મુંબઈથી અપક્ષ લડી રહેલા ઊમેદવાર મીરા સાન્યાલને વિચિત્ર બેટ્સમેનનું પ્રતીક આપવામાં આવ્યું હતું જેને જોઈને લેખક અને ક્રિકેટપ્રેમી સલિલ ત્રિપાઠીએ ચૂંટણીપંચને જે દલીલ આપી હતી જે રોચક હતી. તેમણે કહ્યું હતુ કે ‘એવું દેખાય છે કે બેટ્સમેન સ્ટંપની બરાબર સામે ઊભો છે. તેની પોઝિશન પરથી લાગે છે કે તે કાં તો હૂક શૉટ રમશે કાં તો હાઇ સ્ક્વેર ડ્રાઈવ મારશે. જો હૂક શૉટ રમે તો આ જમણેરી બેટ્સમેનનો ચહેરો જુદી દિશામાં હોવો જોઈએ, આ રીતે નહીં. જો તે હાઇ સ્ક્વેર ડ્રાઈવ રમે તો તેનું વજન ડાબા પગ પર આવવું જોઈએ પણ અહીં પ્રતીકમાં જમણા પગ પર આવે છે. શું ચૂંટણી પંચ પહેલેથી ઊમેદવાર હારી જશે એવું વિચારીને અશક્ય લાગતા પ્રતીકો આપે છે?’ તેમની આ વાત તે સમયે ખુબ ચર્ચાનો વિષય પણ બની હતી.
ચૂંટણી પ્રતીકો એ સમગ્ર ચૂંટણી પ્રક્રિયાનો મહત્વનો ભાગ છે. જે મતદારોના માનસપટ પર જુદી જ છાપ ઉભી કરે છે. ચૂંટણી પ્રતિક ક્યારેક ઉમેદવારો માટે લકી સાબિત થાય છે તો ક્યારેક હાંસીને પાત્ર બને છે. પરંતુ અહિં એક વાત સ્પષ્ટ છે કે ચૂંટણી પ્રતિક જ દરેક પક્ષની સાચી ઓળખ છે.
પહેલી લોકસભાની ચૂંટણીમાં મંજૂર થયેલા ૧૪ પ્રતીકો કેવા હતા?
પાર્ટી | ચૂંટણી પ્રતીક |
અખિલ ભારતીય જનસંઘ | માટીનો પ્રજ્વલિત દીવો |
બોલ્શેવિક પાર્ટી ઓફ ઈન્ડિયા | સ્ટાર |
કમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા | મકાઇ અને દાંતરડુ |
ફોરવર્ડ બ્લોક (માર્ક્સિસ્ટ) | સિંહ |
ફોરવર્ડ બ્લોક (રૂઈકર ગ્રૂપ) | ખુલ્લી હથેળી |
અખિલ ભારતીય હિન્દુ મહાસભા | ઘોડેસવાર |
ઇંડિયન નેશનલ કોંગ્રેસ | બે બળદ અને હળ |
ફાર્મિંગ પીપલ્સ પાર્ટી | અનાજ છૂટ્ટું પાડતો ખેડૂત |
કિસાન મજદૂર પ્રજા પાર્ટી | ઝૂંપડું |
રેવોલ્યુશનરી કમ્યૂનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા | સળગતી મશાલ |
અખિલ ભારતીય રામ રાજ્ય પરિષદ | ઊગતો સૂર્ય |
સમાજવાદી પાર્ટી | વૃક્ષ |
ઓલ ઈન્ડિયા શેડ્યુલ્ડ કાસ્ટ ફેડરેશન | હાથી |
રેવોલ્યુશનરી સમાજવાદી પાર્ટી | અલગ અલગ પ્રકારના બે પાવડા |