દહેજ પ્રથા સંપૂર્ણ નાબૂદ થવી એ સપના જેવું છે, પરંતુ આજના યુવાનો દહેજ લેવામાં માનતા નથી. એટલું જ નહીં, સાથે એવા પણ પ્રયત્ન કરે છે કે લગ્નનો ખર્ચ પણ બંને પક્ષ સહિયારો કરે. યુવાનોના આ વિચાર દરેક માતા-પિતા કે પરિવાર અપનાવે છે તેવું નથી, પરંતુ ઘણા પરિવારને પોતાનાં સંતાનની આ પહેલ ગમી છે. આવનારા સમયમાં આ પગલું એક નવી પ્રણાલીની શરૃઆત કરશે.
ક્રિકેટર વિરાટ કોહલીની એક ક્લોથની એડ ઘણી જ પસંદ કરવામાં આવી હતી. જેમાં તેનાં લગ્ન થવાનાં હોય છે અને તે પોતાના સાસરી પક્ષ સાથે વાર્તાલાપ કરતો બતાવાયો છે. જેમાં તે દીકરીના પરિવારને કહી રહ્યો છે કે લગ્નનો ખર્ચ જે પણ થશે આપણે અંદરોઅંદર વહેંચી લઈશું. એટલે કે સાથે મળીને લગ્નનો ખર્ચ કરીશું. તદ્દન નવો લાગતો આ વિચાર દિલને સ્પર્શી જાય તેવો છે અને ઘણા યુવાનોને તો આ વિચાર સારો પણ લાગ્યો છે. ખાસ કરીને પરિવારની મરજીથી અને પોતાની પસંદથી લગ્ન કરનાર યુવાનો આ નવા પ્રયાસને આવકારવા તૈયાર થયા છે.
આવી જ રીતે પોતાની શરૃઆત કરવાનું વિચારનાર શકુંત મહેતા કહે છે, ‘હું એમબીએ કરી રહ્યો છું અને મારી જ સાથે અભ્યાસ કરતી નિશીતા સાથે લગ્ન કરવાનો છું. અમારા પરિવારે મંજૂરી પણ આપી દીધી છે અને અમારી સગાઈ પણ થઈ ગઈ છે. બસ કરિયરમાં સેટ થઈ જઈએ પછી લગ્ન કરીશું, પરંતુ અમે પરિવાર સાથે મળીને નક્કી કર્યું છે કે લગ્નના દરેક પ્રસંગ સાથે કરીશું અને જે પણ ખર્ચ થશે તે બંને પરિવારના સાથે મળીને વહેંચી લઈશું. નિશીતાના પિતાને પોતાની એકની એક દીકરીનો દરેક પ્રસંગ સારી રીતે કરવો હતો, પરંતુ જ્યારે અમે સમજાવ્યું કે પ્રસંગ બંને ઘરે છે તો એક વધુ ખર્ચ કરે અને બીજો ઓછો તે કેમ ચાલે, પાછું એક યજમાન અને બીજા જજમાન બને તે પણ કેમ ચાલે, સાથે મળીને ખર્ચ કરી સાથે મળીને પ્રસંગને એન્જોય કરીશું. મારા પરિવારને તો આ વિચાર ઘણો સારો લાગ્યો અને અંતે નિશીતાના ઘરના પણ માની ગયા.’
આવા વિચાર આજના યુવાનોને આવવા એ સાબિત કરે છે કે હજુ પણ પરિવારના સંસ્કાર જીવિત છે. સામાન્ય રીતે ખોટી સંગતમાં યુવાનો જલ્દી આવતા હોય છે ત્યારે આ નવતર પ્રયત્નને પણ આવકારે છે તે યોગ્ય દિશા છે. જો યુવાનો દીકરી પક્ષની સ્થિતિને સમજશે અને આ રીતે દરેક યુવાન વધુ ખર્ચો ના કરતાં લગ્નમાં થતાં ખર્ચની વહેંચણી કરતા થઈ જશે તો ચોક્કસથી દહેજ પ્રથા નાબૂદીના કાલ્પનિક સપનાને સાચું બનાવી શકાશે. જે પરિવાર પાસે પૈસાની કમી છે તેમની વાત અલગ છે, પરંતુ જે માતા-પિતા પરિસ્થિતિને આધીન ખર્ચ કરતા હશે તેમની માટે યુવાનોની આ પહેલ ઉત્તમ સાબિત થશે. કેમ ખરું ને?