મોન્સીન દલ -મંતવ્ય ન્યુઝ
પંચમહાલ જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સમિતી (એસપીસીએ) ની કારોબારી સભાની બેઠક જિલ્લા કલેક્ટર અમિત અરોરાના અધ્યક્ષસ્થાને સેવાસદન-1 ખાતે યોજાઈ હતી. બેઠકમાં પશુઓના નિભાવ માટે શ્રી જીવકલ્યાણ પાંજરાપોળ ટ્રસ્ટ, ગોધરાને કરવાના થતા ચૂકવણા, પેટ શોપના રજિસ્ટ્રેશન માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.
નગરપાલિકા વિસ્તારોમાં (1 લાખથી વધુ વસ્તી ધરાવતા) પાંચથી વધારે પશુઓ ધરાવતા પ્રિમાઈસીસનું રજિસ્ટ્રેશન કરવાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા કલેક્ટરે સૂચના આપી હતી, જેથી ગેરકાયદે રીતે કતલ માટે પશુઓ ગોંધી રાખવા સહિતની પ્રવૃતિઓની ઓળખ અને કાર્યવાહી સરળ અને ઝડપી બને. બેઠકમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી તેમજ નાયબ વન સંરક્ષકએ સમિતી અંતર્ગત કરવાની થતી કામગીરીની વિગતો મેળવી સમીક્ષા કરી હતી અને ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. બેઠકમાં સમિતીના સભ્ય સચિવ નાયબ પશુપાલન નિયામક, જીવકલ્યાણ પાંજરાપોળના પ્રમુખ, મંત્રી, મેનેજર મદદનીશ પશુપાલન નિયામક, સમિતીના વિવિધ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.