Fake Ghee Busted Palanpur: ગુજરાતમાં હોટેલો અને બજારો બાદ હવે ઘીમાં પણ મોટા પાયે નકલીનો ખેલ સામે આવ્યો છે. ઉત્તર ગુજરાતના પાલનપુર અને દિયોદર વિસ્તારમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તંત્રએ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને આશરે 1444 કિલોગ્રામ જેટલો શંકાસ્પદ અને નકલી ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની બજાર કિંમત ₹8,28,490 થી વધુ આંકવામાં આવી છે.
Palanpur: ક્યાં કેટલું નકલી ઘી ઝડપાયું?
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના સીધા માર્ગદર્શન હેઠળ ફૂડ સેફ્ટી ઓફિસર ચેતના ગુર્જર, એમ. એન. ગુર્જર અને એસ. એમ. પટેલની ટીમે ગુપ્ત બાતમીના આધારે ઓપરેશન હાથ ધર્યું હતું. આ ઓપરેશન અંતર્ગત પાલનપુર વિસ્તારમાંથી અંદાજે 448 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું હતું, જ્યારે દિયોદર વિસ્તારમાંથી આશરે 446 કિલો ભેળસેળયુક્ત જથ્થો ઝડપાયો હતો. આ ઉપરાંત, અન્ય એક ગુપ્ત લોકેશન પરથી પણ આશરે 551 કિલો ઘીનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો.
“કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં” : આરોગ્ય મંત્રી
આ મોટી કાર્યવાહી અંગે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું છે કે, “આવા નકલી ખાદ્ય પદાર્થો બનાવતા અને લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સામાન્ય નાગરિકોના જીવ સાથે ખિલવાડ કરનારા કોઈ પણ ચમરબંધીને બક્ષવામાં આવશે નહીં.” મંત્રીના આદેશ બાદ વિભાગ દ્વારા ‘ખાદ્ય સુરક્ષા અને ધોરણ અધિનિયમ-2006’ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી શરૂ કરી દેવાઈ છે.
આગામી દિવસોમાં દરોડા વધુ તેજ થશે
રાજ્ય સરકાર લોકો સુધી શુદ્ધ અને સુરક્ષિત ખાદ્ય પદાર્થો પહોંચે તે માટે કટિબદ્ધ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં ઉત્તર ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં ડેરી પ્રોડક્ટ્સ અને ખાદ્ય તેલના વેપારીઓને ત્યાં પણ ચેકિંગની ઝુંબેશ વધુ સઘન બનાવવામાં આવશે, જેને પગલે ભેળસેળિયા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
