Washington News: અમેરિકામાં સ્ટોરમાં જોબ દરમિયાન લૂંટારુએ ગોળી મારતા મૃત્યુ પામેલા ગુજરાતીના કુટુંબને હવે 38 લાખ ડોલરનું વળતર મળશે. આ કેસમાં મૃત્યુ પામેલા ગુજરાતીના કુટુંબે સ્ટોર માલિક સહિતના લોકો સામે સિવિલ લો સ્યુટ ફાઇલ કરીને વળતરની માંગ કરી હતી.
સિવિલ લો સ્યુટ ફાઇલ કરનારા મૃતક અશોક પટેલના કુટુંબના દાવો હતો કે સ્ટોરમાં સલામતીની પૂરતી વ્યવસ્થા ન હતી અને ત્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હતી અને તેના કારણે જ અશોક પટેલ પર જીવલેણ હુમલો થયો હતો અને કુટુંબે એકમાત્ર કમાનાર ગુમાવ્યો હતો.

50 વર્ષના અશોકકુમાર પટેલ પેન્સિલ્વેનિયાના હેઝલ્ટન સ્થિત ક્રેગ ફ્રૂડ માર્ટ નામના અમેરિકન સ્ટોરમાં કામ કરતા હતા. આ સ્ટોરમાં ગેમિંગ મશીન્સ પણ ચાલતા હતા. તેમને લૂંટના ઇરાદે જે વ્યક્તિએ ગોળી મારી હતી તે ગેમિંગ મશીન્સમાં મોટી રકમ હારી ગયા પછી સ્ટોરમાં લૂંટ કરવા માટે આવ્યો હતો. તે સમયે અશોક પટેલ સ્ટોરમાં કામ કરી રહ્યા હતા, લૂંટારુએ તેમને ગોળી મારીને 14 હજાર ડોલરની લૂંટ ચલાવી હતી અને તે ભાગી ગયો હતો.

અશોક પટેલની ગોળી મારી હત્યા કરનારા લૂંટારીની જાન્યુઆરી 2021માં ધરપકડ કરવામાં આવી હતી. કોર્ટે ગયા મહિને જ તેને આજીવન કેદની સજા સંભળાવી હતી. બીજી બાજુએ અશોક પટેલના મોતના બે વર્ષ પછી તેના કુટુંબે 25 લોકો સામે સિવિલ લો સ્યૂટ ફાઇલ કર્યો હતો. આ લો સ્યુટમાં સ્ટોરના માલિક ચંદ્રકાંત પટેલ તેમજ ગેમિંગ મશીન્સ બનાવતી કંપનીની સાથે-સાથે ઓઇલ કંપની, કેવિન સ્મિથ એમ્યુઝમેન્ટ્સ અને ફેલિસેડ્સ ફ્યુઅલ્સ સહિતના લોકો પ્રતિવાદી હતા. તેમણે 38.45 લાખ ડોલરમાં સમાધાનની તૈયારી દાખવી છે.

જો કે અન્ય કેટલાક પ્રતિવાદી તૈયાર ન થતાં તેનો કેસ અલગથી ચાલશે. સમાધાનની વચગાળાની નક્કી થયેલી રકમના સ્વરૂપમાં અશોકકુમારના પત્ની જ્યોત્સનાબેન પટેલને બે મિલિયન એટલે કે 20 લાખ ડોલર મળશે, તેમનો કેસ લડનારી લો ફોર્મને 17 લાખ ડોલર મળશે અને 1.06 લાખ ડોલર એસ્ટેટને જશે.
આ પણ વાંચો: અમેરિકામાં એન્ટ્રી મેળવવી હવે વધુ આકરી બનશે
આ પણ વાંચો: રશિયાએ ભારતના વેપાર ભાગીદાર પસંદગીના અધિકારને ટેકો આપ્યો, ટેરિફ વધારવાની ધમકીને ગેરકાયદેસર!
આ પણ વાંચો: અમેરિકા જવા ‘સસ્તા’ એજન્ટની સેવા લીધી તો ‘મોંઘી’ પડી શકે
