Lifestyle: કોઈ પણ વ્યક્તિને ભેટ આપવી ત્યારે જ સાર્થક બને છે જ્યારે, આપણી ભાવનાઓ સ્નેહથી પરિપૂર્ણ હોય! સ્વાર્થવશ થઇને અથવા તો વળતરની અપેક્ષાએ જો તમે કોઇને ભેટ-સોગાદ આપતા હો તો, એનાથી તમને એટલો આત્મસંતોષ કે ખુશી પ્રાપ્ત નથી થતી જેટલી નિસ્વાર્થ ભાવે ઉપહાર આપવાથી પ્રાપ્ત થાય છે. કોઇ માટે આપણા હૃદયમાં રહેલી ભાવનાઓને, શબ્દો કરતા એક નાનકડી ભેટ દ્વારા વધુ સારી રીતે અભિવ્યક્ત કરી શકાય છે. નાનકડી અમથી ભેટ ફક્ત તમારા પ્રિયજન કે સંબંધીને જ નહિં પરંતુ, તમારા મનને પણ આનંદ અને સંતોષથી છલકાવી દેશે.

ઉપહાર શા માટે આપવો જોઇએ?
ભેટ-સોગાદ આપવી અને લેવી એ આપણી સંસ્કૃતિનો એક ભાગ છે. જ્યારે કોઇ વ્યક્તિ આપણને ઉપહાર આપે છે ત્યારે, આપણુ મન અત્યંત પ્રસન્ન થાય છે અને આપનાર પ્રત્યે આપણને વિશેષ અનુરાગની લાગણી થાય છે. આ જ મુખ્ય કારણ છે કે, જ્યારે પણ આપણે કોઇ પ્રત્યે પ્રેમ, સ્નેહ, આભાર, શુભકામના કે સન્માનની લાગણી વ્યક્ત કરવા માગીએ છીએ ત્યારે, એને ઉપહાર આપવાનું પસંદ કરીએ છીએ.
કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આભાર અથવા શુભેચ્છા દર્શાવવા માટેની એક સુંદર અભિવ્યક્તિ છે તેને ઉપહાર આપવો! આપણી કૃતજ્ઞતા અને આત્મીયતાની લાગણીઓ પણ ભેટ-સોગાદની સાથે-સાથે સામેવાળા સુધી પહોંચી જાય છે. આનાથી સંબંધો મજબૂત બને છે અને સામેવાળી વ્યક્તિને એવુ મહેસૂસ થાય છે કે, એ આપણા માટે મહત્વપૂર્ણ છે. સંબંધોને સ્થાયી બનાવવા માટે અને સારી સ્મૃતિઓનો
સંચય કરવા માટેનું ઉત્તમ માધ્યમ છે ઉપહાર! જેની પરસ્પર સપ્રેમ આપ-લે કરવાથી સંબંધો દીર્ઘાયુ બને છે.

સામાજીક પરંપરા અનુસાર ઉપહારનું મહત્વ
કોઇ વ્યક્તિ અમુક પ્રસંગે પોતાના પ્રિયજનને ઉપહાર ન આપી શકે તો, એનો પ્રેમ ઓછો થઇ ગયો છે એવું ધારી લેવું જરાય યોગ્ય નથી! એવું પણ નથી કે ઉપહાર જ પ્રિયજન માટેની લાગણી માપવાનું સાધન છે! પરંતુ, જે પ્રમાણે સામાજીક વ્યવહારો થતા હોય છે, એ મુજબ આપણે પરિસ્થિતિઓ અને સંબંધોનો તાળો મેળવતા હોઇએ છીએ. વાસ્તવમાં, જુદી-જુદી વ્યક્તિઓ દ્વારા આપવામાં આવતી ભેટ-સોગાદો જુદી-જુદી ભાવનાઓની દ્યોતક બને છે. આ વાતને ઉદાહરણ સાથે સમજીએ તો, ગુરુ દ્વારા મળતી ભેટ શિષ્ય માટે પ્રેરણા અને પ્રોત્સાહનની દ્યોતક છે. માતા-પિતા પાસેથી મળેલો ઉપહાર સંતાન પ્રત્યેના એમના નિસ્વાર્થ પ્રેમને દર્શાવે છે અને પોતાનાથી નાની ઉંમરની વ્યક્તિઓ દ્વારા મળતી ભેટ-સોગાદ, વડીલો પ્રત્યેના સન્માનને વ્યક્ત કરે છે.

ઉપહારની આપ-લે સોદાબાજી નથી
કોઈ પણ વ્યક્તિને ભેટ આપવી ત્યારે જ સાર્થક બને છે જ્યારે આપણી ભાવનાઓ પણ સ્નેહથી પરિપૂર્ણ હોય! જો તમે સ્વાર્થવશ થઇને અથવા તો વળતરની અપેક્ષાથી કોઇને ભેટ-સોગાદ આપતા હો તો, એનાથી તમને જેટલો આત્મસંતોષ કે ખુશી પ્રાપ્ત નથી થતી, એટલો નિસ્વાર્થ ભાવે ઉપહાર આપવાથી થાય છે! આપણે કોઇને ઉપહાર આપીએ અને બદલામાં કોઇ પણ વસ્તુની અપેક્ષા રાખીએ, તો એને કોઇ પણ સંજોગોમાં ઉપહાર ગણી શકાય નહિં. આને તો કેવળ લેવડ-દેવડ અથવા એક સોદો માની શકાય અથવા કઠોર શબ્દોમાં એને વેપાર પણ કહી શકાય. આવી રીતે ઉપહાર આપવાથી આત્મીયતાની ઉણપ વર્તાય છે.
આ પણ વાંચો:જન્માષ્ટમી પર બનાવો ભગવાન શ્રી કૃષ્ણનો મનભાવન પ્રસાદ, ગણતરીની મિનિટોમાં થઇ જશે તૈયાર
આ પણ વાંચો:પંચામૃત અને ચરણામૃતમાં શો ફરક છે? શ્રી કૃષ્ણ જન્માષ્ટમી પહેલા જાણી લો, એને બનાવવાની રીત
