Lifestyle: હૈયાં મળી ગયા હોય પણ કોઇ કારણવશ જો તમારે તમારા પાર્ટનર (Partner)થી દૂર રહેવું પડે તો? લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપ (Long Distance Relationship) શબ્દ સાંભળવામાં વિચિત્ર લાગી શકે છે પરંતુ, હકીકતમાં આજના સમયમાં એટલો અજીબ પણ નથી! તમારા જીવનનો ભાગ બની ચૂકેલી કોઇ વ્યક્તિ જો કોઇ કારણવશ તમારાથી દૂર છે તો તમે શી રીતે તમારા સંબંધના તાર જોડી રાખશો? આમ થવાથી પણ સંબંધ એટલો જ મજબૂત અને જીવંત રાખી શકાય છે. તો ચાલો, આ કઇ રીતે શક્ય બનશે એ અંગેની કેટલીક ટિપ્સ (Tips) વિશે જાણીશું.
જો તમે કોઈ રિલેશનશિપ (Relationship)માં છો અને તમારા પાર્ટનર સાથે ભાવિ જીવન વિતાવવાની યોજના બનાવી રહ્યાં છો પણ કદાચ તમે બંને એક જ સ્થળે, એકબીજાની નજીકમાં વસવાટ નથી કરતા તો, કેવળ આ જ કારણોસર તમે એને તમારી લાઇફમાંથી વિદાય કરી દો એ જરાય યોગ્ય નથી!

અંતર નહિં બને ‘વિલન’!
જો તમારો સાથી તમારા માપદંડો પર ઘણા અંશે ખરો ઉતરે એવો હોય તો, ફક્ત દૂર કે અન્ય શહેરમાં રહેવાના કારણે તમે આ રિલેશનમાંથી નીકળી જાઓ એવું તમારે ન કરવું જોઇએ. તમારી પરસ્પર પ્રત્યેની લાગણી કે ખેંચાણ જળવાઇ રહે એ માટે તમે દર મહિને અને જો પરદેશ રહેતા હો તો, દર વર્ષે એક-બીજાને મળવાનું ગોઠવી શકો છો. આ રીતે દૂર રહીને પણ તમારી વચ્ચે એક હૅલ્ધી અને પ્રેમાળ સંબંધ જળવાઇ શકે છે. તમારી વચ્ચેનું સ્થૂળ અંતર તમારા માટે ‘વિલન’ નહિં બને! શારીરિક રીતે તમે ભલે સાથે ન હો, પણ ભાવનાત્મક જોડાણ જરુરી છે. અમે અહિં તમને અમુક ટિપ્સ જણાવીશું કે, જેથી તમારી લોન્ગ ડિસ્ટન્સ રિલેશનશીપને સુદ્રઢ બનાવવામાં તમને એ સહાયક સિદ્ધ થઇ શકે છે.

સંબંધના તારને ફોનથી જોડી રાખો
જ્યારે તમે તમારા પાર્ટનરથી દૂરના અંતરે વસતા હો ત્યારે તમારું એકબીજા સાથે કનેક્ટેડ રહેવું અત્યંત જરુરી છે. આ કનેક્શન માટે તમારી પાસે એક હાથવગું ડિવાઇઝ છે અને એ છે મોબાઈલ ફોન (Phone)! માત્ર મેસેજ કરવાથી વાત આગળ નહિં વધે, વાતચીત કરવી ખૂબ જરુરી છે. તમે તમારા પાર્ટનરના ફોન ઉઠાવતા ન હો અને ફક્ત મેસેજથી વાત કરતા હો એ હૅલ્ધી રિલેશનશિપ માટે યોગ્ય વાત નથી. તમે ગમે તેટલા વ્યસ્ત હો એમ છતાંયે તમારે લાગણીસભર વાતચીત કરવા માટે સમય ફાળવવો જોઇએ. આ ઉપરાંત, એકબીજાનો અવાજ સાંભળવા અને ચહેરો જોવા માટે તમે વીડિયો કોલ (Video Call) પણ કરી શકો છો.
દિવસમાં બે વાર વાતચીત જરુરી
તમારા સંબંધને મજબૂત બનાવી રાખવા માટે તમારે સવાર-સાંજ એકબીજા સાથે કનેક્ટેડ રહો એ ઘણું જરુરી છે. એક વાર સવારે અને બીજી વાર સાંજે, એમ બંને સમયે થોડી વાતચીત કરી લેવાથી તમે એકબીજાને વધુ સારી રીતે સમજી શકશો. તમે ભલે ને ફિઝીકલી (Physical Distance) દૂર હો પણ તમને એવું જ લાગશે કે, તમે બંને એકબીજાના જીવનનો મહત્વપૂર્ણ હિસ્સો છો.

એકબીજાને મળતા રહો
જો દૂરના અંતરે અથવા અલગ-અલગ શહેરમાં રહેતા હો તો પણ ઓછામાં ઓછા ત્રણ મહિને એકબીજાને મળવાનું રાખો. સંબંધમાં લાગણીનું સિંચન કરવા માટે તમે આમ કરતા રહો એ જરુરી છે અને જો શક્ય હોય તો દર મહિને મળવાની યોજના બનાવવી (Dating Plan) જોઇએ. તમારા કામ, શોખ અને દિનચર્યા અંગે ચર્ચા કરીને, તમે પરસ્પર વધુ નજીક આવી શકશો.
ફરવા જવાની યોજના બનાવો
બંને પાર્ટનરે અગાઉથી એક નિશ્ચત તારીખોએ કામમાંથી રજા લઇને કોઈક સુંદર રમણીય સ્થળે ફરવા જવાનો પ્લાન (Tour Planning) ઘડવો જોઇએ. તમે વધઆરે સમય ફાળવી શકો એમ હોય તો, કોઇ દૂરના સ્થળે રજાની મજા માણી શકો છો અથવા તો પછી તમારા બંનેના વસવાટના સ્થળની વચ્ચેના અનુકૂળ સ્થળે તમારું નાનકડું વેકેશન (Vacation) પ્લાન કરી શકો છો, આમ કરવાથી તમારા સંબંધમાં રોમાંચ જળવાઇ રહેશે અને તમે નજીકના ભવિષ્યમાં ફરીથી મળવાનો પ્લાન બનાવવા ઉત્સુક બની જશો!
આ પણ વાંચો:રિલેશનશિપમાં પરસ્પર પ્રેમ અને વિશ્વાસ વધારવા માટે અપનાવો આ 7 યુક્તિઓ!
આ પણ વાંચો:લગ્ન બાદ શા માટે પતિ-પત્ની ખુશ નથી રહેતાં ? રિલેશનશિપ કૉચ દ્વારા જાણવા મળ્યું ચોંકાવનારુ મોટું કારણ
