Jamnagar News: ગુજરાતમાં ઓછા વરસાદને કારણે ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે, ત્યારે જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના વાવડી ગામમાંથી હૃદયદ્રાવક (Farmer Suicide Jamnagar) ઘટના સામે આવી છે. અહીં 47 વર્ષીય ખેડૂત હેમંત મકવાણાએ પાક નિષ્ફળ જવા અને આર્થિક સંકડામણ વચ્ચે વાડીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. મગફળીના પાકને નુકસાન, મંડળીના ધિરાણનું દેવું અને પરિવારના ભરણપોષણની ચિંતાએ તેઓ સતત તણાવમાં રહેતા હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે.
Farmer Suicide Jamnagar: મગફળીનો પાક નિષ્ફળ ગયો, દેવાનું ભારણ વધ્યું
પરિવારજનોના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષે નબળા ચોમાસાને કારણે હેમંતભાઈની મગફળીનો પાક નિષ્ફળ ગયો હતો. ખેતીમાંથી આવક ન થતાં મંડળીના ધિરાણની (Farmers Financial Crisis) ચુકવણી અને પરિવારનું ગુજરાન ચલાવવાની ચિંતા વધી હતી. નાના સંતાનોના ભરણપોષણની જવાબદારી વચ્ચે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો તેમના માટે મુશ્કેલ બની રહ્યો હતો.
ખેતરમાં પાક ન થતાં પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી પણ મુશ્કેલ બની હતી. આર્થિક ભીંસને કારણે તેમણે આશરે એક મહિના પહેલાં પોતાના બે બળદ સદ્ભાવના આશ્રમમાં મૂકી દીધા હતા.
‘ભાઈ આખું વર્ષ કેવી રીતે પૂરું થશે તેની ચિંતામાં રહેતા’
મૃતકના નાના ભાઈ રાજુ મકવાણાએ જણાવ્યું હતું કે, મગફળીનો પાક બગડી (Groundnut Crop Loss) જતાં તેમના ભાઈ સતત ગંભીર ચિંતામાં રહેતા હતા. પરિવારનું ગુજરાન કેવી રીતે ચલાવવું અને આખું વર્ષ કેવી રીતે પૂરું કરવું તેની ચિંતા તેમને સતાવતી હતી. 29 ઓક્ટોબરની રાત્રે તેઓ વાડીએ ગયા હતા, જ્યાં તેમણે આત્મહત્યા કરી લીધી હતી.આ ઘટનાથી પરિવારજનોમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
બળદોને આશ્રમમાં મૂકતી વખતે હેમંતભાઈ રડી પડ્યા હતા
હેમંતભાઈએ (Hemant Makwana) આશરે 20 વર્ષથી પોતાના બળદોને પરિવારના સભ્યોની જેમ સાચવ્યા હતા. જોકે, વરસાદની ખેંચને કારણે ચારો અને પાણીની અછત સર્જાતાં તેમની સંભાળ રાખવી મુશ્કેલ બની હતી. અંતે ભારે હૈયે બંને બળદોને સદ્ભાવના બળદ આશ્રમમાં મૂકવા પડ્યા હતા.
આશ્રમમાં બળદોને મૂકતી વખતે તેમની સાથે વર્ષો સુધી ખેતરમાં કામ કર્યાની યાદો વચ્ચે હેમંતભાઈ ભાવુક થઈ ગયા હતા અને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા હતા. આ દૃશ્યો તેમની આર્થિક લાચારી અને પશુઓ પ્રત્યેના લગાવની વેદના દર્શાવતા હતા.
સરપંચે ખેડૂતો માટે સરકારી સહાયની માગ કરી
વાવડી ગામના સરપંચ ભાવેશ મકવાણાએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, માઠા વર્ષ અને પાકના નુકસાન છતાં ખેડૂતોને પૂરતી સરકારી સહાય કે ધિરાણ માફીનો લાભ મળ્યો નથી. તેમણે સરકારને ખેડૂતોની સ્થિતિને ગંભીરતાથી લઈને તાત્કાલિક રાહતનાં પગલાં ભરવાની માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે તાજેતરમાં ચાર જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે. આ ઘટનાએ ઓછા વરસાદ અને પાક નિષ્ફળ જવાથી ખેડૂતો પર ઊભા થયેલા આર્થિક સંકટ તથા પશુધન માટે ઘાસચારા-પાણીની વ્યવસ્થાનો પ્રશ્ન ફરી ચર્ચામાં લાવી દીધો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં ખેડૂતોની મુશ્કેલીઓ મુદ્દે કોંગ્રેસ આક્રમક, દેવા માફીથી લઈને 150 દિવસની રોજગારીની માગ
આ પણ વાંચો: સાબરકાંઠાના ખેડૂતો માટે ખુશખબર! PM કિસાન યોજનાના 24મા હપ્તાની રકમ જમા
આ પણ વાંચો: દિવાળીમાં બાળકોને મળશે ભણતરથી બ્રેક! અમદાવાદમાં DEOએ શાળાઓને આપી ખાસ સૂચના
