ગુજરાત/ પાણીથી ટળવળતા ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળશે રાહત, પાઈપલાઈન કામને મંજુરી

સુજલામ-સુફલામ યોજના અંતર્ગત કસરા-દાંતીવાડા પાઈપલાઈન માટે ૧૫૬૬.૨૫ કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપી છે. ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈનના ૧૯૨ કરોડ રૂપિયાનાં કામો મંજૂર કર્યાં છે.

Top Stories Gujarat
523 2 1 પાણીથી ટળવળતા ઉત્તર ગુજરાતના ખેડૂતોને મળશે રાહત, પાઈપલાઈન કામને મંજુરી

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ઉત્તર ગુજરાતનાં ૧૩૫ ગામોના ખેડૂતો, પશુપાલકો, ગ્રામજનોને સિંચાઈના અને પીવાનાં પાણી પહોંચાડવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જે અંતર્ગત સુજલામ-સુફલામ યોજના અંતર્ગત કસરા-દાંતીવાડા પાઈપલાઈન માટે ૧૫૬૬.૨૫ કરોડ રૂપિયાના કામોની મંજૂરી આપી છે. ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈનના ૧૯૨ કરોડ રૂપિયાનાં કામો મંજૂર કર્યાં છે.

મુખ્યમંત્રીએ પાલનપુર અને વડગામ તાલુકાની ગ્રામીણ જનતાની માંગણીનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે. નર્મદા મુખ્ય નહેરની સિંચાઈ સુવિધાથી વંચિત રહેલા બનાસકાંઠાના પૂર્વ વિસ્તારોમાં સિંચાઈની વિશ્વસનીય વ્યવસ્થા ઊભી થશે. કસરા-દાંતીવાડા ૭૭ કિલોમીટર લંબાઈની પાઈપલાઈન દ્વારા નર્મદા મુખ્ય નહેરમાંથી ૩૦૦ ક્યુસેક પાણી લિફ્ટ કરીને બનાસકાંઠાના ૪ તાલુકાના ૭૩ ગામોનાં ૧૫૬ તળાવો નર્મદાજળથી ભરાશે.

પાટણ જિલ્લાના બે તાલુકાના ૩૩ ગામોનાં ૯૬ તળાવો ભરવામાં આવશે. આ તળાવો નર્મદાજળથી ભરવામાં આવતાં આશરે દોઢ લાખ હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળતો થશે. ૩૦ હજારથી વધુ ગ્રામીણ ખેડૂત પરિવારોને સિંચાઈ માટે, પશુધન માટે પૂરતું પાણી ઉપલબ્ધ થશે. જિલ્લાના અંતરિયાળ ગામોની પીવાના પાણી, સિંચાઈની સમસ્યાનો ઉકેલ આવતાં વિશ્વસનીય જળસ્રોત આ વિસ્તારને મળશે

ભૂપેન્દ્ર પટેલે આ ઉપરાંત ડીંડરોલ મુક્તેશ્વર જળાશય પાઈપલાઈનના રૂપિયા ૧૯૨ કરોડના કામોને પણ મંજૂરી આપી છે. ૩૩ કિલોમીટર લંબાઈની આ ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈન દ્વારા ૧૦૦ ક્યુસેક પાણી વહન કરાશે. નર્મદાનું આ પાણી મુક્તેશ્વર ડેમમાં નાખવામાં આવશે. જેથી લાંબા સમયથી સૂકા રહેલા જળાશયમાં પાણી મળશે.  બનાસકાંઠાના પૂર્વ દિશાના ઊંચાઈવાળા ગામોની ૨૦ હજાર હેક્ટર જમીનોને સિંચાઈનો લાભ અપાશે.  ડીંડરોલ-મુક્તેશ્વર પાઈપલાઈન યોજનાનો લાભ વડગામ તાલુકાનાં ૨૪ ગામોનાં ૩૩ તળાવો તેમ જ પાટણ અને સિદ્ધપૂર તાલુકાના પાંચ ગામોનાં ૯ તળાવોને મળતો થશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેય યોજનાઓના કામોને તાત્કાલિક વહીવટી મંજૂરી આપતાં હવે યોજનાકીય કામોમાં વેગ આવશે.  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ના આ જનહિતકારી અભિગમથી રાજ્યમાં સૌથી વધુ પશુધન ધરાવતા બનાસકાંઠામાં પીવાના તેમ જ સિંચાઈ માટેના પાણીની ચિંતાનો ઉકેલ આવી જશે