કૃષિ કાયદો/ જીતની ખુશીમાં ઉજવણી કરતા જોવા મળ્યા ખેડૂત, આખરે સરકારે કાયદો પરત લેવાનો કર્યો નિર્ણય

કેટલીક જગ્યાએ ખેડૂતો મહિલાઓ સાથે નાચ-ગાન પણ કરી રહ્યા છે. દિલ્હીનાં ગાઝીપુર બોર્ડરથી ખેડૂતોની ઉજવણીની તસવીરો સામે આવી છે, તમે વિરોધીઓને જલેબી વહેંચતા જોઈ શકો છો.

Top Stories India
કૃષિ કાયદો પરત ખેંચવા પર ખેડૂત ખુશ

કેન્દ્ર સરકારનાં 3 કૃષિ કાયદાઓનાં વિરોધમાં એક વર્ષથી રાજધાની દિલ્હી સાથેની સરહદો પર આંદોલન કરી રહેલા ખેડૂતોને આખરે રાહત મળી છે, જ્યારે આજે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના કાયદા પાછા ખેંચવાની જાહેરાત કરી હતી. સરકારનો નિર્ણય પલટી જતા ખેડૂતો હવે દેશભરમાં ઉજવણી કરી રહ્યા છે. ક્યાંક ખેડૂતો જિંદાબાદનાં નારા લગાવી રહ્યા છે તો ક્યાંક મીઠાઈ વહેંચવામાં આવી રહી છે. કેટલીક જગ્યાએ ખેડૂતો મહિલાઓ સાથે નાચ-ગાન પણ કરી રહ્યા છે. દિલ્હીનાં ગાઝીપુર બોર્ડરથી ખેડૂતોની ઉજવણીની તસવીરો સામે આવી છે, તમે વિરોધીઓને જલેબી વહેંચતા જોઈ શકો છો.

આ પણ વાંચો – કૃષિ કાયદો / કંગનાનાં વિવાદિત બોલ, કૃષિ કાયદો પરત લેવાનાં PM નાં નિર્ણયને અયોગ્ય ગણાવ્યો

ગુરુ પરબ પર ત્રણ નવા વિવાદાસ્પદ કૃષિ કાયદા રદ કરવાની જાહેરાત થતા ખેડૂતોમાં ભારે આનંદ અને ઉજવણીનો માહોલ છે. છેલ્લા એક વર્ષથી દિલ્હીની સરહદો પર ઉભેલા ખેડૂતો એકબીજાને મીઠાઈ ખવડાવીને આ પગલાનું સ્વાગત કરી રહ્યા છે. આ દરમિયાન સિંઘુ બોર્ડર પર સબદ કીર્તનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જો કે, ખેડૂતો હજુ આંદોલનનાં સ્થળેથી પાછા ફરવા તૈયાર નથી. ખેડૂતો એક વર્ષમાં ત્રણ કાયદા પાછા ખેંચવાની અને લઘુત્તમ ટેકાનાં ભાવ (MSP) પર નવો કાયદો લાવવાની માંગ કરી રહ્યા છે. મળતી માહિતી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણેય કૃષિ કાયદાઓ રદ કરવાની જાહેરાત કર્યા બાદ શુક્રવારે ગાઝીપુર બોર્ડર પર ખેડૂતોએ ‘કિસાન એકતા ઝિંદાબાદ’નાં નારા લગાવીને ઉજવણી કરી હતી. ગુરુ નાનક જયંતિ નિમિત્તે રાષ્ટ્રને સંબોધનમાં વડા પ્રધાને ત્રણ કૃષિ કાયદાઓ પાછા ખેંચવાની જાહેરાત કરી હતી અને કહ્યું હતું કે સંસદનાં આગામી સત્રમાં આ માટે એક બિલ લાવવામાં આવશે. વડાપ્રધાને લઘુત્તમ ટેકાનાં ભાવ (MSP) સંબંધિત મુદ્દાઓ પર એક સમિતિની રચના કરવાની પણ જાહેરાત કરી હતી. ત્રણ કૃષિ કાયદાઓ રદ કરવાના નિર્ણયને આવકારતા, સંયુક્ત કિસાન મોરચા (SKM) એ કહ્યું કે, તે યોગ્ય સંસદીય પ્રક્રિયાઓ દ્વારા અમલમાં આવે તે માટે જાહેરાતની રાહ જોશે. આજે જારી કરાયેલા એક નિવેદનમાં કિસાન મોરચાએ જણાવ્યું હતું કે, સંયુક્ત કિસાન મોરચા આ નિર્ણયને આવકારે છે અને યોગ્ય સંસદીય પ્રક્રિયાઓ દ્વારા આ ઘોષણા અમલમાં આવે તેની રાહ જોશે. જો આમ થશે તો ભારતમાં એક વર્ષથી ચાલી રહેલા ખેડૂતોનાં આંદોલનની આ ઐતિહાસિક જીત હશે.

આ પણ વાંચો – કૃષિ કાયદો / PM મોદીનાં ત્રણેય કૃષિ કાયદાઓ પાછા ખેંચવાના એલાન બાદ પણ રાકેશ ટિકૈતે આપી આવી પ્રતિક્રિયા

જો કે આ સંઘર્ષમાં 700 જેટલા ખેડૂતો શહીદ થયા છે. લખીમપુર ખેરી હત્યાકાંડ સહિત આ ટાળી શકાય તેવા મૃત્યુ માટે કેન્દ્ર સરકારની જીદ જવાબદાર છે. સંયુક્ત કિસાન મોરચા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એ પણ યાદ અપાવવા માંગે છે કે ખેડૂતોનું આ આંદોલન માત્ર ત્રણ કાળા કાયદાને રદ્દ કરવા માટે નથી, પરંતુ તમામ કૃષિ ઉત્પાદનો અને તમામ ખેડૂતો માટે યોગ્ય ભાવની કાયદેસર ગેરંટી માટે પણ છે,  માટે પણ ખેડૂતોની આ મહત્વની માંગ હજુ પેન્ડીંગ છે. એ જ રીતે, વીજળી સુધારા બિલ પણ પાછું ખેંચવાનું બાકી છે. SKM, તમામ ઘટનાક્રમોને ધ્યાનમાં લઈને, ટૂંક સમયમાં તેની બેઠક યોજશે અને આગળનાં નિર્ણયોની જાહેરાત કરશે.