ગાંધીનગર: અમદાવાદ સહિત ગુજરાતની છ મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરની અઢી વર્ષની મુદત પૂર્ણ થવા જઈ રહી છે. આ છ મહાપાલિકામાં મેયર અને ડેપ્યુટી મેયરની નિમણુંક માટે તા. 11 જૂનને સોમવારે પ્રદેશ BJP (ભાજપ) પાર્લામેન્ટરી બોર્ડની એક બેઠક મળશે જેમાં અમદાવાદ સહિતની છ મહાનગરપાલિકાના મેયર અને ડેપ્યુટી મેયરના નામની પસંદગી પર મંજૂરીની મહોર મારવામાં આવશે.
જેમાં ગુજરાત પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, ડેપ્યુટી સીએમ નિતીન પટેલ, પ્રદેશ ઉપપ્રમુખ આઈ. કે. જાડેજા, સંગઠન મંત્રી ભીખુભાઈ દલસાણિયા સહિતના સભ્યો ઉપસ્થિત રહીને રાજ્યની છ મહાનગરપાલિકાઓના મેયર અને ડેપ્યુટી મેયરની મુદત પૂર્ણ થઈ રહી ત્યારે તેમાં નવા મેયર અને ડેપ્યુટી મેયરની નિમણુંક માટે નામોની પસંદગી કરીને તેને મંજૂરીની મહોર મારશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગર એમ છ મહાનગરપાલિકાની મેયર-ડેપ્યુટી મેયરની અઢી વર્ષની સમય મર્યાદા પૂરી થાય છે. હવે આગામી પખવાડિયામાં આ છ મહાનગરપાલિકામાં ભાજપનું શાસન હોવાથી મેયર-ડેપ્યુટી મેયરના પદ માટે નવા ઉમેદવારોની પસંદગી કરવા કરવામાં આવશે.